જામનગરમાં એબીવીપીના કાર્યકર પર હુમલો: અરજી પાછી ખેંચવા દબાણ કરી ધમકી
જામનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના કાર્યક્રમ અને કેમ્પસ કારોબારીની ઘોષણામાં ખલેલ પહોંચાડવા અંગે અગાઉ કરવામાં આવેલી અરજીનો ખાર રાખીને એબીવીપીના પૂર્ણકાલીન વિસ્તારક ભાર્ગવભાઈ પર હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. આ બનાવમાં ચાર શખ્સો સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.
જામનગરના મંગલબાગ શેરી નં. ૩માં રહેતા અને અભ્યાસ કરતા તથા એબીવીપીના પ્રદેશ સહમંત્રી તરીકે જવાબદારી સંભાળતા ઋત્વિકભાઈ યોગેશભાઈ ભીલાએ ગત રાત્રીના સીટી બી ડીવીઝનમાં હાર્દિકસિંહ ચુડાસમા તથા પાર્થ રાવલ, ભારત ગોસ્વામી અને એક અજાણ્યા શખ્સ રહે. બધા જામનગરની વિદ્ધ જુદી જુદી કલમ મુજબ ફરિયાદ નોંધાવી હતી.
જેમાં જણાવ્યું હતું કે આરોપી હાર્દિકસિંહ જે એબીવીપી સાથે જોડાયેલ નથી તેમ છતાં એબીવીપીના કાર્યક્રમ અને કેમ્પસ કારોબારીની ઘોષણામાં આવીને ખલેલ પહોંચાડતા હોય જે બાબતનો ખાર રાખીને ચારેય શખ્સોએ ફરિયાદી તથા તેમના મિત્ર ભાર્ગવભાઇ કે જેઓ એબીવીપીના પુર્ણકાલીક વિસ્તારક જામનગર શહેર વાળા હોય તેમની સાથે બોલાચાલી ઝઘડો કરી ઝપાઝપી કરીને ભાર્ગવભાઇને મુંઢ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી હતી.
આ ફરિયાદના આધારે પીએસઆઇ ગોવાણી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. અગાઉ પોલીસમાં અરજી કરવામાં આવી હતી જે બાબતે મનદુ:ખ રાખીને આ બનાવ બન્યાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.