BREAKING NEWS

જામનગરમાં ગરીબોને શું નથી પસંદ બિલ્ડીંગ: ૧૫૪ આવાસ પડયા છે ખાલી

  • May 05, 2026 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ગરીબોને શું નથી પસંદ બિલ્ડીંગ: ૧૫૪ આવાસ પડયા છે ખાલી


જામ્યુકો દ્વારા અનેક વખત જાહેરાત આપી હોવા છતાં આવાસમાં રહેવા કોઇ આવતુ નથી: કેટલાક સ્થળોએ સુવિધાનો અભાવ હોવાથી લોકો અરજી કરતા નથી: આવાસના રહેવાસીઓ વચ્ચે અવારનવાર થતા ઝઘડાના કારણે પણ ઘણા લોકોએ મોઢુ ફેરવી લીધુ છે


એક સમયે બિલ્ડીંગમાં રહેવુ સ્વપ્ન સમાન હતું, ઉંચી ઇમારતોમાં તો અમીરો અને ઉચ્ચ મઘ્યમ વર્ગ જ રહી શકે એવી માન્યતા હતી પરંતુ ગુજરાત સહિત દેશમાં ખાસ કરીને મોદી સરકારે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ બનાવીને ગરીબોને પણ ઉંચી ઇમારતોમાં રહેવાની તક આપી, એક રીતે સપનુ સાકાર કર્યું પરંતુ આવાસ યોજનાઓએ આકાર લીધા બાદ જે સ્થિતિ છે તેના પરથી એવુ લાગે છે કે કદાચ ગરીબ વર્ગ અને મિડલ કલાસને આ ઉંચી ઇમારતોમાં રહેવું પસંદ આવ્યું નથી કારણકે જામનગરમાં જ હાલમાં આવાસના ૧૫૪ ફલેટ ખાલી પડયા છે અને હવે મહાનગરપાલિકાને આ ફલેટ વેંચવા માટે અખબારોમાં યાદીઓ પ્રસિદ્ધ કરાવી પડી રહી છે. તેના પરથી એક અંદાજ નીકળે છે કે યોજનાને સફળતા મળી નથી. 


જામનગર મહાપાલિકા દ્વારા આ વર્ષમાં ત્રણ વખત ૧૫૪ આવાસ યોજનાના મકાન માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. અગાઉ પણ ત્રણેક વખત અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી ગૃહ યોજના, ઇડબલ્યુએસ એક બેડ રૂમ હોલ કિચન ટીપી સ્કીમ નં.૧ રૂ. ૩ લાખ, આજ યોજના હેઠળ એલઆઇજી પ્રકારનાં એક બેડરૂમ હોલ કીચન એમ.પી.શાહ ઉદ્યોગનર પાછળ, રે.સ.નં. ૨૦૬/૧ ફલેટની કિંમત રૂ.૭.૫૦ લાખ, પ્રધાનમંત્રી આવાસ યોજના ઇડબલ્યુ એસ એક બેડરૂમ હોલ કીચન, ટીપી સ્કીમ ૩ એ એફપીનં.૭૦ હાપામાં રૂ.૩ લાખ અને પ્રધાનમંત્રી આવાસ યોજના ડબલ્યુ એસ એક બેડરૂમ હોલ, કીચન, ટીપીસ્કીમ નં. ૩ એ, એફપી નં. ૭૧, હાપા, કિંમત રૂ.૩ લાખના તૈયાર થયેલા આવાસ માટે અરજી મંગાવવામાં આવે છે. 


અરજી ફોર્મ મેળવવા માટે તા.૬-૫-૨૬ થી ૩૧- જૂન સુધી એચડીએફસી બેંક પાર્ક કોલોની, જોગસ પાર્ક ખાતેથી મળી શકશે. આ તમામ આવાસો રેડી પઝેશનમાં છે પરંતુ કોણ જાણે કેમ ત્રણ ત્રણ વરસ જાહેરાત આપવા છતાં  આવાસમાં રહેવા કોઇ આવતું નથી એવું પણ બને છે કે અંદરોઅંદર ઝઘડાને કારણે કેટલાક લોકોએ આવાસ લીધા હોવા છતાં તેમાં રહેવા આવતા નથી. જો મહાનગરપાલિકા સારા આવાસ બનાવતી હોય તો લોકો શા માટે આ યોજનામાં ફોર્મ ભરતા નથી. તે પણ પ્રશ્ર્ન ઉભો થાય છે. ૧૫૪ આવાસોમાં અલગ અલગ સ્થળોએ આવાસ ખાલી છે અને તેની અરજી મંગાવવામાં આવી છે. 


બીજી તરફ ના.કાર્યપાલક ઇજનેર અશોક જોશીએ આજકાલ સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું છે કે હાપા વિસ્તારમાં શેલ્ટર હોમ પાસે ૫૮૪ આવાસ માટે અરજી મંગાવાવમાં આવી છે પરંતુ ૧૮૦ અરજીઓ આવી છે. કોર્પોરેશનનાં પ્લાન મુજબ હાપા માર્કેટીંગ યાર્ડ વિસ્તારમાં આશરે ૧૬૦૦ જેટલા આવાસો બનાવવા માટે શાસકોએ નિર્ધાર કર્યો છે પરંતુ આવનારા દિવસોમાં આ યોજનાને ધીમો પ્રતિસાદ મળશે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application