રાજકોટ મહાપાલિકાના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વર્ષ દરમિયાન આવતા તહેવારોની ઉજવણી અંતર્ગત શહેરીજનો માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. દર વર્ષે હોળી અને ધુળેટીના પર્વ નિમિત્તે હિન્દી હાસ્ય કવિ સંમેલન યોજાતું હોય છે. પરંતુ આ વર્ષે પદાધિકારીઓ દ્વારા હાસ્ય કવિ સંમેલન યોજવા માટેની કોઈ જ સૂચના આપવામાં ન આવતા અધિકારીઓએ પણ રસ લીધો ન હતો. જેના કારણે વર્ષો બાદ રાજકોટમાં આ વર્ષે હોળીના તહેવારમાં મહાપાલિકા દ્વારા હિન્દી હાસ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું નથી.
આશરે બે દાયકા પૂર્વે હોળીના તહેવારમાં હિન્દી હાસ્ય કવિ સંમેલન યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શરૂઆતના વર્ષોમાં આ કાર્યક્રમ ખૂબ જ સુપરહિટ રહેતો હતો. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડતા હતા. પરંતુ છેલ્લા પાંચ-સાત વર્ષથી સીનારિયો જાણે બદલાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. હિન્દી હાસ્ય કવિ સંમેલનમાં માત્ર બેથી ત્રણ હજાર લોકો જ આવે છે. યુવાધન આ કાર્યક્રમમાં બહુ સામેલ થતો હોતો નથી. અંદાજે ૨૫ થી ૩૦ લાખનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં આ કાર્યક્રમને જેટલી જોઈએ એટલી સફળતા મળતી નથી.ગત વર્ષે તો હિન્દી હાસ્ય કવિ સંમેલનમાં માત્ર ૧૨૦૦ થી ૧૫૦૦ લોકો જ ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી મહાપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ જંગલેશ્વર ડિમોલિશનની જવાબદારીમાં વ્યસ્ત છે. બીજી તરફ પદાધિકારીઓ દ્વારા પણ હિન્દી હાસ્ય કવિ સંમેલન યોજવા માટેની તૈયારી અંગે કોઈ જ સુચના આપવામાં આવી ન હતી. અધિકારીઓ દ્વારા પણ રસ લેવામાં ન આવતા હવે આ વર્ષે હોળી ધૂળેટીના તહેવારમાં હિન્દી હાસ્ય કવિ સંમેલન યોજાશે નહીં તે ફાઇનલ થઈ ગયું છે.
દરમિયાન લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં ધારી મેદની ઉપસ્થિત રહેતી નથી. જેના કારણે હવે કોર્પોરેશનના સમાજ કલ્યાણ વિભાગે એવું નક્કી કર્યું છે કે હવેથી હોળી ધુળેટીના તહેવારમાં હિન્દી હાસ્ય કવિ સંમેલન યોજવામાં આવશે નહીં.આમ પણ કોર્પોરેશનની તિજોરી હાલ ડચકા ખાઈ રહી છે આવામાં ખોટા ખર્ચ જેવા કાર્યક્રમો ન યોજવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે તે રાજકોટના હિતમાં જ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application