BREAKING NEWS

રાજકોટના જંગલેશ્વરમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું, 1254 દબાણકર્તાએ સ્વૈચ્છિક રીતે ઘર ખાલી કર્યા, ૨૨૦૦ પોલીસકર્મીનો બંદોબસ્ત

  • February 23, 2026 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આજથી રાજકોટના ઇતિહાસનું સૌથી મેગા ડિમોલિશન શરૂ કરાયું છે, જેમાં આજી નદીકાંઠા અને ટીપી રોડ ઉપરના ૧૪૯૮ મકાનો અને દુકાનો સહિતના દબાણો ઉપર બુલડોઝર ફેરવીને કુલ ૮૭,૦૦૦ ચોરસ મીટર જમીન ખુલી કરાશે. આજે સવારે સાત વાગ્યાથી મેગા ડિમોલિશન શરૂ કર્યું હતું, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સહિતના અધિકારીઓ જંગલેશ્વરમાં પહોંચ્યા હતા અને સ્થળ નિરીક્ષણ બાદ જંગલેશ્વર નજીક કોઠારીયા રોડ ઉપર કાર્યરત કરાયેલા મ્યુનિસિપલ કંટ્રોલ રૂમમાંથી સતત મોનિટરીંગ કર્યું હતું.


મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે, કુલ ૧૪૯૮ દબાણકર્તાઓ પૈકી ૧૨૫૪એ સ્વૈચ્છિક રીતે પોતાનું ઘર-સામાન ખાલી કર્યો હતો અને તેમને માલ સામાન પરિવહન માટે ટ્રેક્ટરની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. આજી નદી કાંઠા વિસ્તારમાં અંદાજે ૫૫,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ છે તેમાં ૯૯૨ મકાનો સહિતના એકમો છે. જ્યારે ૧૫ મીટરના ટીપી રોડ વિસ્તારમાં અંદાજે ૩૨,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ છે તેમાં કુલ ૪૯૭ મકાનો સહિતના એકમો છે. આ મુજબ કુલ ૮૭૦૦૦ ચોરસ મીટર જમીનમાંથી ૧૪૮૯ જેટલા મકાનો સહિતના દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે. મેગા ડિમોલિશન માટે કુલ છ વોર્ડના અધિકારીઓ, ૨૧ જેસીબી મશીન, ૨૬ ટ્રેકટર, બે હિટાચી, ૧૫૦ જેટલા મજુર, ૩૮ ગેસ કટર, ૧૮ ટ્રેકટર બ્રેકર સહિતનો કાફલો કાર્યરત છે. અંદાજે ચારેક દિવસ સુધી ડિમોલિશન ચાલશે ત્યારબાદ કાટમાળ ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરાશે, આમ સમગ્ર ઓપરેશન પૂર્ણ થતા એકાદ સપ્તાહ વિતશે તેમ જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application