જામનગરના સિઘ્ધાર્થનગરમાં મકાનમાં ધોળા દિવસે ૬૭ હજારના મુદામાલ ની ચોરી થઇ છે, પરિવાર પીપળી લગ્નમાં ગયો હતો અને પાછળથી તસ્કરો સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા છે.
જામનગરમાં વુલન મિલ નજીક સિદ્ધાર્થ નગરમાં રહેતા પ્રવીણભાઈ નારાણભાઈ બગડા નામના ૪૨ વર્ષના યુવાને પોતાના રહેણાક મકાનમાંથી ગઈકાલે દિવસ દરમિયાન કોઈ તસ્કરો ૬૭,૦૦૦ની કિંમતના સોના ચાંદીના દાગીના ઉઠાવી ગયા ની ફરિયાદ નોંધાવી છે.
વધુમાં ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદી, કે જેઓ લાલપુર તાલુકાના પીપળી ગામમાં લગ્ન હોવાથી પરિવાર સાથે ગયા હતા. સવારે ૧૦.૦૦ વાગ્યે મકાનને તાળું મારીને નીકળ્યા બાદ બપોરે ચાર વાગ્યે લગ્નમાંથી પરત ફરતાં પોતાના ઘરમાં ચોરી થઈ ગઈ હોવાનું અને ઘરનો માલ સામાન વેર વિખેર પડ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું .
તસ્કરોએ મકાનના તાળા તોડી અંદર પ્રવેશ મેળવી લીધો હતો, અને સોના ચાંદીના દાગીના ઉઠાવી ગયા હોવાથી સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે મામલે પોલીસે તસ્કરોની શોધખોળ શરૂ ધરી છે.