જામનગરના પુરાતત્વીય સંગ્રહાલય ખાતે ‘આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ’ની ઉજવણી અંતર્ગત બાંધણી કળા અને મંડલા આર્ટ વિશે વર્કશોપ યોજાયો
જામનગર તા.૧૯ મે, દરવર્ષે ૧૮મે ના રોજ સમગ્ર વિશ્વમાં ‘આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ’ (International Museum Day) ની ઉજવણી કરવામાં આવે છે. આપણી ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત તેમજ સ્થાનિક કલા-વારસાથી લોકોને પરિચિત કરવાના ઉદ્દેશ્ય સાથે જામનગરના ઐતિહાસિક પુરાતત્વીય સંગ્રહાલય ખાતે એક વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરની સુપ્રસિદ્ધ ‘બાંધણી કળા વર્કશોપ’ અને ‘મંડલા આર્ટ વર્કશોપ’નું એકસાથે આયોજન કરવામાં આવ્યું હતું.
આ બન્ને સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆતમાં પુરાતત્વીય સંગ્રહાલયના ક્યુરેટર ડૉ. ધીરજ વાય. ચૌધરી દ્વારા ઉપસ્થિત સૌ કલાપ્રેમીઓ અને મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસનું વૈશ્વિક મહત્વ સમજાવી, માનવ જીવનમાં કળા, સંસ્કૃતિ અને ઇતિહાસના અરસપરસ જોડાણ પર વિશેષ પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઉમેર્યું કે જામનગરની સદીઓ જૂની હસ્તકલા બાંધણી અને આધ્યાત્મિક મંડલા આર્ટ બંને મનની એકાગ્રતા, બારીકાઈ અને અપાર ધીરજના ઉત્કૃષ્ટ પ્રતીક છે.
આ કાર્યક્રમમાં જામનગરના ‘પારેખ મગનલાલ વિરજી એન્ડ સન્સ’ ના સહયોગથી બાંધણી વર્કશોપનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત કલાકારશ્રી ધર્મેશભાઇ પારેખ અને તેમના પરિવાર દ્વારા ઉપસ્થિત લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કલાકારો દ્વારા જામનગરની વિશ્વવિખ્યાત બાંધણી કળાના ઇતિહાસ, પરંપરાગત બાંધવાની વિવિધ શૈલીઓ અને તેની જટિલ રંગકામ પ્રક્રિયાનું જીવંત પ્રદર્શન (Live Demonstration) બતાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં કલા નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ મંડલા આર્ટ વર્કશોપ યોજાયો હતો. જેમાં તાલીમાર્થીઓને મંડલા આર્ટના બેઝિક સ્ટેપ્સ, કેન્દ્રબિંદુનું મહત્વ, વિવિધ ભૌમિતિક આકારોની ગોઠવણ અને તેનાથી મળતી માનસિક શાંતિ (આર્ટ થેરાપી) વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ સંયુક્ત કાર્યક્રમમાં કળા પ્રત્યે રસ ધરાવતા શાળા-કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ તેમજ જામનગરના પ્રબુદ્ધ નાગરિકો મળીને કુલ ૫૦ વ્યક્તિઓએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સહભાગીઓએ પરંપરાગત બાંધણીની બારીકાઈઓ શીખી હતી અને સાથે જ કાગળ તેમજ કેનવાસ પર સુંદર મંડલા કૃતિઓ કંડારી હતી. જામનગરના આ ઐતિહાસિક સંગ્રહાલયની મુલાકાતે આવેલા પ્રવાસીઓ અને નગરજનો માટે વૈશ્વિક અને સ્થાનિક હસ્તકળાનો આ સમન્વય એક અનોખો અને પ્રેરણાદાયી અનુભવ સાબિત થયો હતો.
કાર્યક્રમના અંતે ક્યુરેટર ડૉ. ધીરજ વાય. ચૌધરી અને સંગ્રહાલયના સ્ટાફ દ્વારા સહયોગી પારેખ પરિવાર, કલાકારો અને તમામ સહભાગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.