BREAKING NEWS

કનસુમરા પાટીયા પાસે હીટ એન્ડ રન : આધેડનું મોત

  • October 30, 2025 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કનસુમરા પાટીયા પાસે હીટ એન્ડ રન : આધેડનું મોત

જામનગર નજીક કનસુમરા પાટીયા પાસે ગઇકાલે હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો બોલેરોના ચાલકે બેદરકારીથી ચલાવીને રસ્તા પરથી પસાર થઇ રહેલા આધેડને હડફેટે લઇને મોત નિપજાવ્યુ હતું, ફરીયાદના આધારે બોલેરો ચાલકની શોધખોળ ચલાવવામાં આવી રહી છે, જયારે ગોરધનપર પાટીયાથી આગળ ખાનગી બસે રીક્ષાને ઠોકર મારીને પલ્ટી ખવડાવી દેતા ટીંબડી ગામના પરિવાર અને એક મહિલાને નાની મોટી ઇજાઓ પહોચી હતી આ બનાવમાં ટ્રાવેલ્સના ચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે.
​​​​​​​
લાલપુરના નાંદુરી રોડના વતની અને હાલ જામનગરના દરેડ ગામ દ્વારકેશ સોસાયટીમાં રહેતા ગૌતમ કાનજીભાઇ પરમાર નામના યુવાને ગઇકાલે પંચ-બીમાં બોલેરો વાહન નં. જીજે૩૭-વી-૮૩૩૮ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.

ગત તા. ૨૮ વહેલી સવારના છએક વાગ્યાના સુમારે જામનગર બાયપાસ કનસુમરા પાટીયા નજીક બોલેરોના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી ફરીયાદીના પિતા કાનજીભાઇ ઉર્ફે કાનાભાઇ પરમાર (ઉ.વ.૫૨) રહે. દ્વારકેશ સોસાયટીવાળા જેઓ હાઇવે રોડ પર જતા હોય ત્યારે પાછળથી બોલેરો વાહન સાથે હડફેટે લઇ આધેડને નીચે પછાડી દઇ શરીરે ગંભીર ઇજા પહોચાડી મોત નિપજાવ્યુ હતું. આ ફરીયાદના આધારે પંચ-બી પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

અન્ય બનાવમાં ખંભાળીયાના ટીંબડી ગામમાં રહેતા પ્રફુલ્લાબા અમરસંગ જાડેજા (ઉ.વ.૩૯) એ રાધેક્રિષ્ન ટ્રાવેર્લ્સ બસ નં. જીજે૩એડબલ્યુ-૯૮૧૩ના ચાલક સામે ફરીયાદ કરી હતી.

ગઇકાલે ફરીયાદી તેમના દિકરા દિકરી સાથે સીએનજી રીક્ષા નં. જીજે૩૭યુ-૨૨૪૩માં બેસીને જામનગર જતા હતા, અને તેમના પતિ રીક્ષા ચલાવતા હતા, દરમ્યાન ગોરધનપર પાટીયાથી આગળના રોડ પર પહોંચતા પાછળથી ઉપરોકત નંબરની ટ્રાવેલ્સ બસના ચાલકે ફુલ સ્પીડમાં ગફલતભરી રીતે ચલાવીને પાછળથી ઠોકર મારતા રીક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી.
​​​​​​​

આ અકસ્માતમાં રીક્ષાચાલકને ગંભીર ઇજા, તથા ફરીયાદી તેમના દિકરા, દિકરીને છોલછાલ જેવી ઇજા તેમજ ત્યાં રોડ પર ઉભેલા નાથીબેનને ગંભીર ઇજા પહોચાડી હતી અકસ્માતના પગલે આજુબાજુના લોકો એકત્ર થઇ ગયા હતા ફરીયાદના આધારે સિકકાના એએસઆઇ સી.ડી. ગાંભવા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. બીજી બાજુ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application