જામનગર: દરેડ જીઆઇડીસીના ૧૦૦૦ રહેણાંક પ્લોટને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવવા સૈદ્ધાંતિક મંજૂરી
જીઆઇડીસી એસો. ની સતત રજૂઆતો રંગ લાવી: ઝોન રૂપાંતરણ માટે કડક શરતી માર્ગદર્શિકા જાહેર: ઉદ્યોગોના નીકળતા ગંદા પાણીના પ્રદૂષણ નિવારણ માટે મનપાને વોટર ટ્રીટમેન્ટ પ્લાન સ્થાપવા જમીન ફાળવાઇ
વિશ્વભરમાં બ્રાસસિટી તરીકે પ્રખ્યાત જામનગરના દરેડ જી.આઈ.ડી.સી. ફેસ-૨ અને ફેસ-૩ વિસ્તારમાં આવેલા પંચ-બી પોલીસ સ્ટેશન સામેના અંદાજે ૧,૦૦૦ જેટલા રેસિડેન્ટ (રહેણાંક) ઝોનના પ્લોટોને ઇન્ડસ્ટ્રીયલ (ઔદ્યોગિક) ઝોનમાં ફેરવવા માટે રાજ્ય સરકાર અને ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (જીઆઇડીસી) દ્વારા સક્ષમ કક્ષાએથી પ્રથમ સૈદ્ધાંતિક શરતી મંજૂરી જાહેર કરવામાં આવી છે.
આ મહત્વપૂર્ણ નિર્ણય પાછળ જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ વિષ્ણુભાઈ એમ. પટેલ, ઉપપ્રમુખ અતુલભાઈ કાછડીયા, માનદ મંત્રી જીગ્નેશભાઈ બી. લાવટી, હોદ્દેદારો તેમજ સમગ્ર કારોબારી ટીમની અથાક મહેનત રહેલી છે. રાજકોટ ખાતે આયોજિત વાઇબ્રન્ટ સમિટ દરમિયાન તેમજ ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ઉચ્ચ સરકારી સ્તરે અંદાજે ૮ થી ૧૦ વખત લેખિત તથા મૌખિક રૂબરૂ રજૂઆતો કરવામાં આવી હતી, જેના પરિણામે જીઆઇડીસી વડી કચેરી, ગાંધીનગર દ્વારા સત્તાવાર આદેશ જાહેર કરી રહેણાંક ઝોનને ઔદ્યોગિકમાં ફેરવવાની મંજૂરી આપવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ઉત્સાહનો માહોલ છવાયો છે, અને આ પ્લોટોના બજાર ભાવોમાં પણ ધરખમ ઉછાળો જોવા મળી રહ્યો છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના જનરલ મેનેજર (વિતરણ) દ્વારા જામનગર પ્રાદેશિક મેનેજર તથા રાજકોટ વિભાગીય પ્રબંધકને મોકલેલા સત્તાવાર પરિપત્ર મુજબ, આ ઝોન રૂપાંતરણ ચોક્કસ વહીવટી શરતોને આધીન રહેશે. જે અંતર્ગત નિગમ દ્વારા કોઈ વધારાની આંતરમાળખાકીય સુવિધા પૂરી પાડવામાં આવશે નહીં અને ઉપલબ્ધ સુવિધાઓ મુજબ માન્ય એકમોને જ મંજૂરી આપવામાં આવશે. પ્લોટધારકો પાસેથી હયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્વીકૃતિ, ભવિષ્યમાં નવી માળખાકીય સુવિધાઓ ન માંગવા અંગેનું તેમજ હયાત રહેણાંક ઉપયોગકર્તાઓને કોઈ ખલેલ ન પહોંચે તે બાબતનું નોટરાઇઝ્ડ બાંહેધરીખત મેળવવાનું રહેશે. આ ઉપરાંત વસાહત મંડળની સભાનો સંમતિ ઠરાવ લેવાનો રહેશે તેમજ ખુલ્લા પ્લોટ કે અનઅધિકૃત વપરાશના કિસ્સામાં મોરેટોરિયમ સમયગાળો બાદ કરી બાકી રહેલા સમય માટે પ્રતિ વર્ષ ૨ટકા લેખે વણવપરાશી દંડ વસૂલી વધુમાં વધુ ૩ વર્ષ સુધી વપરાશની સમયમર્યાદા લંબાવી આપવા સહિતના સુસ્પષ્ટ નિયમો અમલી બનાવવામાં આવ્યા છે.
બીજી તરફ, દરેડ જી.આઈ.ડી.સી. ફેસ-૨ અને ફેસ-૩ ઔદ્યોગિક વસાહતમાંથી નીકળતા કેમિકલયુક્ત ગંદા પાણીના વૈજ્ઞાનિક નિકાલ માટે જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના સહકારથી થયેલા એમ.ઓ.યુ. (એમ.ઓ.યુ.) અન્વયે એક મોટો સીમાચિહ્નરૂપ નિર્ણય લેવાયો છે. જી.આઈ.ડી.સી. દ્વારા જામનગર મહાનગરપાલિકાને અદ્યતન કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (સીઇટીપી) સ્થાપવા માટે પ્લોટ નં. એચ-૧૧૮૪ થી એચ-૧૧૯૧ સુધીની કુલ ૮,૬૫૮.૬૫ ચોરસ મીટર (આશરે ૯૩,૨૦૩.૩૭ ચોરસ ફૂટ) જમીન રૂ. ૬.૬૧ કરોડથી વધુની કિંમતે (ઓફર કમ એલોટમેન્ટ લેટર ફાળવવામાં આવ્યો છે. આ પ્લાન્ટ કાર્યરત થવાથી સ્થાનિક ઉદ્યોગોના ગંદા પાણીના નિકાલની વર્ષો જૂની ગંભીર સમસ્યા કાયમી ધોરણે ઉકેલાશે અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી)ના પર્યાવરણીય માપદંડોનું ચુસ્ત પાલન સુનિશ્ચિત થશે.
વર્તમાન વૈશ્વિક અને સ્થાનિક આર્થિક મંદીના સમયગાળા વચ્ચે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા આ બંને નિર્ણયો જામનગરના બ્રાસપાર્ટ્સ, એન્જિનિયરિંગ અને સંલગ્ન લઘુ ઉદ્યોગો માટે સંજીવની સમાન સાબિત થયા છે. રહેણાંક પ્લોટોના રૂપાંતરણથી ઉદ્યોગકારોને વિસ્તરણ માટે જરૂરી નવી ઔદ્યોગિક જગ્યા ઉપલબ્ધ થશે, જ્યારે સિઈટીપી પ્લાન્ટથી ઉદ્યોગો પર્યાવરણીય કાયદાકીય અડચણોમાંથી મુક્ત થઈ પૂર્ણ ક્ષમતાથી ધબકતા થશે. આ ઐતિહાસિક સફળતા બદલ કૌશલ્ય ભવન ખાતે જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, ઉપ. પ્રમુખ અતુલભાઈ કાછડીયા અને માનદ મંત્રી જીગ્નેશભાઈ લાવટી, હોદ્દેદારો તથા સમગ્ર કારોબારી સભ્યોએ એકઠા થઈ રાજ્ય સરકાર, નાયબ મુખ્યમંત્રી તથા જી.આઈ.ડી.સી. પ્રશાસનની કામગીરીને બીરદાવી હતી.