રાજકોટ શહેરમાં આ વર્ષે તા.૧૫ જૂનથી તા.૨૧ સપ્ટેમ્બર સુધીના ચોમાસાના ૯૮ દિવસમાંથી માંડ ત્રીસેક દિવસ વરસાદ વરસ્યો છે અને મોસમનો કુલ વરસાદ ૧૯ ઇંચ નોંધાયો છે. દરમિયાન ગત સાંજે સાતથી આઠ વાગ્યા દરમિયાન ગાજવીજ સાથે એક કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. સાંધ્ય આરતી સમયે વરસાદથી ગણપતિ પંડાલોમાં પાણી ભરાતા આયોજકોને દોડધામ થઇ હતી. બીજી બાજુ દિવસભર અસહ્ય બફારા વચ્ચે રવિવારે સાંજે ફરવા નીકળેલા લોકોની રજાની રંગત મેઘરાજાએ બગાડી હતી. મુખ્યમાર્ગો ઉપર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
વિશેષમાં મ્યુનિ.કંટ્રોલ રૂમના સૂત્રોના જણાવ્યા મુજબ, ગત સાંજે ૭થી ૮ વાગ્યા દરમિયાન સેન્ટ્રલ ઝોનમાં ૨૪ મીમી, વેસ્ટ ઝોનમાં ૧૩ મીમી અને ઇસ્ટ ઝોનમાં ૧૩ મીમી વરસાદ નોંધાયો હતો. આ સાથે મોસમનો કુલ વરસાદ સેન્ટ્રલ ઝોનમાં ૫૧૦ મીમી (૨૦.૫ ઇંચ), વેસ્ટ ઝોનમાં ૫૪૨ મીમી (૨૨ ઇંચ) અને ઇસ્ટ ઝોનમાં ૪૧૯ મીમી (૧૭ ઇંચ) નોંધાયો છે. જ્યારે ત્રણેય ઝોન મળી રાજકોટ શહેરનો મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૯.૨૦ ઇંચ નોંધાયો છે.
જો કે સાર્વત્રિક વરસાદના અભાવે રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરૂં પાડતા આજી, ન્યારી અને ભાદર સહિતના જળાશયોમાં વરસાદી પાણીની આવક નોંધાઇ નથી. અલબત્ત હાલ રાજ્ય સરકાર દ્વારા આજી અને ન્યારીમાં સૌની યોજનાનું નર્મદાનીર ઠાલવવામાં આવી રહ્યું હોય તેના કારણે જળસપાટી વધી રહી છે.
રાજકોટના જળાશયોની આજની સ્થિતિ
આજી-૧: ઉંડાઇ ૨૯.૦૦ ફૂટ, હાલની સપાટી ૨૧.૧૦ ફૂટ
ન્યારી-૧: ઉંડાઈ ૨૫.૧૦ ફૂટ, હાલની સપાટી ૧૬.૯૦ ફૂટ
ભાદર-૧: ઉંડાઈ ૩૪.૦૦ ફૂટ, હાલની સપાટી ૧૭.૨૦ ફૂટ