જામનગરના હનુમાન ટેકરી સહિતના વિસ્તાર માં વસવાટ કરતા અનેક પરિવારને રેલવે તંત્રએ જગ્યા ખાલી કરી દેવા સાત દિવસની નોટિશ આપતાં સ્થાનિકોમાં પ્રચંડ વિરોધ
રાત્રિના સમયે ૪૦૦ થી વધુ મહિલા સહિતના સ્થાનિકોના ટોળાએ કલેકટરના નિવાસ્થાન તરફ કૂચ કરી: પોલીસ તંત્રએ મામલો થાળે પાડ્યો
જામનગરમાં દિગજામ સર્કલ નજીક હનુમાન ટેકરી તેમજ આસપાસની સોસાયટી વિસ્તારમાં રેલવે તંત્રએ પોતાની જમીન હોવાનું જણાવી સાત દિવસમાં જગ્યા ખાલી કરવા માટેની નોટિસ પાઠવતાં સ્થાનિકોમાં પ્રચંડ વિરોધ જોવા મળ્યો હતો, અને ૪૦૦થી વધુ મહિલા સહિતના લોકોના ટોળાએ રજૂઆત કરવા માટે જિલ્લા કલેકટર કચેરીના નિવાસ્થાન તરફ કૂચ કરી હતી. પરંતુ માર્ગમાં પોલીસે તમામને અટકાવ્યા હતા, અને કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા જણાવી સમજાવટ કરી હતી.
રેલવે તંત્ર દ્વારા છેલ્લા બે દિવસથી દિગઝામ સર્કલ નજીક હનુમાન ટેકરી અને આસપાસની સોસાયટી વિસ્તારમાં મકાનો ખાલી કરવા માટેની નોટિસ પાઠવી હતી. આ જગ્યા રેલવેની માલિકીની છે, તેમ દર્શાવીને નોટિસ પાઠવવામાં આવી છે, અને સાત દિવસમાં જગ્યા ખાલી કરી દેવા જણાવાયું છે.જેના સ્થાનિકોમાં પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા. રાત્રિના સમયે મહિલા સહિતના સ્થાનિકોના ટોળા એકત્ર થઈ ગયા હતા, અને સૂત્રોચાર સાથે જિલ્લા કલેક્ટર ના બંગલા તરફ કૂચ કરી હતી. જો કે પોલીસને આ માહિતી મળી જતાં તમામને અટકાવ્યા હતા, અને આવતીકાલે જિલ્લા કલેકટર કચેરીએ રજૂઆત કરવા માટે જણાવીને સમજાવ્યા હતા, ત્યારબાદ લોકો પરત ફર્યા હતા.સવારે ૧૦.૦૦વાગ્યા બાદ ફરીથી લાલ બંગલા સર્કલમાં એકત્ર થવાનું અને જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવાનું કેટલાક આગેવાનોએ જણાવ્યું હતું, ત્યારબાદ લોકો છુટા પડ્યા હતા, અને પોલીસ તંત્રએ રાહત અનુભવી હતી.