જામનગરના અમરનાથ યાત્રા સંઘે કર્યા બાબા બર્ફાનીના દર્શન
વરસાદ અને કઠિન પરિસ્થિતિ વચ્ચે શિવભક્તોએ ઉત્સાહભેર પૂર્ણ કરી પવિત્ર યાત્રા: બમ-બમ ભોલે અને હર-હર મહાદેવના જયઘોષથી ગુંજ્યું અમરનાથ ધામ
જામનગર શહેરમાંથી બાબા બરફાનીના પવિત્ર દર્શનાર્થે રવાના થયેલો પ્રથમ અમરનાથ યાત્રા સંઘ સફળતાપૂર્વક અમરનાથ ધામ પહોંચી ગયો છે. વિવિધ ટ્રેન અને અન્ય વાહન વ્યવસ્થાના માધ્યમથી યાત્રાધામ પહોંચેલા તમામ શિવભક્તોએ પવિત્ર હિમલિંગ સ્વરૂપે બિરાજમાન બાબા બરફાનીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
યાત્રા દરમિયાન અનેક સ્થળોએ વરસાદ તેમજ પ્રતિકૂળ હવામાનનો સામનો કરવો પડ્યો હોવા છતાં શિવભક્તોના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહોતો. કઠિન ચઢાણ અને પડકારજનક માર્ગ પાર કરીને શ્રદ્ધાળુઓ ભારે ભક્તિભાવ સાથે અમરનાથ ગુફા સુધી પહોંચ્યા હતા.
અમરનાથ ગુફામાં પહોંચતા જ બમ બમ ભોલે અને હર હર મહાદેવના ગગનભેદી જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. બાબા બરફાનીના દિવ્ય દર્શન કરીને યાત્રાળુઓએ પોતાના જીવનને ધન્ય ગણાવ્યું હતું અને સૌના સુખ, શાંતિ, સમૃદ્ધિ તેમજ દેશના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
યાત્રા સંઘના સભ્યોએ જણાવ્યું હતું કે માર્ગમાં વરસાદ અને અન્ય મુશ્કેલીઓ હોવા છતાં બાબા બરફાની પ્રત્યેની અડગ શ્રદ્ધા અને ભક્તિના બળે યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. જામનગરના તમામ શિવભક્તોમાં આ સફળ યાત્રાને લઈને આનંદ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.