BREAKING NEWS

જામનગર: ધ્રોલમાં જૈન વણિક બોર્ડિંગ ટ્રસ્ટની કરોડોની જમીન પર ગેરકાયદે કબજો : લેન્ડ ગ્રેબિંગ હેઠળ ૩ સામે ફરિયાદ

  • June 08, 2026 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ધ્રોલમાં જૈન વણિક બોર્ડિંગ ટ્રસ્ટની કરોડોની જમીન પર ગેરકાયદે કબજો : લેન્ડ ગ્રેબિંગ હેઠળ ૩ સામે ફરિયાદ

પિતા-પુત્ર સહિતના સામે મિલકત પચાવી પાડવાનો આક્ષેપ : ખોટી એટ્રોસિટી અરજીની ધમકી અપાઈ

ધ્રોલમાં આવેલી જૈન વણિક બોર્ડિંગ ટ્રસ્ટની માલિકીની કરોડોની જમીન પર ગેરકાયદે કબજો કરી મિલકત પચાવી પાડવામાં આવી હોવાનો આક્ષેપ સાથે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરતી ફરિયાદ પોલીસ સમક્ષ નોંધાવવામાં આવી છે. પોલીસે પિતા પુત્ર સહિત ત્રણેય સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

ધ્રોલના વર્ધમાન સ્વસ્તીક રેસીડેન્સી, ભવ્ય ગ્રીન પાસે રહેતા ફરિયાદી વિશ્વાસભાઈ યોગેશકુમાર મહેતા, ટ્રસ્ટી, જૈન વણિક બોર્ડિંગ ટ્રસ્ટ, ધ્રોલ દ્વારા આપવામાં આવેલી રજૂઆત મુજબ ધ્રોલ ગામમાં પંચવટી સોસાયટી સામે આવેલી ટ્રસ્ટની સીટી સર્વે નં. ૩૮૬૫ ધરાવતી કુલ ૪૭૩૧.૯૩ ચોરસ મીટર જમીન ટ્રસ્ટની માલિકીની છે. સંયુક્ત ચેરિટી કમિશનર, રાજકોટ દ્વારા ટ્રસ્ટના સંચાલન માટે ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવી છે, અને ટ્રસ્ટની મિલકત પર થયેલા કબ્જા મામલે કાયદાકીય કાર્યવાહી માટે સત્તાધિકૃત પ્રતિનિધિઓની નિમણૂક પણ કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

છેલ્લા ઘણા વર્ષોમાં લાલજીભાઈ કારાભાઇ પઢીયાર તથા તેમના પરિવારજનો ગોવિંદભાઈ લાલજીભાઈ પઢીયાર અને કાનજીભાઈ લાલજીભાઈ પઢીયારે મળીને આશરે ૫૦૦૦ થી ૭૦૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં નવા બાંધકામો ઊભા કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં પાંચથી સાત રૂમ, બેઠક વ્યવસ્થા તેમજ ફળઝાડનું વાવેતર સહિતનો વિકાસ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. આ બાંધકામ ટ્રસ્ટની મંજૂરી તેમજ સ્થાનિક સત્તાધિકારીઓની જરૂરી પરવાનગી વિના કરવામાં આવ્યું હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપીઓ પાસે મિલકત અંગે કોઈ માલિકી હક, દસ્તાવેજી આધાર કે કાયદેસર અધિકાર નથી છતાં તેઓ લાંબા સમયથી કબજો ભોગવી રહ્યા છે. તેમજ ટ્રસ્ટ અને જૈન સમાજના આગેવાનો સામે વિવિધ પોલીસ મથકો અને સરકારી કચેરીઓમાં ખોટી ફરિયાદો કરી હેરાનગતિ કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ છે.

ફરિયાદી મુજબ મિલકત ખાલી કરાવવા અથવા કાયદેસર કાર્યવાહી કરવા પ્રયત્ન કરનાર વ્યક્તિઓને ખોટા એટ્રોસિટી કેસોમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવતી હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે.

ટ્રસ્ટના જણાવ્યા અનુસાર આશરે ૨ કરોડથી વધુ બજાર કિંમત ધરાવતી આ મિલકત ગેરકાયદે રીતે પચાવી પાડી તેનો ઉપયોગ અને કબજો ચાલુ રાખવામાં આવ્યો છે. જેના કારણે આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પિતા પુત્ર ત્રણેય સામે ધ્રોલ પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે ફરીયાદના આધારે ગ્રામ્ય ડીવાયએસપી પિયુષ વાંદા તપાસ ચલાવી રહયા છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application