BREAKING NEWS

રાજકોટમાં રૂ.550 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું : બે વેપારીઓની ધરપકડ

  • February 28, 2026 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજ્યમાં વધુ એક વખત રૂપિયા 545 કરોડનો બોગસ કૌભાંડ સામે આવ્યું છે. જેમાં રાજકોટના બે મોટા વેપારીઓ જતીન સાકરીયા અને વૈભવ બોરીચાની ડાયરેક્ટર જનરલ ઓફ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ- (ડીજીજીઆઈ)ના અમદાવાદ જનરલ યુનિટના અધિકારીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ વેપારીઓ કોઈપણ જાતનો માલ સપ્લાય કર્યા વગર માત્ર કાગળ પર 23 જેટલી બોગસ પેઢીઓ ખોલીને વેપલો કરતા હતા. જેમાંની 14 પેઢીઓ દ્વારા બોગસ બીલિંગ કરીને 102.25 કરોડની આઈ.ટી.સી મેળવી લેવામાં આવી હતી. પરંતુ કાગળ ઉપર માત્ર માલની નિકાસ બતાવી અને 45 કરોડ નો વેપાર દર્શાવવામાં આવ્યો હતો.

આ કૌભાંડ માટે છેલ્લા દોઢ વર્ષથી રાજકોટમાં બંને ભાડાની ઓફિસ ખોલી અને એજંડા એન્ટરપ્રાઇઝ, તે મેટર પ્રોડક્ટ, સુપર કોન ટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ અને એનએમપી કોન્ટ્રાક્ટર પ્રાઇવેટ લિમિટેડના નામે પેઢીઓ ખોલી હતી. જેના દ્વારા રૂપિયા 545કરોડ રૂપિયાના વ્યવહારો કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ વ્યવહારો માટે બંને વેપારીઓએ બોગસ દસ્તાવેજો તથા બોગસ બીલો બનાવ્યા હતા. અધિકારીઓ દ્વારા કોમ્પ્યુટર અને ડિજિટલ ડિવાઇસને જપ્ત કરી લેવામાં આવ્યા છે.


અમદાવાદમાં આંગડિયા પેઢી સહિત બે સ્થળોએ દરોડાને લઈને તપાસ

આરોપી વૈભવ બોરીચા દ્વારા તમામ નાણાકીય વ્યવહારોનો સંચાલન તેમજ કેટલા કરોડનો બોગસ બિલિંગ કરાયું છે, તેના નાણા ડાઈવર્ટ કરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું હતું. તેમજ સમગ્ર કેસમાં રોકડ રકમ આંગડિયા પેઢી દ્વારા હેરાફેરી કરવામાં આવી રહી હતી. જેથી આંગડિયા પેઢીઓમાં પણ અધિકારીઓએ દરોડા પાડી અને વધુ તપાસ હાથ ધરી હતી. રાજકોટ ઉપરાંત અમદાવાદમાં પણ બે સ્થળોએ આ દરોડાને લઈને દરોડા પાડવામાં આવ્યા હતા. અધિકારીઓએ બંને વેપારીઓની ઓફિસમાંથી ડિજિટલ અને ફિઝિકલ બંને પ્રકારના ડેટા જપ્ત કર્યા છે.


14 પેઢીઓ દ્વારા માલ સપ્લાય કર્યા વિના 102.25 કરોડની ખોટી આઈટીસી મેળવી

ડાયરેક્ટર જનરલ ઓફ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ડીજીજીઆઈના અમદાવાદ જનરલ યુનિટના અધિકારીઓની તપાસમાં બંને વેપારીઓ જતીન સાકરીયા અને વૈભવ બોરીચા દ્વારા રૂપિયા 500 કરોડથી વધુના બિન હિસાબી વ્યવહારો કરેલા મળી આવ્યા હતા. તેમજ 100 થી વધારે વેપારીઓને કોઈપણ પ્રકારનો માલ આપ્યા વગર માત્ર બોગસ બિલિંગ કરીને 102.25 કરોડથી વધુની આઇટીસી મેળવી લેવામાં આવી હતી. હાલમાં બંને વેપારીઓને ધરપકડ કરીને તેમને કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.


સૂત્રધાર જતીન સાકરીયા દ્વારા જીએસટીના અધિકારીઓ સાથે સેટિંગ કરીને વહીવટ

જતીન સાકરીયા દ્વારા જીએસટી વિભાગના અધિકારીઓ સાથે સેટિંગ કરીને વહીવટ કરાતો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. તેમજ બોગસ કંપનીઓના જીએસટી નોંધણી નંબરો મેળવી લેવાયા હતા અને જીએસટી રિટર્નનો પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે મળીને સંકલન કરાતું હતું જે બોગસ ઇનવોઈસ મેળવવા માટે મહત્વની ભૂમિકા ભજવતા હતા. આ રીતે બોગસ ઇનવોઈસ તૈયાર કરીને અન્ય વેપારીઓને આપતા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application