જામનગરમાં ઠંડો પવન ફુંકાયો: તાપમાન ૧૪.૬ ડીગ્રી
આજે વસંતપંચમીના દિવસે સવારથી ઠંડી પવન ફુંકાઇ રહ્યો છે, જેના કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે, આગામી ૪૮ કલાક દરીયાકાંઠાના કેટલાક ગામોમાં માવઠાની શકયતા છે અને બે દિવસ સુધી ઠંડીનો માહોલ રહેશે, આજે જામનગરનું તાપમાન થોડુ વઘ્યું હતું અને લઘુતમ તાપમાન ૧૪.૬ ડીગ્રીએ પહોંચ્યું હતું.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન ૧૪.૬ ડિગ્રી જયારે મહત્તમ તાપમાન ૨૮.૫ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૫ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૨૦ થી ૨૫ કિ.મીની ઝડપ રહી હતી, સવારે અને રાત્રિના દરમિયાન ઠંડી તેમજ બપોરે આકરા તાપને લઈને મિશ્ર વાતાવરણ જોવા મળી રહયું હતું. ગામડાઓમાં ઠંડીને કારણે બજારો વ્હેલી બંધ થઇ ગઇ હતી, વાહન વ્યવહારને પણ ભારે અસર પડી છે, જનજીવન જાણે કે ઠપ્પ થઇ ગયું હોય તેવું વાતાવરણ જોવા મળ્યું છે, કાતીલ ઠંડીને કારણે જામનગર સહિત ગામડાઓમાં પણ ઠેર-ઠેર તાપણા શ થયા છે.
રોગચાળો પણ ધીરે-ધીરે વધતો જાય છે, આગામી દિવસોમાં પણ ઠંડી હાલારમાં અડીંગો જમાવશે. જામનગર સહિત સમગ્ર હાલારમાં છેલ્લા અઠવાડીયાથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે, ચારેકોર ટાઢ હી ટાઢ જોવા મળે છે, બપોરના ભાગમાં પણ ઠંડી જોવા મળે છે ત્યારે જનજીવન પર ભારે અસર થઇ છે, બહારગામથી જામનગર હટાણુ કરવા આવતા લોકોની સંખ્યા પણ ઘટી ગઇ છે, વ્હેલી સવારના એસ.ટી. અને ખાનગી વાહનોમાં પણ મુસાફરોની સંખ્યા ઘટી છે.
છેલ્લા અઠવાડીયાથી ખાનગી અને સરકારી હોસ્પિટલની ઓપીડીમાં તાવ, શરદી, ઉધરસના કેસો વધુ આવ્યા છે, ખાસ કરીને શરદીના કેસોનું પ્રમાણ ગામડાના પીએચસી કેન્દ્રોમાં પણ જોવા મળ્યું છે. આવનારા દિવસોમાં પણ ઠંડી વધશે એટલે રોગચાળો વધશે તેમ દેખાય છે. ખાસ કરીને પોરબંદર, ભાટીયા, ઓખા, દ્વારકાના દરિયાકાંઠે ૪૮ કલાકમાં ઠંડી વધે તેવી શકયતા છે. છેલ્લા કેટલાક સમયથી દ્વારકાનું તાપમાન પણ નીચુ ઉતર્યુ છે અને જામનગર સહિત સમગ્ર હાલારમાં તાપમાન ૯ થી ૧૩ ડીગ્રી વચ્ચે રહ્યું છે.