સોની બજારમાં બંગાળી કારીગર નોકરીના પ્રથમ દિવસે જ એક કરોડથી વધુનુ સોનું ચોરી કરી ગયો હતો. જે અંગે એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી બંગાળી કારીગરને મેઘાલયના ચહેરાપુંજી ખાતેથી દબોચી લેવામાં આવ્યો હતો. જે શખસની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. રાજકોટમાં રહી સોનીકામ કામ કરનાર
બંગાળી બેલડીએ ચોરી કરવાના ઇરાદે કાવતરું ઘડ્યું હતું. જે ચોરીને અંજામ આપવા બંગાળના શખસે તસ્કરને અહીં મોકલ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કુલ ચાર શખસોની ધરપકડ કરી રૂ. 85 લાખનું સોનુ કબજે કર્યું હતું
પ્રહલાદ પ્લોટ શેરી નં. ૨૫ માં રહેતા 63 વર્ષીય સોની વેપારી તરૂણભાઇ કનૈયાલાલ પાટડીયાએ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સોની બજાર ખાતે શ્રી હરી ઓર્નામેન્ટ નામની સોનાના જવેલર્સ નામની દુકાન છે. જેમાં સોનાના ઘરેણાનો વેપાર કરે છે અને સોની બજારમાં આર.એચ.જવેલર્સની પાછળ ગોલ્ડન માર્કેટવાળી શેરીમાં પહેલા માળે તેમના માલીકીની જગ્યા આવેલી છે ત્યા સોનાના દાગીના બનાવવાનુ કામ કારીગરો કરે છે. ગઇ તા.૨૭/૦૫/૨૦૨૫ ના રોજ સવારના જાહિદ મલીક ઉર્ફે રાજ નામનો કારીગર જે આઠ- નવ મહીનાથી કામ કરે છે અને તેનો જાણીતો સફિકુલ શેખ (રહે. પશ્વીમ બંગાળ) ને કામે રહેવુ હોય જેથી તેનું આધાર કાર્ડ માગેલ હતુ અને ત્યારે આ સફિકુલ શેખે કાલે પોતે પોતાનુ આધાર કાર્ડ આપવાનુ કહ્યું હતુ. ત્યારબાદ આ સફિકુલ શેખ અહીંથી રૂ.૧૩૪૯.૩૩૦ ગ્રામ ૧૮ કેરેટનું સોનુ ચોરી કરી ગયો હતો.
ચોરીના બનાવને લઈ એ ડિવિઝન પોલિસની ટીમે તસ્કર સફીકુલ શેખ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન તસ્કરનું પગેરું મેઘાલયના ચેરાપુંજી તરફ મળી આવતા તાત્કાલિક એ ડિવિઝન પીઆઈ બી. વી બોરીસાગરની રાહબરી હેઠળ પીએસઆઈ બી.આર. સાવલિયાની ટીમ અને સાથોસાથ ક્રાઇમની ટીમને ચેરાપુંજી ખાતે રવાના કરવામાં આવી હતી. જ્યાંથી તસ્કરને દબોચી રાજકોટ લાવી નવ દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.
પોલીસની પૂછપરછમાં તસ્કરે ચોંકાવનારી હકીકત જણાવી હતી. અહીં રાજકોટમાં રહી ઘરેણાંમાં પાલીસીંગનું મજૂરી કામ કરનાર સહાજન જલીલ મંડલ(ઉવ 37 મૂળ રહે. બોલાગર ગામ, હુગલી, બંગાળ) અને પિન્ટુ ઈર્શાદ અલી શેખ (ઉવ 40 રહે. બોઘાણી શેરી, સોની બજાર, રાજકોટ)એ આખેઆખી ચોરીનું કાવતરું ઘડ્યું હતું. જે બાદ ચોરીને અંજામ આપવા માણસની જરૂર હોય જેથી બંનેએ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના દેપાળા ગામે રહેતા જાફર હુશેનભાઈ શેખ(ઉવ 32 રહે. દેપાળા, હુગલી, પ.બંગાળ)નો સંપર્ક કરતા તેણે જીન્નોત ઉર્ફે સફીકુલ શેખને અહીં મોકલ્યો હતો. જેથી એ ડિવિઝન પોલીસની ટીમે સહાજન અને પિન્ટુની રાજકોટ ખાતેથી જયારે જાફરની બંગાળ ખાતેથી ધરપકડ કરી હતી.
બાદમાં સફીકુલે સોનુ બંગાળના વેપારીને વેંચી માર્યાની કબૂલાત આપતાં પોલીસે બંગાળના દેપાળા ગામે આવેલ બાપી જવેલર્સ પેઢીમાં દોડી જઈ ચોરીમાં ગયેલ રૂ. 85 લાખની કિંમતનું 1076.99 ગ્રામ સોનુ કબ્જે કરી સોની વેપારીને કોર્ટમાં હાજર રહેવા નોટીસ આપી હતી.
આ કામગીરીમાં એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ બી વી બોરીસાગર, પીએસઆઈ બી આર સાવલિયા, એ એસઆઈ એમ બી જાડેજા, હેડ કોન્સટેબલ સંજયભાઈ ચૌહાણ, કોન્સ્ટેબલ પ્રકાશભાઈ તેમજ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ જયરાજભાઇ કોટીલા, કોન્સ્ટેબલ જીલુભાઈ ગરચર અને તુલસીભાઇ ચુડાસમા રોકાયા હતા.
300 ગ્રામ સોનુ જાફરને મળ્યું'તું : 75-75 ગ્રામ સહાજન અને પિન્ટુને પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોરીને અંજામ આપ્યા બાદ ચારેય શખસોએ ભાગબટાઇ કરી લીધી હતી.જેમાં 1349 ગ્રામ સોના પૈકી 300 ગ્રામ સોનુ જાફર શેખને આપવામાં આવ્યું હતું. જે 300 ગ્રામ સોનામાંથી જાફરે 75-75 ગ્રામ સોનુ સહાજન અને પિન્ટુને આપ્યું હતું. જયારે અન્ય સોનુ લઇ જીન્નોત ફરાર થઈ ગયો હતો.