જામનગર એસ.પી.એ પોલીસ પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી
જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીએ દિવાળીના પાવન પર્વની ઉજવણી પોલીસ પરિવાર સાથે કરીને પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનો સાથે તહેવારની ખુશીઓ વહેંચી હતી. જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલી આ ઉજવણીમાં જિલ્લા પોલીસ વડા પોતાના પરિવાર સાથે સજોડે ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ અધિકારીઓ, જવાનો તથા તેમના પરિવારજનો સાથે ફટાકડા ફોડીને દીપોત્સવી પર્વની ઉજવણી કરી હતી.
આ પ્રસંગે એએસપી પ્રતિભા, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, પિયુષ વાંદા, મીત રુદલાલ, એલસીબી પીઆઈ વી.બી. ચૌધરી સહિત જામનગર શહેર અને જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોના પીઆઈ, પીએસઆઈ, પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
તહેવારોના દિવસોમાં સામાન્ય નાગરિકો પોતાના પરિવાર સાથે દિવાળીની ખુશીઓ માણતા હોય છે, ત્યારે પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પ્રજાની સુરક્ષા, શાંતિ અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે સતત ફરજ પર તૈનાત રહે છે. અનેક પોલીસ જવાનોને તહેવારના દિવસે પણ ફરજના ભાગરૂપે પોતાના પરિવારથી દૂર રહેવું પડતું હોય છે. આવા સંજોગોમાં પોલીસ જવાનો અને તેમના પરિવારજનો પણ તહેવારની ખુશીઓમાં સહભાગી બની શકે અને તેમની વચ્ચે પારિવારિક ભાવના વધુ મજબૂત બને તેવા હેતુથી જિલ્લા પોલીસ વડાએ પોલીસ પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
આ પ્રસંગે ડો. રવિ મોહન સૈનીએ ઉપસ્થિત તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનોને મીઠાઈનું વિતરણ કરી દિવાળી તથા નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. પોલીસ વિભાગના વડા તરીકે માત્ર વહીવટી જવાબદારી જ નહીં, પરંતુ પોલીસ પરિવારના સુખ-દુ:ખ અને આનંદના પ્રસંગોમાં પણ સહભાગી બનવાના આ અભિગમથી પોલીસ હેડક્વાર્ટરમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ છવાયું હતું.