જામનગરમાં જલાબાપાનો જયજયકાર: લોહાણા સમાજનું નાત જમણ
જામનગરમાં સંત શિરોમણી પુ.જલારામ બાપાની રર૭મી જન્મજયંતિ નિમિતે અનેક ધાર્મિક કાર્યક્રમો અને સેવાકીય કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જલારામ મહોત્સવ સમિતિના નેજા હેઠળ સમસ્ત લોહાણા સમાજ દ્વારા આ વર્ષે સમસ્ત લોહાણા સમાજના ૨૮માં સમુહ ભોજન (નાત) યોજાઇ હતી, જેમાં રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ગ્રુપના કોર્પોરેટ અફેર્સના ગ્રુપ પ્રેસીડેન્ટ પરિમલભાઇ નથવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જલારામ જયંતિ મહોત્સવ સમિતિની ૧૯૯૯માં સ્થાપના કરવામાં આવી હતી. છેલ્લા ૨૭ વર્ષથી જલાબાપાના મહોત્સવની આસ્થાપુર્વક સમિતિ દ્વારા તેમજ સમગ્ર લોહાણા સમાજ દ્વારા કરવામાં આવે છે. જેમાં અનેક ધાર્મિક કાર્યક્રમો અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
જલારામ જયંતિ મહોત્સવ સમિતિના જીતુભાઇ લાલ, રમેશભાઇ દતાણી, ભરતભાઇ મોદી, મનોજભાઇ અમલાણી, રાજુભાઇ કોટેચા, અનિલભાઇ ગોકાણી, અતુલભાઇ પોપટ, ભરતભાઇ કાનાબાર, નિલેશભાઇ ઠકરાર, રાજુભાઇ મારફતિયા, રાજુભાઇ હિંડોચા, મધુભાઇ પાબારી અને મનીષભાઇ તન્ના સહિતની ટીમ દ્વારા સુચા આયોજન કરવામાં આવ્યું છે.
આજે જલારામ જયંતિ નિમિતે સવારે ૬ વાગ્યે રઘુવંશી સ્વયંસેવકોનું સંમેલન યોજાયુ હતું. જેમાં બહોળી સંખ્યામાં સ્વયંસેવકોની સાથે જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ૭ વાગ્યે લીમડાલાઇન સ્થિત ગૌશાળામાં ગૌમાતાને ઘાસ વિતરણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ સવારે ૧૦ થી ૨ દરમ્યાન થેલેસેમિયા પરિક્ષણ કેમ્પની સાથોસાથ જલારામ રથ દ્વારા પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ બપોરે જ્ઞાતિભોજન પુર્વે સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ સમુહ ભોજન માસ્તાન ભોજન સવારે ૧૦ થી ૧૧ દરમ્યાન યોજાયુ હતું, જેમાં બહોળી સંખ્યામાં સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિના સભ્યો પરિવારજનો સાથે જોડાયા હતા. ત્યારબાદ જામનગરનાં રણજીતનગર વિસ્તારમાં આવેલ પ્રણામી સ્કુલનાં મેદાનમાં જ્ઞાતિભોજન યોજાયુ હતું. જેમાં બહોળી સંખ્યામાં રઘુવંશી પરિવારજનો જલારામ બાપાના જયજયકાર સાથે જોડાયા હતા.
આ જ્ઞાતિભોજનની વિશેષતા એ હતી કે અશકત અને બિમાર વયોવૃદ્ધ વડીલો મહાપ્રસાદ લેવા આવી શકે નહીં તે માટે સમિતિના સેવાભાવી કાર્યકરો દ્વારા ટીફીનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે સાંજે ૭ વાગ્યે હાપા ખાતે આવેલ સુપ્રસિદ્ધ જલારામ મંદિરે તથા સાધના કોલોનીમાં આવેલ જલારામ મંદિરે મહાઆરતી તથા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રણામી સંપ્રદાયના મેદાનમાં ડો. દિપકભાઇ ભગદે અને રઘુવંશી ડોકટરની ટીમ દ્વારા સામાજીક જવાબદારી અને આરોગ્ય જાગૃતિનું પણ કાર્ય કરવામાં આવ્યું હતું.
જયાં ટુકડો ત્યાં પ્રભુ ઢુકડોનો મંત્ર આપનાર પ.પુ. સંત શિરોમણી જલારામ બાપાનો હાપા સ્થિત મંદિરે પ્રસાદીપે રોટલો ૧૦૦ ફૂટ (૧૦ બાય ૧૦) નો બનાવવામાં આવ્યો છે, આ રેકર્ડ બ્રેક રોટલો માત્ર બે કલાકમાં બનાવવામાં આવ્યો હતો. જેમાં ૮૫ કિલો બાજરો, અને ૨૮ કિલો જુવાર બે કિલો ઘીમાંથી તૈયાર કરવામાં આવ્યો હતો. જે સાંજે મહાઆરતી બાદ પ્રસાદીપે આપવામાં આવશે. આ રોટલો તૈયાર કરવામાં હાપા જલારામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઇ દતાણી તથા તેમની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. આ જલારામજયંતિ મહોત્સવમાં રાજ્યસભાના સાંસદ પરિમલભાઇ નથવાણી ઉપરાંત જાણીતા ઉદ્યોગપતિ અશોકભાઇ લાલ, દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્ના, જી.જી. હોસ્પિટલના ડીન વિજય પોપટ, ભરતભાઇ મોદી, વજુભાઇ પાબારી સહિતનાં રઘુવંશી અગ્રણીઓ જોડાયા હતા. આ જલારામ જયંતિ મહોત્સવને સફળ બનાવવા જીતુભાઇ લાલ સહિતની મહોત્સવ સમિતિ તેમજ સૌરભ બદીયાણી, ધવલ સોનછાત્રા, નીલ મોદી, રાજુ કાનાબાર, હસિત પોપટ, વ્યોમેશ લાલ, ધૈર્ય મપારા, કૌશલ દતાણી, રાજદીપ મોદી, હિરેન પારેલીયા, નિશિત રાયઠઠ્ઠા, વિશાલ પોપટ, રવિ અઢીયા સહિતની સમગ્ર ટીમ ખડેપગે હતી.