જામનગર: ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો સાથે જી.જી.માં આવેલા પોરબંદરના બાળકની તબિયતમાં સુધારો
નેગેટીવ રિપોર્ટ આવેલા જામનગરનું બાળક સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા અપાઇ
હાલમાં બે બાળક સારવાર હેઠળ: છેલ્લાં ૨૪ કલાકમાં વધુ કોઇ શંકાસ્પદ કેસ ન નોંધાયો
ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો સાથે જામનગરની જી.જી.હોસ્પિટલમાં આવેલા પોરબંદરના બાળકની તબિયતમાં સુધારો થયો છે. નેગેટીવ રિપોર્ટ આવેલા જામનગરનું બાળક સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલમાં જામનગર અને પોરબંદરના બે બાળક સારવાર હેઠળ છે. છેલ્લાં ૨૪ કલાકમાં ચાંદીપુરાનો કોઇ શંકાસ્પદ કેસ નોંધાયો નથી.
જામનગર શહેર-જિલ્લાના ૩ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૩ બાળક મળી હાલારમાં સોમવાર સુધી ચાંદીપુરાના ૬ શંકાસ્પદ કેસ નોંધાયા હતાં. આ તમામ બાળકોને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ દરમ્યાન જામનગરની ૨ વર્ષની બાળકી, લાંબા ગામના ૨ વર્ષના બાળક, કલ્યાણપુરના ૯ મહીનાના બાળક અને દેવભૂમિ દ્વારકામાં રહેતી ૬ વર્ષની બાળકીનું મૃત્યુ નિપજયું હતું. જો કે, મૃત્યુ પામેલા તમામ ચાર અને જામનગર તથા વસઇ આમરાના સારવારમાં રહેલા બંને બાળક મળી તમામ ૬ શંકસ્પદ કેસમાં ચાંદીપુરાના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. ેઆટલું જ નહીં વસઇ આમરા અને જામનગરના બાળક કે જે જી.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય બંનેની તબિયતમાં સુધારો થઇ રહ્યો છે. બે દીવસ પહેલા ધ્રોલ તાલુકાના રોજીયા ગામના એક વર્ષના બાળકને ભારે તાવ, આંચકી જેવા ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જણાતા સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ગણતરીની કલાકોમાં આ બાળકે દમ તોડી દીધો હતો. આ બાળકનો ચાંદીપુરાનોે રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. ગઇકાલે પોરબંદરના બે વર્ષના બાળકને ભારે તાવ, આંચકીના ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જણાતા સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાતા વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો હતો. જો કે, હાલ આ બાળકની તબિયત સુધારા પર હોવાનું તબીબોએ જણાવ્યું છે. તદઉપરાંત જી.જી.હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા જામનગરનું એક બાળક સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે. હાલ જામનગર અને પોરબંદર એક મળી કુલ બે બાળક સારવાર હેઠળ છે. છેલ્લાં ૨૪ કલાકમાં ચાંદીપુરાનો કોઇ વધુ શંકાસ્પદ કેસ નોંધાયો નથી.