ખંભાળિયામાં જલારામ જયંતીની ભક્તિભાવ પુર્વક ઉજવણી
જલારામ મંદિરે આરતી, નૂતન ધ્વજારોહણ, અન્નકૂટ-રંગોળી, સમૂહ પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
ભૂખ્યાને ભોજનના જીવન આશય સાથે સેવા-સમર્પણ માટે જીવન વ્યતિત કરીને સંત શિરોમણીની ઉપમા પામેલા પૂજ્ય જલારામ બાપાની આજે ૨૨૭ ની જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખંભાળિયા પંથકમાં ખૂબ જ ઉમંગ ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે જલારામ મંદિરે નૂતન ધ્વજારોહણ, અન્નકૂટ દર્શન, સમૂહ પ્રસાદ, સહિતના વિવિધ આયોજનો ઉપરાંત જલારામ બાપાની શોભાયાત્રા અને નવી મહાજન વાડી ખાતે નાતનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની ૨૨૭ મે જન્મ જયંતીના પાવન પ્રસંગે ખંભાળિયાના જલારામ મંદિરને આકર્ષક રોશની સાથે સુંદર સાજ-શણગાર વડે સજવામાં આવ્યું હતું. જલારામ જયંતિની પૂર્વ સંધ્યાએ ગઈકાલે રવિવારે જલારામ મંદિર ખાતે જલારામ સત્સંગ મંડળના નેજા હેઠળ પૂજ્ય જલારામ બાપાની ઝાંખીનું સુંદર આયોજન થયું હતું.
આજે વહેલી સવારેથી જલારામ મંદિર ખાતે ખૂબ મોટી સંખ્યામાં જલારામ ભક્તો ઉમટી પડ્યા હતા અને અહીં મંદિર પરિસરની ૧૦૮ પ્રદક્ષિણા કરી, પોતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત આજે સવારથી પૂ. જલારામ બાપાને અન્નકૂટના અલભ્ય દર્શન, નૂતન ધ્વજારોહણ, તેમજ મહાપ્રસાદના સુંદર કાર્યક્રમો યોજાયા હતા. આટલું જ નહીં, રઘુવંશી બહેનો દ્વારા નિજ મંદિરમાં પૂ. બાપાની વિશાળ અને સુંદર રંગોળી બનાવવામાં આવી હતી. જે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી.
ખંભાળિયા લોહાણા મહાજન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બપોરે નવી લોહાણા મહાજન વાડી ખાતે સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિનું સમૂહ ભોજન (સારસ્વતમાં માસ્તાન) પણ યોજવામાં આવ્યું હતું. જલારામ જયંતિ નિમિત્તે દર વર્ષે યોજાતી પરંપરાગત શોભાયાત્રા પણ આજે બપોરે જલારામ મંદિર ખાતેથી યોજવામાં આવી હતી.
ખંભાળિયામાં બેઠક રોડ પર આવેલી નવી લોહાણા મહાજન વાડી ખાતે આજે સાંજે રઘુવંશી જ્ઞાતિના બહેનો માટે તેમજ રાત્રે ભાઈઓ માટે સમૂહ પ્રસાદ (નાત)નું સુંદર અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ આયોજનો માટે લોહાણા મહાજનના ટ્રસ્ટીઓ, જ્ઞાતિની વિવિધ સેવાઓ સંસ્થાઓ, હોદ્દેદારો તથા કાર્યકરો દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application