ટેકનોલોજી લોકોના કામ સરળ બનાવી રહી છે, પરંતુ ક્યારેક તે પરિસ્થિતિને વધુ ખરાબ પણ કરી શકે છે. ચીનનો એક કિસ્સો આ વાત સાબિત કરે છે. હકિકતમાં, એક માણસને તેની કંપની દ્વારા નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. કારણ કે તેની ફિટનેસ એપમાં બતાવવામાં આવ્યું હતું કે તે બીમારીની રજાના દિવસે 16,000 પગલાં ચાલ્યો હતો. કંપનીએ તેના પર બીમારીનો ઢોંગ કરીને રજા લેવાનો આરોપ મૂક્યો. ત્યારબાદ, તે માણસે કંપની સામે દાવો દાખલ કર્યો અને જીત્યો.
આ મામલો 2019નો છે, પરંતુ હવે ચીની સરકારે તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફરીથી ચર્ચામાં લાવી દીધો છે. ચેન નામનો એક કર્મચારી જિઆંગસુ પ્રાંતમાં એક કંપનીમાં કામ કરતો હતો. પીઠની ઈજાને કારણે તેણે બે વાર તબીબી રજાઓ લીધી હતી. લગભગ એક મહિના પછી, જ્યારે તે કામ પર પાછો ફર્યો, ત્યારે તેના પગમાં દુખાવો થવા લાગ્યો. ડૉક્ટરે તેને બીજા અઠવાડિયા માટે આરામ કરવાની સલાહ આપી, પરંતુ કંપનીએ ના પાડી અને ચેનને નોકરીમાંથી કાઢી મૂક્યો.
જ્યારે કેસ કોર્ટમાં પહોંચ્યો, ત્યારે કંપનીએ દાવો કર્યો કે ચેન તેની બીમારીનો ઢોંગ કરી રહ્યો હતો. આ સાબિત કરવા માટે, કંપનીએ દાવો કર્યો કે ચેનની ફિટનેસ એપ દર્શાવે છે કે તેણે બીમારીની રજા લીધી તે દિવસે તે 16,000 પગલાં ચાલ્યો હતો. કંપનીએ ચેટ લોગ અને સર્વેલન્સ ફૂટેજ પણ કોર્ટમાં રજૂ કર્યા, જેમાં દાવો કરવામાં આવ્યો કે ચેન દોડી રહ્યો છે. ચેને જવાબ આપ્યો કે તેની પાસે મેડિકલ રિપોર્ટ છે અને કંપની તેના અંગત ડેટાનો ઉપયોગ કરીને તેની ગોપનીયતાનું લઉલ્લંઘન કરી રહી છે. ત્યારબાદ કોર્ટે કંપનીને ચેનને વળતર આપવાનો આદેશ આપ્યો. કંપનીએ અપીલ કરી, પરંતુ કોર્ટે ફરીથી ચુકાદો આપ્યો કે ચેનને ગેરકાયદેસર રીતે બરતરફ કરવામાં આવ્યો છે.