કાલાવડ તાલુકાના વિભાણીયા ગામે માતાજીના મંદિરની દાનપેટીમાંથી રોકડની ચોરી કરનાર શખ્સને ગણતરીની કલાકોમાં ગ્રામ્ય પોલીસે પકડી લીધો હતો. રોકડ, બાઇક, મોબાઇલ સહિત ૭૯ હજારનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીએ જામનગર જીલ્લામાં ઘરફોડ ચોરી, તથા વાહનચોરીના અનડીટીકેટ ગુના શોધી કાઢવા સુચના આપેલ હોય તેમજ ગ્રામ્ય ડીવાયએસપી આર.બી. દેવધાના માર્ગદર્શન મુજબ કાલાવડ પોલીસ સ્ટેશનના વિભાણીયા ગામે નાગબાઇ માતાજીના મંદિરમાંથી ગત તા. ૪-૧૧-૨૫ના કોઇ અજાણ્યા ઇસમો મંદિરમાં પ્રવેશ કરી દાનપેટી તોડીને રોકડા ૩૦ હજારની ચોરી કરી હોવાનો બનાવ બનેલ હોય જે અનડીટેકટ હોય જેથી કાલાવડ ગ્રામ્ય પીઆઇ પી.જી. પનારા દ્વારા અલગ અલગ ટીમો બનાવી ખાનગી બાતમીદારો મારફતે ગુનો શોધી કાઢવા પ્રયત્નશીલ હતા.
દરમ્યાન હયુમન સોર્સ તથા ખાનગી હકીકત આધારે મોટાવાડાળ ગામના પાટીયાથી મોટાવડાળા ગામ તરફ જતા રસ્તે આવેલ પ્રગટેશ્ર્વર મંદિર પાટીયા પાસે સ્ટાફ દ્વારા વોચ રાખીને મિલન ભરત ગોંડલીયા (ઉ.વ.૨૦) રહે. મોટાવડાળા, કાલાવડ, નામના ઇસમને ચોરી કરેલ મોટરસાયકલ એકટીવા મોટરસાયકલ તથા રોકડ અને મોબાઇલ સાથે પકડી પાડી ગુનાના કામે અટક કરી પુછપરછ કરી ચોરીના સંતાડેલ વધુ રોકડા તથા રૂપીયાથી ખરીદેલ કપડા, બુટ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આરોપી પાસેથી ૧૮૫૫૦ની રોકડ, બે કપડાની જોડી, બુટ, એકટીવા, મોબાઇલ મળી કુલ ૭૯૫૫૦નો મુદામાલ કબ્જે કરેલ અને વધુ પુછપરછ હાથ ધરી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં દાનપેટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.