BREAKING NEWS

લાલપુરના ચોરબેડી ગામે પવનચક્કીના કામ સામે ખેડૂતોએ ઉઠાવ્યો વાંધો

  • June 08, 2026 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાલપુરના ચોરબેડી ગામે પવનચક્કીના કામ સામે ખેડૂતોએ ઉઠાવ્યો વાંધો

પવનચક્કીના કારણે ખેતી, ટપક સિંચાઇની લાઇનો, કુવા તેમજ અન્ય પરિબળોને કારણે પાક ઉત્પાદન પર નુકશાનની ભીતિ: કાયદેસર કાર્યવાહી કરવાની માંગ

લાલપુર તાલુકાના ચોરબેડી ગામે સુઝલોન સહિતની કંપની દ્વારા પવનચક્કી માટે કરવામાં આવી રહેલા પોલના કામ સામે સ્થાનિક ખેડૂતે વાંધો ઉઠાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ચોરબેડી ગામે રે.સ.નં. ૩૨૩ ધરાવતી પોતાની સંયુક્ત માલિકીની ખેતીની જમીનની બાજુમાં આવેલા રે.સ.નં. ૩૨૭ના ખેતરમાં પવનચક્કીના પોલની કામગીરી શરૂ કરવામાં આવી છે. અરજદારના જણાવ્યા મુજબ આ પોલ તેમની જમીનથી આશરે ૧૫૦ ફૂટના અંતરે ઉભો કરવામાં આવી રહ્યો છે.

અરજદારે રજૂઆતમાં જણાવ્યું છે કે પોલ ઉભો થવાથી ભવિષ્યમાં તે તેમની જમીનમાં પડવાની શક્યતા રહેલી છે, જેના કારણે ખેતી, ટપક સિંચાઈની લાઈનો, સાધનો તેમજ ભવિષ્યમાં બનાવાનારા કૂવા, ઓરડી અને રહેણાંક મકાનને નુકસાન થઈ શકે છે. ઉપરાંત વીજ તારોના ઘોંઘાટ, પોલના પડછાયા અને અન્ય પરિબળોના કારણે પાક ઉત્પાદન તથા પશુઓ અને પરિવારજનોની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે સરકારની જોગવાઈ મુજબ અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતોની સંમતિ મેળવવી જરૂરી હોવા છતાં પોતાની કોઈ સંમતિ લેવામાં આવી નથી અને ગેરરીતિથી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આ મામલે અરજદાર સમા ઉમરભાઈ જુમાભાઈએ લાલપુર પ્રાંત કચેરી તેમજ પોલીસ તંત્ર સમક્ષ લેખિત અરજી આપી પવનચક્કીના પોલની કામગીરી તાત્કાલિક બંધ કરાવી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application