BREAKING NEWS

જામનગર : દ્વારકાના જામખંભાળીયામાં ‘ઇસરો’ બનાવશે અર્થ સ્ટેશન

  • November 28, 2025 06:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



દેવભૂમિ દ્વારકાના હેડ કવાર્ટર જામખંભાળીયામાં ‘ઇસરો’ દ્વારા અર્થ સ્ટેશન બનાવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે હાલારના મહત્વમાં વધારો થાય છે, અત્રે નોંધનીય છે કે, જગતમંદિર, રિલાયન્સ, ટાટા, ન્યારા, એસ્સાર અને વિશ્ર્વકક્ષાના ઇટ્રાના આયુર્વેદિક સેન્ટરના કારણે જામનગરનું નામ વિશ્ર્વભરમાં ગાજતું થયું છે અને હવે ઇસરોની પણ જિલ્લા પર નજર ઠરી છે.


વિશ્વભરમાં અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં ઈસરો રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે. ગુજરાત સરકારે પણ સ્પેસ ટેક્નોલોજી પોલિસીની જાહેરાત કરી છે. ત્યારે ઇસરો દ્વારા જામખંભાળિયામાં ૨૫ એકર જમીન પર કરોડોના ખર્ચે નવું અર્થ સ્ટેશન બનાવાઈ રહ્યું છે. આ અર્થ સ્ટેશનનો કયા કયા ક્ષેત્રે ઉપયોગ કરાશે તે અંગે  ચેરમેને જાહેરાત કરી હતી. હવે આ મુદ્દે સ્પેસ એપ્લિકેશન સેન્ટર (અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર) અમદાવાદના ડાયરેક્ટર નિલેશ એમ. દેસાઈએ મિડીયા સાથેની વાતચીતમાં વિસ્તૃત વિગતો આપી છે.


જામખંભાળિયામાં બની રહેલા ઈસરોના નવા અર્થ સ્ટેશન વિશે એમણે જણાવ્યું છે કે, આગામી ૪ વર્ષમાં ભારતની સુરક્ષામાં મદદ માટે સરકારે બાવન સેટેલાઈટ બનાવવાની મંજૂરી આપી છે. જે અંતર્ગત ઈસરો રિમોટ સેન્સિંગ, કેમેરા અને રડારવાળા કોમ્પ્લિકેટેડ ૨૧ સેટેલાઈટ બનાવી રહ્યું છે. આ ઉપરાંત નાના અને પ્રમાણમાં સરળ ૩૧ સેટેલાઈટ પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓ દ્વારા નિર્માણ થઇ રહ્યા છે. ઇસરોનો-૧ સેટેલાઈટ પણ તૈયાર થઇ ગયો છે, જે આગામી સમયમાં  વ્હિકલ ઉપલબ્ધ થતા લોન્ચ થશે. આ સેટેલાઈટ ૩૬૦૦૦ કિલોમીટરની ઊંચાઈથી પૃથ્વીની તસવીરો લઈ શકશે. એ સિવાય તે હવામાન સહિતની માહિતી મેળવવા પણ ઉપયોગી થશે.


આ વિશે વધુ વાત કરતા તેમણે જણાવ્યું કે, હાલ ઈસરોમાં અનેક પ્રકારના કેમેરાવાળા ૧૩ અને ૭ રડાર સેટેલાઈટનું કામ ચાલી રહ્યું છે. આ સેટેલાઈટ બનાવવા માટે ૪ વર્ષની સમયમર્યાદા છે, જેમાં ૬ મહિના પૂરા થઈ ગયા છે એટલે કે હવે ૩.૬ વર્ષના સમય ગાળામાં આ સેટેલાઈટ બની જશે.


આ સેટેલાઈટ લોન્ચ થયા પછી તેનો ઉપયોગ કરવા ગ્રાઉન્ડ પર અર્થ સ્ટેશન (ભૂ-કેન્દ્ર) બનાવવાનું કામ ગુજરાતના દરિયાકાંઠે આવેલા જામ ખંભાળિયામાં થઈ રહ્યું છે. આ અર્થ સ્ટેશન સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ૨૫ એકર જમીન પર બની રહ્યું છે, જે લગભગ ૧૦૦ કરોડથી વધુના ખર્ચે બનીને આગામી ૩-૪ વર્ષમાં તૈયાર થઈ જશે. અત્યારે સાઈટ પર સોઇલ ટેસ્ટિંગ અને અન્ય જરૂરી કાર્યવાહી થઈ રહી છે. આ માટે હવે સિવિલ, મિકેનિકલ અને ઈલેક્ટ્રિકના કામો અંગે જરૂરી પ્રક્રિયા ચાલુ કરાશે. આ અર્થ સ્ટેશનની મદદથી સેટેલાઈટ દ્વારા રિમોટ સેન્સિંગને લગતી જરૂરી સેવાઓ, જેમ કે હવામાન, સુરક્ષા અને કૃષિ સહિતના અનેક ક્ષેત્રોની માહિતી મેળવવામાં આવશે.


અત્રે નોંધનીય છે કે, ઉપરોક્ત કેટલીક વિશેષતાઓને કારણે જામનગર અને દ્વારકા વૈશ્ર્વિક ઓળખ મેળવી ચૂક્યા છે, આ ઉપરાંત ૧૬૦૦ કી.મી. લાંબો ગુજરાતનો દરિયાકાંઠો છે, જેમાં હાલારનો સમાવેશ છે અને વાયુસેના, ભૂમિસેના, જલસેના એમ ડીફેન્સની ત્રણેય પાંખ પણ સરહદી વિસ્તારમાં હોવાથી જામનગર આ રીતે પણ ખૂબ મહત્વનું સ્થળ છે અને હવે ઇસરો પણ હાલારમાં સેન્ટર બનાવવાની જાહેરાત કરી ચૂકી છે ત્યારે જામનગરનું મહત્વ ખૂબ વઘ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application