BREAKING NEWS

જામનગરના આકાશમાં મેડિકલ કીટ સાથે ચિનૂક હેલિકોપ્ટરનું રિહર્સલ

  • November 16, 2026 04:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના આકાશમાં મેડિકલ કીટ સાથે ચિનૂક હેલિકોપ્ટરનું રિહર્સલ


જામનગરના આકાશમાં ગઈકાલે એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું. સામાન્ય રીતે આકાશમાં ઉડતાં વિમાનો અને હેલિકોપ્ટર જોવા મળતાં હોય છે, પરંતુ  સીએચ-૪૭ ચિનૂક હેલિકોપ્ટર નીચે લાલ રંગના પ્લસ (+)ના નિશાનવાળું મેડિકલ બોક્સ લટકાવીને ઉડતું જોવા મળતાં લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું.

આ દ્રશ્ય કુદરતી આફત કે કટોકટીની પરિસ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી કેવી રીતે હાથ ધરી શકાય તેનું પ્રાયોગિક નિદર્શન હોવાનું માનવામાં આવે છે. પૂર, ભૂકંપ કે અન્ય આપત્તિના સમયે રસ્તાઓ સંપર્કવિહોણા બની જાય અથવા અસરગ્રસ્ત વિસ્તારો સુધી વાહનો પહોંચી ન શકે તેવી સ્થિતિમાં હેલિકોપ્ટર મારફતે દવાઓ, તબીબી સાધનો અને આવશ્યક રાહતસામગ્રી પહોંચાડવાની કામગીરી અત્યંત મહત્ત્વની બની રહે છે.

જામનગરમાં કાલથી ૧૯ નવેમ્બર દરમિયાન યોજાનારી સહાયતા સેતુ મેગા મોકડ્રિલના સંદર્ભમાં આકાશમાં જોવા મળેલું આ દૃશ્ય વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ મોકડ્રિલમાં કુદરતી આફત કે અન્ય કટોકટીની સ્થિતિમાં વિવિધ બચાવ અને રાહત એજન્સીઓ વચ્ચે સંકલન, તાત્કાલિક પ્રતિસાદ તથા અસરગ્રસ્ત વિસ્તારો સુધી જરૂરી સહાય પહોંચાડવાની વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવનાર છે. ચિનૂક હેલિકોપ્ટર દ્વારા મેડિકલ બોક્સ લઈ જતું જોવા મળેલું આ દૃશ્ય જામનગરવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application