જામનગર જિલ્લામાં સરકારી યોજનાની કરોડોની ગ્રાન્ટ વણવપરાયેલી રહી..!
લોલમલોલ: જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળની કેન્દ્રીય અને રાજય સરકાર પુરસ્કૃત યોજનાના ૧૩ બેંક ખાતા ડોરમેટ થતાં અનેક સવાલ,અધિકારીઓની ઉદાસીનતા કે બેદરકારી તપાસનો વિષય
રાજયમાં સૌથી વધુ જામનગરમાં રૂ.૮.૩૦ કરોડ બેંક ખાતામાં પડ્યા રહ્યા:લાંબા સમયથી બેંક ખાતાઓમાં નાણાં પડયા રહેતા યોજનાલક્ષી કામગીરી શંકાના દાયરામાં
જામનગર જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળની કેન્દ્રીય અને રાજય સરકારની પુરસ્કૃત યોજનાના ૧૩ બેંક ખાતા ડોરમેટ થતાં અનેક સવાલ ઉઠ્યા છે. આટલું જ નહીં આ બેંક ખાતામાં યોજના પાછળ ફાળવવામાં આવેલા રૂ.૮.૩૦૪ કરોડ વણવપરાયેલા રહેતા ભારે આશ્ર્ચર્ય સર્જાયું છે. લાંબા સમયથી બેંક ખાતાઓમાં નાણાં પડયા હોય યોજનાલક્ષી કામગીરી શંકાના દાયરામાં આવી છે તો અધિકારીઓની ઉદાસીનતા છે કે બેદરકારી તે તપાસનો વિષય બન્યો છે.
રાજયમાં ગામડા અને તેમાં રહેતા લોકોના વિકાસ માટે કેન્દ્વીય અને રાજય સરકાર પુરસ્કૃત ઘણી યોજનાઓનું અમલીકરણ ડીઆરડીએ એટલે કે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કરવામાં આવે છે. પરંતુ વડી કચેરી દ્વારા આપવામાં આવતા શૌચાલય, ઓડીએફ પ્લસ ગામ સહીતની મહત્વની યોજનાના લક્ષ્યાંક સામે કામગીરી ખૂબજ ગોકળગાયની ગતિએ થતાં આ યોજનાની સાર્થકતા સામે વખતોવખત સવાલ ઉઠી રહ્યા છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કામગીરીમાં વિલંબના કારણે ચાલુ વર્ષના લક્ષ્યાંકો પૂર્ણ થશે કે કેમ તે એક સળગતો સવાલ ઉઠયો છે. આ સ્થિતિમાં રાજયમાં કેન્દ્ર અને રાજય સરકાર પુરસ્કૃત જુદી-જુદી યોજના કે જેના અમલીકરણની જવાબદારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના શીરે છે તે યોજનાના ૧૭૭ બેંક એકાઉન્ટ ડોરમેટ એટલે કે ઇનએકટીવ થતાં અનેક સવાલ ઉઠયા છે. નવાઇની વાત તો એ છે કે, આ બેંક ખાતામાં જુદી-જુદી યોજનાની કુલ ૩૦.૦૮૯ કરોડની રકમ વણવપરાયેલી પડી હોવાનું નોંધાયું છે.
અત્રે નોંધનીય છે કે, જામનગર જિલ્લામાં ડીઆરડીએ હેઠળની રાજય અને કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજનાના ૧૩ બેંક ખાતા ડોરમેટ થયા છે. જે બેંક ખાતામાં બે વર્ષ કે તેથી વધુ સમયથી કોઇ ટ્રાન્ઝેકશન ન થાય તો તે ડોરમેટ એટલે કે ઇનએકટીવ થઇ જાય છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, જામનગર જિલ્લામાં ડોરમેટ થયેલા ૧૩ બેંક ખાતામાં રૂ.૮.૩૦૪ કરોડ પડયા છે, આ રકમ સમગ્ર રાજયમાં વધુ છે. એટલે કે અન્ય જિલ્લામાં ડોરમેટ થયેલા બેંક એકાઉન્ટમાં આટલી રકમ વણવપરોલી પડી રહી નથી. જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેન્દ્ર અને રાજય સરકાર પુરસ્કૃત યોજનાના ૧૦ બેંક ખાતા ડોરમેટ થયા છે. જેમાં ૦.૪૦૧ કરોડ પડયા હોવાનું નોંધાયું છે. લાંબા સમયથી સરકારી યોજનાના બેંક ખાતામાં આ નાણાં પડયા હોય જવાબદાર અધિકારીઓનું ઘ્યાન ગયું નહીં કે આંખ આડા કાન કરવામાં આવ્યા તે તપાસનો વિષય બન્યો છે. બીજી બાજુ યોજનાલક્ષી કામગીરી પણ શંકાના દાયરામાં આવી છે. યોજનાના બેંક ખાતા ડોરમેટ થતાં નાણાં બ્લોક થવાથી સરકારી તીજોરીને પણ નુકસાન થયાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે તો તેના માટે જવાબદાર કોણ તે સવાલ પણ ઉઠયો છે. નવાઇની વાત તો એ છે કે, મનરેગા યોજનાના કર્મચારીઓને વેતન ચૂકવવામાં છાશવારે ધાંધિયા થઇ રહ્યા છે ત્યારે બીજી બાજુ યોજના બેંક ખાતામાં કરોડો રૂપિયા વણપરાયેલા રહેતા ભારે આશ્ર્ચર્ય સર્જાયું છે. ત્યારે વડીકચેરીને પણ રહી રહીને જાગી હોય તેમ ૩૦ સપ્ટેબર સુધીમાં ડીઆરડીએના તમામ ડાયરેકટરોને ડોરમેટ થયેલા બેંક એકાઉન્ટ તાકીદે બંધ કરવા આદેશ કરાયો છે. આથી આ બેંક ખાતામાંં રહેલા નાણાં પ્રથમ કમિશ્ર્નર ઓફ રૂરલ ડેવલોપમેન્ટ અને ત્યારબાદ ત્યાંથી સરકારમાં જમા કરાવામાં આવશે તેમ જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application