BREAKING NEWS

ખંભાળિયામાં આખલાએ લીધો બાળકનો જીવ

  • May 04, 2026 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં આખલાએ લીધો બાળકનો જીવ 


૧૩ વર્ષના માસૂમ બાળકને શિંગડે ચડાવી મોતને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં શોક: તંત્રની ઘોર બેદરકારીથી સ્થાનિકોમાં ભારે રોષ-આક્રોશ


ખંભાળિયા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ હવે હદ વટાવી ચૂક્યો છે અને તે સ્થાનિક નાગરિકો માટે કાળ સાબિત થઈ રહ્યો છે. શહેરના ધરમપુર વિસ્તારમાં બનેલી એક અત્યંત હૃદયદ્રાવક અને કમકમાટીભરી ઘટનામાં, રખડતા આખલાએ એક ૧૩ વર્ષના માસૂમ બાળકનો જીવ છીનવી લેતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને તંત્ર સામે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.


મળતી વિગતો મુજબ, ધરમપુર વિસ્તારના મુખ્ય માર્ગ પરથી ૧૩ વર્ષીય સાહિલ મહેન્દ્રભાઈ નકુમ નામનો આશાસ્પદ કિશોર પોતાની સાયકલ લઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક જ એક રખડતા આખલાએ તેના પર જીવલેણ હુમલો કરી દીધો હતો.


આખલો એટલો હિંસક બન્યો હતો કે તેણે પોતાના તીક્ષ્ણ શિંગડા સાહિલના છાતીના ભાગે જોરથી ભોંકી દીધા હતા. હુમલાને પગલે માસૂમ બાળક લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડ્યો હતો.


આ ગંભીર ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોહીથી લથબથ સાહિલને તેના પરિવારજનો સારવાર માટે તાકીદે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું; ગંભીર ઈજાઓના કારણે સારવાર મળે તે પહેલા જ સાહિલે દમ તોડી દીધો હતો. તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. ૧૩ વર્ષના વહાલસોયા દીકરાના અકાળે અવસાનથી પરિવારમાં કરુણ કલ્પાંત છવાઈ ગયો છે અને સ્વજનોના હૈયાફાટ ‚દનથી હોસ્પિટલનું વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું.

​​​​​​​
અત્રે નોંધનીય છે કે, ખંભાળિયા પંથકમાં લાંબા સમયથી રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય બની ગયો છે. અવારનવાર રસ્તાઓ પર આખલાઓ યુદ્ધે ચડતા હોય છે અને રાહદારીઓ તેમજ વાહનચાલકોને અડફેટે લેતા હોય છે. તંત્રની ઘોર બેદરકારી અને આ સમસ્યા પ્રત્યેની ઉદાસીનતાના કારણે આજે એક માસૂમ અને આશાસ્પદ બાળકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. સ્થાનિકોમાં આ ઘટનાને પગલે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, આખરે આ રખડતા આખલાઓના આતંકમાંથી મુક્તિ ક્યારે મળશે...? શું તંત્ર હજુ પણ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે...? નગરજનો હવે તંત્ર સામે આકરા પગલાં લેવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application