BREAKING NEWS

આાજના ડિજીટલ યુગમાં પણ જામનગરમાં જળવાઇ રહી છે, ચોપડા પૂજનની પરંપરા...

  • October 21, 2025 01:55 PM 


દિવાળીમાં ચોપડાનું મહત્વ ઘટયું છે એ સાચી વાત છે, પરંતુ હજુ પણ વેપારીઓ મુર્હુત સાચવવા અને શાસ્ત્રોકત વિધી પ્રમાણે ચોપડાનું પુજન કરે છે. જામનગરમાં આધુનિક ટેકનોલોજીવાળા યુગમાં પણ મોટા-મોટા વેપારીઓએ ગઇકાલે સાંજે ૭ થી ૮:૧૭ સુધી ચોપડાની સાથે મહાસરસ્વતી, મહાલક્ષ્મીનું પુજન કરવામાં આવ્યું હતું છે અને મહાલક્ષ્મીની કૃપાથી વેપાર સવાયો થાય છે તેવી પણ એક કહેવત છે. ચોપડા પુજન કરવાથી ધંધા-રોજગારમાં રિઘ્ધી-સિઘ્ધી વધે છે, આમ કોમ્પ્યુટર અને વાઇફાઇ યુગમાં પણ હજુ સુકન સાચવવા માટે વેપારીઓ જુની રિતભાતથી ચોપડા પુજન કરે છે.


જામનગરના જાણીતા લાલ પરિવારના શ્રીજી શિપીંગ ખાતે જીતુભાઇ લાલ, મીતેશભાઇ લાલ, વિરાજભાઇ લાલ વિગેરે દ્વારા પરંપરાગત ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું, આ જ રીતે રોહેરા બ્રધર્સવાળા મનીષભાઇ રોહેરા અને એમના પરિવાર દ્વારા ચોપડા પૂજન કરી પરંપરાને યથાવત રાખવાનો દાખલો પૂરો પાડવામાં આવ્યો હતો.


ગઇકાલે શુભ મુર્હુતમાં કેટલાક વેપારીઓએ પોતાના ચોપડા મંદિરમાં લઇ જઇને પુજન કર્યુ હતું અને કેટલાકે તો લેપટોપ, કોમ્પ્યુટર, ટેબલેટ અને ટેબલનું પણ પુજન કર્યુ હતું, વેપાર-ધંધામાં સફળતા અને આર્થિક સઘ્ધરતા માટે માતા લક્ષ્મીજી, ગણેશજી અને સરસ્વતી માતાને પ્રાર્થના કરી હતી. ત્યારબાદ પ્રસાદ વેંચીને ફટાકડાની ધુમ મચાવી હતી.

​​​​​​​


આવતીકાલે કેટલાક મંદિરોમાં અન્નકુટ દર્શન પણ યોજાયો છે, મંદિરોને ફુલહાર, પુજા સામગ્રી અને રોશનીથી શણગારવામાં આવ્યા છે. હવે વેપારીઓ ગઇકાલે પુજન કર્યા બાદ રવિવારે એટલે કે લાભ-પાંચમના દિવસે મુર્હુતમાં માલની વેંચણી કરી લેવડ-દેવડ કરશે અને સોમવારથી રાબેતા મુજબ જામનગરમાં ધંધા-રોજગાર શરૂ થઇ જશે. 


જામનગર બ્રાસનું હબ કહેવાય છે, વેપારીઓએ ચોપડા પુજન કર્યુ હતું અને ત્યારબાદ મીઠાઇ પણ વેંચી હતી, હવે લાભપાંચમના શુભ મુર્હુતમાં જામનગરના ૫ હજારથી વધુ બ્રાસના કારખાના ખુલશે ત્યારબાદ જીઆઇડીસી ૧ થી ૩ અને ઉદ્યોગનગર બંધ રહેશે. ધનતેરસ અને દિવાળીના દિવસે સોનાના ભાવ સવા લાખની ઉપર થઇ જતાં સોનાની બજારમાં નરમાઇ જોવા મળી હતી. લાંબા સમય બાદ આ વર્ષે સોનુ જોઇએ તેટલું વેંચાયું ન હતું, માત્ર ૧૦ થી ૧૫ ટકા જ સોનાનો વેપાર થયો હતો. 


આમ તો છેલ્લા ત્રણ-ચાર દિવસથી ચોપડા ખરીદવા વેપારીઓએ પડાપડી કરી હતી, રોજમેળો, ખાતાવહી, સાદી બુક, બેલેન્સ સીટ બુકની ખરીદી કરીને ગઇકાલે ચોપડામાં સવા, લક્ષ્મીજી અમારૂ કલ્યાણ કરજો એવા અક્ષરો લખીને સાથીયો દોરીને ચોપડાનું પુજન કરી નમન કર્યુ હતું. મોટેભાગે ખાતાવહી અને એન્ટ્રી વેપારીઓ કોમ્પ્યુટરમાં જ કરે છે, પરંતુ કોમ્પ્યુટર યુગની વચ્ચે પણ હજુ વડવાઓની સુચનાથી મુર્હુત સાચવવા દુકાનના બારણા ઉપર લાભ-શુભ લખીને આસોપાલવના પાનનું તોરણ પણ બાંધે છે અને વેપારીઓ પણ આજુબાજુમાં અરસપરસ શુભેચ્છા પાઠવે છે, સગા-સંબંધીઓ પણ આ ચોપડા પુજનમાં ભાગ લે છે. 


ગઇકાલે માત્ર દોઢેક કલાક સુધી સાંજે ચોપડા પુજનનું મુર્હુત હોય જામનગર ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વેપારીઓએ ચોપડા પુજન કર્યુ હતું, કાલાવડ, લાલપુર, ભાણવડ, જામજોધપુર, કલ્યાણપુર, ભાટીયા, ખંભાળીયા, દ્વારકા, સલાયા, ફલ્લા, જામરાવલ, ધ્રોલ, જોડીયા સહિતના ગામોમાં પણ ગઇકાલે સાંજના સમયે વેપારીઓએ પુજન વિધિમાં ભાગ લીધો હતો. આમ કોમ્પ્યુટરના યુગ વચ્ચે પણ વેપારીઓ ચોપડા પુજન કરી રહ્યા છે. ​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application