જામનગરના પૂર્વ વિપક્ષી નેતાના બંને પગના ફ્રેકચરના આજે ઓપરેશન
જામનગરના પૂર્વ વિપક્ષી નેતા પરના હુમલા સંબંધે રાજકીય આલમમાં ચકચાર સાથે ચર્ચા જાગી છે, બીજી તરફ ઘવાયેલા નગરસેવકને જુદી-જુદી હોસ્પિટલોમાં રીફર કર્યા બાદ આજે ડો. રુપારેલીયાની જીગ્સ ન્યુ-ગ્રો હોસ્પિટલ ખાતે બંને પગની સર્જરી થવાની છે, બીજી તરફ પોલીસ દ્વારા આ ચકચાર ઘટના સંબંધે તપાસ વેગવંતી બનાવવામાં આવી છે અને બાકીના આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
સોમવારે સાંજે કોર્પોરેશન કચેરી સામે કારમાં આવેલા હુમલાખોરોએ પૂર્વ વિપક્ષી નેતા અને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા નગરસેવક અસલમ ખીલજી પર હુમલો કર્યો હતો અને આ સંબંધે પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી સહિતના છ સામે ગુનો નોંધવામાં આવ્યા બાદ એવું સ્પષ્ટ થયું હતું કે, રાજકીય અદાવતના કારણે આ હુમલો થયો હતો એટલા માટે જ પ્રકરણ વધુ ચર્ચામાં આવ્યું હતું.
એક તબકકે જી.જી.હોસ્પિટલમાંથી ડો.વી.એમ.શાહની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા ઘાયલ નગરસેવકનું બીપી અત્યંત ડાઉન થઇ ગયું હતું, આ પછી સતત દર્દીની ઉપર રહેલા ડો. રુપારેલીયા દ્વારા લોહી ચડાવવામાં આવ્યા બાદ બીપી નોર્મલ થયું હતું અને આ પછી ઘાયલ નગરસેવકને આગળની સર્જરી માટે ડો. રુપારેલીયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
નગરસેવકને બંને પગમાં ગંભીર ઇજા છે અને ફ્રેકચર થયા છે, એ જ રીતે હાથમાં પણ ફ્રેકચર છે જેની આજે બપોરે ઓર્થોપેડીક સર્જનો દ્વારા સર્જરી કરવામાં આવશે. જો કે તબીયત હવે સ્ટેબલ હોવાનું જાણવા મળ્યું છે.
બીજી તરફ ફરિયાદ અનુસંધાને પોલીસ દ્વારા ત્રણ ઇસમોને રાઉન્ડઅપ કર્યા છે અને બનાવ સંબંધી પૂછપરછ કરવામાં આવી હતી, ફરિયાદમાં કોર્પોરેટર સહિત છ આરોપી સામે ગુનો દાખલ થયો છે, આથી આ પ્રકરણમાં સીટી-બી ડીવીઝન પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવા અને નિવેદનો લેવા સહિતની તપાસની કાર્યવાહી આગળ ધપાવી છે. ઉપરાંત આરોપીઓના ગુનાહીત રેકર્ડ ચેક કરવામાં આવી રહ્યા છે.