શારદાપીઠ કોલેજના પ્રોફેસરની કથિત હિન્દુ વિરોધી પોસ્ટથી દ્વારકામાં ઉગ્ર વિરોધ
યાત્રાધામ દ્વારકામાં જગતગુરુ શંકરાચાર્ય દ્વારા સંચાલિત પ્રસિદ્ધ શારદાપીઠ કોલેજના એક પ્રોફેસરની કથિત હિન્દુ વિરોધી સોશિયલ મીડિયા પોસ્ટને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે વિવાદ ઉભો થયો છે. પ્રોફેસર દ્વારા કથિત રીતે સોશિયલ મીડિયામાં હિન્દુ ધર્મ વિરુદ્ધ વાંધાજનક અને ભાવનાઓને - ઠેસ પહોંચાડે તેવી પોસ્ટ મૂકવામાં આવી હોવાનો આક્ષેપ થતા હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ મામલો બહાર આવતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકોમાં અસંતોષની લાગણી ફેલાઈ છે. આ ઘટનાને પગલે ગઇકાલે દ્વારકાના મુખ્ય માર્ગો પર હિન્દુ સંગઠનો દ્વારા વિશાળ વિરોધ રેલી યોજવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો રેલી માં જોડાયા હતા અને સૂત્રોચ્ચાર સાથે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
રેલી બાદ સંગઠનના આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. સંગઠનોએ પોતાના આવેદનમાં જણાવ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થામાં કાર્યરત વ્યક્તિ દ્વારા કોઈપણ ધર્મ અથવા સમાજની ભાવનાઓને ઠેસ પહોંચાડે તેવી પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી.
આવા નિવેદનો અને પોસ્ટો સમાજમાં વૈમનસ્ય અને તણાવ પેદા કરી શકે છે, તેથી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે આ ઉપરાંત સંગઠનોએ ચાર મુખ્ય માંગણીઓ રજૂ કરી છે, જેમાં પ્રોફેસર વિઘ્ધ યોગ્ય કાયદેસર કાર્યવાહી, સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ, ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે સખત માર્ગદર્શિકા અને શૈક્ષણિક સંસ્થામાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે જરી પગલાં લેવા માંગ કરવામાં આવી છે. ઘટનાને લઈને શહેરમાં વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
ઘણા લોકો દ્વારા સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ સ્થાનિક પ્રશાસન દ્વારા મામલાની નોંધ લઈ જરી તપાસ કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. હાલ સમગ્ર પંથકની નજર આ મામલે આગળ શું પગલાં લેવાશે તે જોવાનું છે.