દેવભૂમિ દ્વારકા: દ્વારકાધીશના સાનિધ્યમાં દિવાળી અને નૂતન વર્ષની ભક્તિભાવપૂર્વક ઉજવણી
જગત મંદિરમાં દર્શન માટે ઉમટ્યો ભાવિકોનો મહેરામણ: હોટલ, ગેસ્ટ હાઉસ, હોમ સ્ટે અને જ્ઞાતિની વાડીઓ હાઉસફૂલ
દેવભૂમિ દ્વારકાના સુપ્રસિદ્ધ જગત મંદિરમાં દિવાળીના પર્વની ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દિવાળીના પાવન અવસરે ભગવાન દ્વારકાધીશને વેપારી સ્વરૂપમાં અલૌકિક શણગાર સાથે ભક્તોને દર્શન આપ્યાં હતાં. દ્વારકાધીશ સમક્ષ સોના-ચાંદીના તોલા તથા હાટડી ભરવાની પરંપરાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેને હાટડી દર્શન તરીકે ઓળખવામાં આવે છે.
ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન દ્વારકાધીશ ભક્તોના કર્મ અનુસાર સુખ-દુ:ખનું ફળ આપે છે. જોકે, પોતાના લાડકા કાળિયા ઠાકોરને રાજાધિરાજ સ્વરૂપે નિહાળીને ભક્તો ભાવવિભોર બન્યા હતા. સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.
હિન્દુ ધર્મના નૂતન વર્ષની શરૂઆતના પ્રથમ દિવસે પણ દ્વારકાધીશના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકા પહોંચ્યા હતા. વર્ષના પ્રથમ દિવસે ભગવાનના ચરણોમાં શીશ નમાવી પરિવારની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણની પ્રાર્થના કરવા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભગવાન દ્વારકાધીશે પણ પોતાના ભક્તોને અલૌકિક દર્શન અને આશીર્વાદ આપ્યા હતા.
નૂતન વર્ષના દિવસે ભાવિકોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ મંદિર વહીવટદાર સમિતિ દ્વારા પણ શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન કરી શકે તે માટે યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. વહેલી સવારથી જ જગત મંદિરના ૫૬ પગથિયાં સુધી દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. ભગવાન દ્વારકાધીશની એક ઝલક મેળવવા માટે ભક્તો આતુર નજરે રાહ જોતા જોવા મળ્યા હતા.
દિવાળી અને નૂતન વર્ષના પર્વ બાદ હવે જગત મંદિરમાં ગોવર્ધન પૂજાની ધાર્મિક પરંપરા નિભાવવામાં આવશે. આ પ્રસંગે ગૌવંશની નાનકડી વાછરડીને ભગવાન દ્વારકાધીશ સમક્ષ લાવી લાડ લડાવવામાં આવશે અને તેની વિધિવત પૂજા કરવામાં આવશે. આ અનોખી પરંપરાના દર્શન કરવા માટે પણ ભક્તોમાં વિશેષ ઉત્સુકતા જોવા મળશે.ત્યારબાદ ભાઈબીજના પવિત્ર પર્વે ગોમતી નદીમાં સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્ત્વ રહેલું છે. લોકવાયકા મુજબ આ દિવસે ભાઈ-બહેન સાથે મળીને ભગવાન દ્વારકાધીશના ચરણો પાંખડતી પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરે છે. બહેન દ્વારા ગોમતીના પવિત્ર જળમાં દીપદાન કરવાની પરંપરા પણ નિભાવવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે ભાઈ-બહેન સાથે સ્નાન કરવાથી ભાઈના જીવનમાંથી મુશ્કેલીઓ અને અંધકાર દૂર થાય છે, આરોગ્ય સારું રહે છે તથા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ પ્રાપ્ત થાય છે.
આમ, દિવાળીના પાવન પર્વથી લઈને નૂતન વર્ષ, ગોવર્ધન પૂજા અને ભાઈબીજ સુધી દ્વારકાધામમાં ધાર્મિક પરંપરાઓ અને ભક્તિભાવનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. દેશભરમાંથી આવતા શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના સાનિધ્યમાં દર્શન, પૂજન અને વિવિધ ધાર્મિક ઉત્સવોનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે.
જગતમંદિરમાં દર્શન માટે લાંબી કતારો લાગી:
યાત્રાધામ દ્વારકામાં નૂતન હિન્દુ વર્ષના પ્રારંભે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી નવા વર્ષની મંગલમય શરૂઆત કરવા વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો ભારે પ્રવાહ ઉમટ્યો હતો. ભાઈબીજના પવિત્ર પર્વના અવસરે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં આવેલા કૃષ્ણભક્તોના આગમનથી સમગ્ર દ્વારકા નગરી ભક્તિમય બની હતી. ભગવાન દ્વારકાધીશ પ્રત્યેની અખૂટ આસ્થા સાથે હજારોની સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે પહોંચ્યા હતા. સવારે મંગળા આરતી સાથે જગતમંદિરના દર્શન શરૂ થતાં જ સ્વર્ગદ્વાર અને મોક્ષદ્વાર તરફ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ભગવાન દ્વારકાધીશના અલૌકિક દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ કલાકો સુધી કતારમાં ઊભા રહી પોતાની વારની રાહ જોતા જોવા મળ્યા હતા. રિલાયન્સ રોડથી કીર્તિસ્તંભ થઈ સ્વર્ગદ્વાર સુધી ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. સમગ્ર માર્ગ પર ભક્તોની ભારે અવરજવરથી દ્વારકામાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. નવા વર્ષના પ્રથમ દિવસે ભગવાન કાળિયા ઠાકોરના દર્શન કરી વર્ષભર સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેવી ભાવના સાથે શ્રદ્ધાળુઓએ મંદિરમાં શીશ નમાવ્યું હતું. બીજી તરફ પવિત્ર ગોમતી નદીમાં પણ મોટી સંખ્યામાં ભાવિકોએ આસ્થાની ડૂબકી લગાવી ધન્યતા અનુભવી હતી. ગોમતી ઘાટ પર વહેલી સવારથી જ સ્નાન, પૂજન અને ધાર્મિક વિધિઓનો માહોલ જોવા મળ્યો હતો. નૂતન વર્ષ અને ભાઈબીજના પવિત્ર અવસરે દ્વારકા જગતમંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નવા વર્ષની શરૂઆત જ દ્વારકાધીશના આશીર્વાદ સાથે કરવાની ભાવના લઈને પહોંચેલા શ્રદ્ધાળુઓના કારણે ધર્મનગરી દ્વારકામાં ચારેતરફ કૃષ્ણભક્તિનો માહોલ છવાયો હતો.
યાત્રાધામ દ્વારકામાં ગોમતીઘાટ પર ભાઈબીજની ભક્તિભાવપૂર્વક ઉજવણી:
યાત્રાધામ દ્વારકામાં ભાઈબીજના પવિત્ર પર્વની ગોમતીઘાટ ખાતે પરંપરાગત રીતે હર્ષોલ્લાસ અને ધાર્મિક માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. ભાઈ-બહેનના પવિત્ર સંબંધ, અતૂટ પ્રેમ અને લાગણીના પ્રતીક સમાન આ પર્વ નિમિત્તે બહેનોએ ગોમતી નદીના પવિત્ર જળમાં દીપદાન કરી પોતાના ભાઈના સુખ, સમૃદ્ધિ અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. દિવાળીના પર્વના બે દિવસ બાદ કારતક સુદ બીજના દિવસે ભાઈબીજની ઉજવણી કરવામાં આવે છે. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર, આ દિવસે યમરાજ પોતાની બહેન યમુનાને મળવા માટે તેમના ઘરે આવ્યા હતા. યમુનાજીએ ભાઈનું તિલક કરી ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું. બહેનના આ પ્રેમથી પ્રસન્ન થઈ યમરાજે વરદાન આપ્યું હતું કે જે ભાઈ આ દિવસે પોતાની બહેનના ઘરે જઈ તિલક કરાવશે તેને દીર્ઘાયુષ્ય અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થશે. આ પરંપરાને અનુસરીને ભાઈબીજના દિવસે બહેનો પોતાના ભાઈના કપાળે કુમકુમનું તિલક કરી તેના ઉજ્જવળ ભવિષ્ય અને લાંબા આયુષ્યની મંગલકામના કરે છે. બીજી તરફ ભાઈ પણ જીવનભર બહેનની પડખે ઊભા રહેવા અને તેની રક્ષા કરવાનો સંકલ્પ વ્યક્ત કરે છે. દ્વારકાના પવિત્ર ગોમતીઘાટ પર પણ આ પર્વની વિશેષ ધાર્મિક મહત્તા જોવા મળી હતી. બહેનોએ ગોમતી નદીના પવિત્ર જળમાં દીપ પ્રગટાવી દીપદાન કર્યું હતું અને પોતાના ભાઈના જીવનમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી. ભક્તિ અને ભાવનાના અનોખા સંગમ વચ્ચે યોજાયેલી આ ઉજવણી ભાઈ-બહેનના નિ:સ્વાર્થ પ્રેમ અને પવિત્ર સંબંધની સુંદર અભિવ્યક્તિ બની રહી હતી.