જામનગરમાં રમતગમતના મેદાનની સળગતી સમસ્યા છે. જેના કારણે હાલમાં પોલીસ અને એલઆરડીની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો ત્રાહીમામ પોકારી ગયા છે.મોટા મોટા વિકાસકાર્યોના દાવા અને કાગનો વાઘ કરતી જામ્યુકો રમતગમતનું મેદાન આપવામાં નિષ્ફળ રહેતા આમાં કયાંથી આગળ વધે જામનગર તે સવાલ ઉઠ્યો છે.બીજી બાજુ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ભારે રઝળપાટથી ઉમેદવારો ભારે હતાશ થઇ રહ્યા છે.નવાઇની વાત તો એ છે કે, સ્પાર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ શહેરમાં મેદાનની પૂરતી અને યોગ્ય સુવિધા ન હોય પારવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે મનપાના જવાબદારોની ઇચ્છાશકિતનો અભાવ છે કે ઇરાદાપૂર્વક આંખા આડા કાન કરવામાં આવે છે શહેરીજનોને સમજાતું નથી. ત્યારે શહેરમાં ફલાયઓવરની જેમ મેદાન પણ અતિ જરૂરી હોવાની માંગ જોરશોરથી ઉઠી છે.
રાજયમાં પીએસઆઇ અને એલઆરડીની સ્પર્ધાત્મ પરીક્ષા આગામી દીવસોમાં લેવાશે. આ બંને મળી કુલ ૧૩૫૯૧ જગ્યા માટે રાજયભરમાં અંદાજે ૧૪.૫૦ લાખ ફોર્મ ભરાયા હતાં. જેમાંથી ૧૩.૫૦ લાખ જેટલા ફોર્મ મંજૂર થયા છે. આ પરીક્ષામાં ઉમેદવારોની પહેલા શારીરીક કસોટી લેવામાં આવે છે. જેમાં પુષોએ ૫ કીલોમીટરની દોડ ૨૫ મીનીટમાં અને મહીલા ઉમેદવારોએ ૧૬૦૦ મીટરની દોડ ૯.૫ મીનીટમાં પૂર્ણ કરવાની હોય છેે. રાજયની સાથે જામનગરમાં મોટી સંખ્યામાં યુવકો અને યુવતીઓએ આ પરીક્ષા માટે ફોર્મ ભર્યા છે.

આ પરીક્ષાની શારીરીક કસોટી માટેના કોલ લેટર ઉમેદવારોને આવી ગયા છે. આથી જામનગરના ઉમેદવારો તૈયારીમાં લાગ્યા છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, શહેરમાં આ પરીક્ષાની શારીરીક તૈયારી કરવા માટે પૂરતી અને યોગ્ય મેદાનની સુવિધા જ નથી. કારણ કે, ધન્વતરી ગ્રાઉન્ડ છે તેની જાળવણીના અભાવથી મેદાનમાં ખાડા સહીતની સમસ્યાથી ઉમેદવારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આટલું ઓછું હોય તેમ મેદાન ખુલવાનો તથા બંધ થવાનો સમયં પણ અનિશ્ર્ચતિ હોવાની ફરિયાદો જોરશોરથી ઉમેદવારોમાં ઉઠી છે. જેના કારણે હાલમાં ઉમેદવારોને કડકડતી ઠંડીમાં નાછૂટકે સવારે અંધારામાં દોડ સહીતની તૈયારી કરવાની ફરજ પડી રહી છે.
બીજી બાજુ પોલીસ હેડકર્વાટરના મેદાનમાં પણ આગામી દીવસોમાં આ પરીક્ષા લેવાની હોય ટૂંક સમયમાં ઉમેદવારો આ ગ્રાઉન્ડનો ઉપયોગ કરી શકશે નહીં. આમ શહેરમાં સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સમખાવા પૂરતું એક પણ યોગ્ય રમતગમતનું મેદાન ન હોય ઉમેદવારોને ભારે રઝળપાટ થઇ રહી છે. આટલું જ નહીં પરીક્ષાની યોગ્ય તૈયારી ન કરી શકતા પરિણામ પણ નબળું રહેવાની શકયતા નકારી શકાતી નથી. જેના કારણે આમાં કયાંથી આગળ વધશે જામનગર તે સવાલ ઉઠયો છે. નવાઇની વાત તો એ છે કે, મોટા મોટા વિકાસના દાવા કરતી અને રમતગમતના મેદાન અંગે લોલીપોપ આપતી મહાનગરપાલીકાના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો પ્રચંડ રોષની લાગણી ફેલાઇ છે.
ચોંકાવનારી બાબત તો એ છે કે, શહેરમાં ભૂગર્ભ ગટર, સીસી રોડ સહીતના સીમેન્ટ-ક્રોકીંટના જંગલો ઉભા કરવામાં મગ્ન જામ્યુકોના જવાબદારો રમતગમતનું મેદાન શા માટે બનાવતા નથી અને ફકત ઠાલા આશ્ર્વાસનો આપે છે તે સમજાતું નથી. એકબાજુ કેન્દ્ર અને રાજય સરકાર રમતગમતને ભરપૂર પ્રોત્સાહન આપી રહી છે ત્યારે મહાનગરપાલીકાના જવાબદારો એક રમતગમતનું મેદાનની સુવિધા આપવામાં પણ નિષ્ફળ રહેતા ઇચ્છાશકિત નથી કે ઇરાદાપૂર્વક આંખ આડા કાન કરવામાં આવે છે તે મુદો શહેરીજનોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application