દ્વારકામાં કોંગ્રેસ સમિતિ-ખેડૂતો દ્વારા સૌની યોજનાનું બેસણું
જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ઉગ્ર માંગ: ૨૧ ઓગસ્ટે કલેક્ટરને અપાશે આવેદનપત્ર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે નહિવત સમાન માત્ર ૬ ટકા જેટલો જ વરસાદ નોંધાતા ખેડૂતો અને પશુપાલકોની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખી જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને સમગ્ર જિલ્લાને તાત્કાલિક અસરથી ’દુષ્કાળગ્રસ્ત’ જાહેર કરવાની પ્રબળ માંગ ઉઠાવી છે. આ સાથે જ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર દ્વારા વહેલી તકે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો જલદ આંદોલનના મંડાણ કરવામાં આવશે.
જિલ્લામાં પાણીની તીવ્ર અછત વચ્ચે કોંગ્રેસ દ્વારા "સૌની યોજનાનું બેસણું" યોજીને શાસકો સામે અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. આ તકે આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે વર્ષ ૨૦૧૯થી દ્વારકા જિલ્લાના ડેમોને સૌની યોજના હેઠળ ભરવાની જાહેરાતો કરવામાં આવી રહી છે, પરંતુ ૨૦૧૯થી ૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન ક્યારેય પણ આ ડેમો યોજના મારફતે ભરવામાં આવ્યા નથી. જેથી જિલ્લાના તમામ ડેમોને તાત્કાલિક સૌની યોજનાના નીરથી ભરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
વરસાદની ખેંચને પગલે ખેડૂતો અને પશુધનને બચાવવા માટે કોંગ્રેસ દ્વારા ખેડૂતોનું ચાલુ વર્ષનું તમામ પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવા, ખેતીવાડીના ફિક્સ વીજ બિલ માફ કરવા, જિલ્લામાં તાત્કાલિક ઘાસચારા વિતરણ કેન્દ્રો શરૂ કરવા તેમજ પાંજરાપોળ ચાલુ કરવાની રજૂઆત કરવામાં આવી છે. આ તમામ પ્રશ્નો અને માંગણીઓને લઈને આગામી ૨૧ ઓગસ્ટના રોજ જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર સુપરત કરવામાં આવશે.