BREAKING NEWS

ખંભાળિયાની મહત્વની ઘી નદીનું અંતે સફાઈ કાર્ય શરૂ

  • May 27, 2026 04:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાની મહત્વની ઘી નદીનું અંતે સફાઈ કાર્ય શરૂ

નવનિયુકત નગરપાલિકા પ્રમુખ દ્વારા તેમજ સાંસદ પૂનમબેન તથા ધારાસભ્ય મુળુભાઇ બેરાના સહયોગથી

ગાંડી વેલ, કચરો સહિતની અશુદ્ધિ થશે દૂર: લાંબા સમય બાદ કાર્યવાહીથી લોકોમાં આવકાર

ખંભાળિયાના પાદરમાંથી વહેતી અને મહત્વની એવી ઘી નદી છેલ્લા ઘણા વર્ષોથી પ્રદૂષિત બની રહી છે. ત્યારે અગાઉના સમયમાં આ નદીની સઘન સાફ-સફાઈ કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. આ પરિસ્થિતિમાં નગરપાલિકા દ્વારા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ દ્વારા રામનાથથી ખામનાથ સુધીની આ નદીનું સફાઈ કાર્ય હાથ ધરવામાં આવતા આ વિસ્તારના રહીશો સાથે નગજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

ખંભાળિયાના પોસ વિસ્તાર એવા રામનાથથી ખામનાથ સુધી વહેતી ઘી નદી કે જે આ વિસ્તારમાં અનેક બોર-કુવાઓને સજીવન રાખે છે. અગાઉના વર્ષોમાં આ નદી યુવાઓ તેમજ શોખીનો માટે તરવાનું મહત્વનું કુદરતી સ્થળ હતું. આટલું જ નહીં, અગાઉના સમયમાં અહીં તરણ સ્પર્ધા પણ યોજાતી હતી.

પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ નદી ખૂબ જ ગંદી બની જવા પામી છે. ખાસ કરીને અહીં ભળતું ગટરનું પાણી તેમજ તેના કારણે આ નદીમાં અવિરત રીતે ફેલાયેલું ગાંડી વેલનું સામ્રાજ્ય આ નદીને પ્રદૂષિત બનાવી દેતી હતી. અહીં મચ્છર-માખીના ઉપદ્રવ સાથે દુર્ગંધથી લોકો ત્રસ્ત બની જતા હતા. અગાઉના વર્ષોમાં નગરપાલિકા દ્વારા લાખો રૂપિયા ખર્ચને આ નદીની સાફ-સફાઈની પ્રક્રિયા કરવામાં આવી હતી. પરંતુ તેની ફળ શ્રુતિ મહદ અંશે શૂન્ય બની રહી હતી.

શહેરની શાન સમાન અને આ વિસ્તારમાં અનેક બોરકુવાઓ માટે આશીર્વાદરૂપ એવી આ નદીને પુન: સજીવન કરવાના આશયથી ખંભાળિયા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ વિજયભાઈ કણજારીયા દ્વારા અહીંના સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય મુળુભાઈ બેરાના સહયોગથી ચોખ્ખી બનાવવાની કામગીરી હાથ કરવામાં આવી છે.

જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર રાહુલ કરમુરની સૂચના મુજબ પ્રમુખ વિજયભાઈ કણજારીયાના માર્ગદર્શન હેઠળ સરકારની સુજલામ સુફલામ યોજના તળે ઘી નદીની સાફ-સફાઈ શરૂ કરી દેવામાં આવી છે. અહીંના રામનાથ મંદિરથી આગળ શરૂ કરી અને ખામનાથ મહાદેવ મંદિરથી આગળ આવેલા સ્મશાન સુધી આ નદીની સાફ-સફાઈ કરાશે.

આ કામગીરી સંપન્ન થયા બાદ હવે સંભવત: નદીના યક્ષપ્રશ્ન એવા ગાંડી વેલ તેમજ ગંદકીથી મુક્તિ મળશે અને આ નદીનું પાણી લાભકર્તા બની રહેશે એવું ચિત્ર જોવા મળી રહ્યું છે. નગરપાલિકાની આ કામગીરી નગરજનોમાં આવકાર બની રહી છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application