BREAKING NEWS

જામનગર જિલ્લાની ૩૪ ગૌશાળા-પાંજરાપોળ માટે રૂ.૨.૦૨ કરોડની આર્થિક સહાય મંજૂર કરતા જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા

  • May 14, 2026 06:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાની ૩૪ ગૌશાળા-પાંજરાપોળ માટે રૂ.૨.૦૨ કરોડની આર્થિક સહાય મંજૂર કરતા જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ ૭,૫૦૩ પશુઓના નિભાવ માટે સહાયની ચૂકવણી કરાશે

જામનગર તા.૧૪, જામનગર કલેક્ટર પી.બી. પંડ્યાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના' વર્ષ ૨૦૨૫-૨૬ અન્વયે જિલ્લા કક્ષાની સમિતિની ચોથી ત્રિમાસિક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટર દ્વારા પાત્રતા ધરાવતી સંસ્થાઓની અરજીઓને ચકાસીને પશુ નિભાવ સહાય માટેની મંજૂરી આપી હતી.

યોજનાની વિગતો આપતા જણાવાયું હતું કે, જાન્યુઆરી-૨૦૨૬ થી માર્ચ-૨૦૨૬ (વર્ષ ૨૦૨૫-૨૬નો ચોથો હપ્તો)ના કુલ ૯૦ દિવસના સમયગાળા માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર કુલ ૩૬ સંસ્થાઓએ અરજી કરી હતી. જે પૈકી જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા નિયમોનુસાર ૧,૦૦૦ થી ઓછી પશુ સંખ્યા ધરાવતી કુલ ૩૪ સંસ્થાઓની અરજીઓ ગ્રાહ્ય રાખવામાં આવી છે.

આ નિર્ણયના પગલે જિલ્લાની ૩૪ સંસ્થાઓના કુલ ૭,૫૦૩ પશુઓ માટે પ્રતિ દિન રૂ. ૩૦ લેખે કુલ રૂ.૨,૦૨,૫૮,૧૦૦/-ની માતબર સહાય મંજૂર કરવામાં આવી છે. આ મંજૂર થયેલી અરજીઓને હવે આગળની ચૂકવણીની પ્રક્રિયા માટે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું, નિવાસી અધિક કલેકટર એસ.એમ.કાથડ, નાયબ પશુપાલન નિયામક તેજસ શુક્લ, ઘનિષ્ટ પશુસુધારણા યોજના સમિતિના જિલ્લા કક્ષાના પ્રતિનિધિઓ તથા સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application