હાલ કાલાવડ રોડ પર આંબેડકરનગરમાં રહેતી પરિણીતાએ કોઠારીયા કોલોનીમાં રહેતા પતિ સહિતના સાસરિયાઓ સામે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. ઇત્તર જ્ઞાતિના યુવાન સાથે પ્રેમલગ્ન કર્યા બાદ સાસરિયાઓ જ્ઞાતિને લઈ મેણા મારતા હતા. પતિને અન્ય સ્ત્રી સાથે અફેર હોય જે બાબતે ઝઘડો થતા તે પત્ની અને બે વર્ષના પુત્રને તરછોડી ચાલ્યો જતા અંતે પરિણીતાએ આ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ કાલાવડ રોડ પર આંબેડકરનગર આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતા ક્રિષ્નાબેન (ઉ.વ. 26) નામની પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કોઠારીયા કોલોની ગરબી ચોક નવરંગ ડેરીની સામે એમ 29 માં રહેતા પતિ જયદીપ રામસિંહ સાંખલા, સસરા રામસિંહભાઈ, સાસુ અંજુબેન, જેઠ પંકજસિંહ, જેઠાણી ઉષાબા અને જેઠ શક્તિસિંહના નામ આપ્યા છે.
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા એકાદ વર્ષથી અહીં પિતાના ઘરે પુત્ર શિવાંસ (ઉ.વ. ૨) સાથે એકલા રહે છે. કોલેજ સમયથી જયદીપસિંહ સાથે પરિચય હોય બાદમાં બંને સોશિયલ મીડિયામાં વાત કરતા હતા પરિણીતાની જ્ઞાતિ અલગ હોવા છતાં જયદીપસિંહ અપનાવા તૈયાર હતા અને આ વાતની જાણ પરિણીતાના માતા-પિતાને થતા ઝઘડો થયો હતો. બાદમાં તે ઘર છોડી ચાલી ગઈ હતી. ત્યારબાદ તે જયદીપસિંહ સાથે ભાડાના મકાનમાં રહેતી હતી અને તારીખ 26/2/2022 ના કોર્ટ મેરેજ કર્યા હતા. બાદમાં બંને કેકેવી હોલ પાસે ભાડાના મકાનમાં રહેતા હતા.
એકાદ વર્ષ પછી પરિણીતાએ પુત્રને જન્મ આપ્યો હતો. પિયરપક્ષ સાથે સંબંધ ન હોવાથી પતિએ સાસુને અહીં બોલાવ્યા હતા તે સમયે સાસુ સસરા તથા બંને જેઠ ઘરે આવ્યા હતા અને બે મહિના સુધી રોકાયા હતા. આ દરમિયાન તેઓ પરિણીતાને મેણાટોણા મારવા લાગ્યા હતા.
પતિને કોઈ અન્ય સ્ત્રી સાથે સંબંધ હોય જેનું રેકોર્ડિંગ મળતા આ બાબતે પતિને કહેતા તેણે ગુસ્સે થઈ મારકૂટ કરી હતી પતિ દારૂ પી ઘરે આવતો અને ઝઘડા કરતો હતો. તેમજ અવારનવાર બીજી સ્ત્રી સાથે વાત કરતો હોય આ બાબતે સાસુ સસરાને કહેતા તેણે ધ્યાન આપ્યું ન હતું અને સાસુએ કહ્યું હતું કે, તું કાળી છો મારા દીકરાને તો બીજે મળી જશે તારે રહેવું હોય તો રહે નહીં તો જતી રહે પિયરમાં સબંધ ન હોવાથી પરિણીતા ઓશિયાળું જીવન પસાર કરતી હતી.
તા. 27/1/24 ના જેઠના લગ્ન હોવાથી પરણીતાને ફોસલાવી લગ્નમાં લઈ ગયા હતા તે સમયે તે કોઠારીયા કોલોનીમાં સાસરીયાના ઘરે દોઢેક મહિનો રોકાઈ હતી. લગ્ન પૂરા થયા બાદ જેઠ શક્તિસિંહે કહ્યું હતું કે, તું ગામડાની છો અને તું અમારા સમાજમાં નહીં ભળે તેમ કહી તેના હાથનું પાણી પણ પિતા ન હતા. જેઠાણી અને સાસુ રોફ જમાવતા હતા અને નાની નાની વાતો પહેરવેશ બાબતે રોકટોક કરતા હતા અને કહેતા કે તને અમારા સમાજમાં રહેતા આવડતું નથી તેમ કહી ત્રાસ આપતા હતા. એકાદ વર્ષ પહેલાં પતિ સાથે અજાણી સ્ત્રીને લઈ ઝઘડો થયો હતો ત્યારે પતિએ કહ્યું હતું કે, હવે હું સુધરી જઈશ પરંતુ કોઈ સુધારો થયો ન હતો. છેલ્લે આ બાબતે ઝઘડો થતા પતિએ કહ્યું હતું કે, હવે તો આમ જ થશે ત્યારે રહેવું હોય તો રહે નહીં તો જતી રહે એમ કહી તે જતો રહ્યો હતો. પંદરેક દિવસ સુધી પરિણીતા તેના બે વર્ષના પુત્ર સાથે એકલી રહેતી હતી પછી પતિ આવી કપડાં ભરતો હોય જેથી તેને પૂછતા કહ્યું હતું કે, હવે મારે તારી અને તારા દીકરા સાથે નથી રહેવું કહી તરછોડી જતો રહ્યો હતો. બાદમાં માતા-પુત્ર ઓશિયાળું જીવન પસાર કરતા હતા ત્યારબાદ તે પિતાના ઘરે ચાલી ગઈ હતી.બાદમાં આ મામલે પતિ સહિતના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.