જામનગરમાં નગરસેવિકાના પતિની જોહુકમી સામે નાયબ મુખ્યમંત્રીને ફરિયાદ
જામનગર વોર્ડ નં. ૧૧ માં ઓમ રેસીડન્સી પ્રધાનમંત્રી આવાસ, મોહનનગર, ગુલાબનગર સફાઇ માટે જામનગર મહાનગરપાલિકાની જેસીબી આવ્યું હતું, પરંતુ વોર્ડ નં. ૧૧ ના ભાજપના કોર્પોરેટરના પતિદેવે કામમાં અવરોધ કરી દાદાગીરી કરી હોવાના આક્ષેપ સાથે ઓમ રેસીડન્સી કો-ઓનર્સ એસો.ના હોદ્દેદારો પ્રમુખ ધીરજલાલ પંડ્યા, ઉપપ્રમુખ ધર્મેન્દ્ર કે. ચૌહાણ, મંત્રી કમલેશ મકવાણા, સહ મંત્રી મનીષ નડીયાપરા અને સહ ખજાનચી વસીમ મીનાણી એ સંયુક્તરૂપે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને લેખિત પત્ર પાઠવી રજૂઆત કરી છે.
વિસ્તૃત પત્રમાં જણાવ્યું છે કે, અમારી સોસાયટીમાં ૧૦૦૮ ફલેટમાં આશરે ૩પ૦૦ થી વધુ લોકો વસવાટ કરે છે, તાજેતરમાં સફાઇ કામ માટે જામનગર મહાનગરપાલિકાનું જેસીબી મંગાવવામાં આવ્યું હતું, તેની સાથે ભાજપના નગરસેવિકાના પતિ પણ સાથે આવ્યા હતા અને એક કલાક જેસીબી સફાઇ કર્યા બાદ કામ પડતું મુકીને જેસીબી ત્યાંથી લઇ જવામાં આવ્યું હતું અને કાલે આવશું તેવું કહેવામાં આવ્યું હતું.
બીજા દિવસે નગરસેવિકાના પતિ સાથે આવ્યા હતા અને સોસાયટીના ચોકીદાર સાથે યુનિફોર્મ બાબતે ઉગ્રતાથી વાત કરી હતી અને રૌફ જમાવ્યો હતો અને જેસીબી સાથે લઇ ગયા હતા, આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી છે.