BREAKING NEWS

જામખંભાળિયામાં આવતીકાલે જલારામ જયંતિ મહોત્સવની થશે ભવ્ય ઉજવણી

  • October 28, 2025 01:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામખંભાળિયામાં આવતીકાલે જલારામ જયંતિ મહોત્સવની થશે ભવ્ય ઉજવણી


સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની ૨૨૬ ની જન્મ જયંતીની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ ખંભાળિયાવાસીઓ દ્વારા ભવ્ય રીતે કરવામાં આવનાર છે. જલારામ બાપાની જન્મ જયંતીના પાવન પર્વ નિમિત્તે પૂર્વ સંધ્યાએ આજરોજ મંગળવારે રાત્રે ૯:૩૦ વાગ્યે જાણીતી રઘુવંશી સેવા સંસ્થા શ્રી લોહાણા મિત્ર મંડળના ઉપક્રમે જલારામ મંદિર ખાતે પૂ. જલારામ બાપાની ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતી સેવાભાવી ધાર્મિક સંસ્થા ગાયત્રી ગરબા મંડળના કલાકારો બાપાની ઝાંખી રજૂ કરશે.

આ ઉપરાંત જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા જલારામ જયંતી નિમિત્તે બુધવારે સવારે ૮ વાગ્યે જલારામ બાપાની આરતી, સવારે ૬:૩૦ થી ૧૦ વાગ્યા સુધી અન્નકોટના દર્શન, ૯ વાગ્યે જલારામ મંદિરે નૂતન ધ્વજારોહણ, ૧૦:૩૦ વાગે દાતાઓનું સન્માન અને ૧૨:૩૦ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ લોહાણા મહાજન ટ્રસ્ટના ઉપક્રમે પૂજ્ય જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રા જલારામ મંદિર ખાતેથી બપોરે ૪ વાગ્યે પ્રસ્થાન કરશે. જે શહેરના જુદા જુદા રાજમાર્ગો પર ફરી, રાત્રે બેઠક રોડ પર નવી લોહાણા મહાજન વાડી ખાતે સંપન્ન થશે. આ આયોજન માટે જલારામ મંદિરના ટ્રસ્ટીઓ તેમજ સેવાભાવી કાર્યકરો દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે. 

જલારામ જયંતિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખંભાળિયામાં લોહાણા મહાજન ટ્રસ્ટના નેજા હેઠળ રઘુવંશી જ્ઞાતિના ભાઈઓ તથા બહેનો માટે સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંજે ૬:૩૦ થી ૮:૩૦ વાગ્યા સુધી જ્ઞાતિના બહેનો માટે તેમજ રાત્રે ૮:૪૫ થી ૧૦ વાગ્યા સુધી રઘુવંશી જ્ઞાતિના ભાઈઓ માટે સમૂહ ભોજન (નાત)નું આયોજન કરાયું છે. આ તમામ આયોજનો માટે લોહાણા મહાજન ટ્રસ્ટના હેઠળ જ્ઞાતિની વિવિધ સંસ્થાના હોદ્દેદારો, કાર્યકરો તેમજ યુવાનો દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. 
​​​​​​​

ખંભાળિયા તાલુકાના બેરાજા (બારાડી) ગામે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરનાર છે. આ પ્રસંગે બુધવારે સવારે ૧૦ વાગ્યે શોભાયાત્રા, ૧૦:૩૦ વાગ્યે બટુક ભોજન, ૧૧:૩૦ વાગ્યે નૂતન ધ્વજારોહણ, ૧૨ વાગ્યે મહા આરતી તેમજ બપોરે ૧ વાગ્યે રઘુવંશી જ્ઞાતિના ભાઈઓ-બહેનો માટે મહાપ્રસાદ (નાત) નું સુંદર આયોજન બેરાજા (બારાડી) ગામના જલારામ મંદિર ખાતે કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application