સરકારી અને ખાનગી જમીનો પર દબાણની વાત નવી નથી, જામનગર સહિત આખા જિલ્લામાં અને દ્વારકા સહિત આખા દેવભૂમિમાં અવાર નવાર જમીન દબાણની ફરિયાદો નોંધાતી રહે છે ત્યારે આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળ્યું છે કે જામનગરમાં પાંચ જેટલા વિવાદાસ્પદ મામલાઓમાં ગમે ત્યારે લેન્ડ ગ્રેબીંગની સતાવાર ફરિયાદ નોંધાઇ શકે છે, કલેકટર કચેરીની લેન્ડગ્રેબીંગ કમીટી દ્વારા તમામ ફરિયાદો માટે ગ્રીન સીગ્નલ પણ આપી દેવામાં આવ્યુ હોવાનું જાણવા મળ્યું છે, આ ફરિયાદો નોંધાયા બાદ સનસનાટી મચી જવા પામશે.
ભૂતકાળમાં જામનગરમાં હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી દાઝેલા જમીન દબાણનાં કિસ્સાઓ નોંધાઇ ચુકયા છે, સરકારી જમીન ઉપરનાં દબાણો દુર કરવા છેલ્લા કેટલાક વર્ષોથી બુલડોઝર ચલાવવામાં આવી રહ્યા છે, એક પછી એક દબાણો દુર કરાઇ રહ્યા છે. જામનગરમાં ભૂતકાળમાં રીવરફ્રન્ટ પરનાં દબાણો, બેડી બેડેશ્ર્વરના ગેરકાયદેસર દબાણો દુર કરાયા હતા તો બીજી તરફ દ્વારકામાં સૌ પ્રથમ બેટ દ્વારકા આ પછી દેવભૂમિનાં જુદા જુદા તાલુકાઓમાં ઓપરેશન થતા રહ્યા છે. ટુંકમાં હાલાર માટે જમીન દબાણ માફીયાઓ માટે કાળી કમાણીનું મોટુ માઘ્યમ બન્યું છે.
આ સમગ્ર બાબતો જાણતાં વહીવટી તંત્ર દ્વારા હવે જમીન દબાણના કિસ્સાઓમાં લાલ આંખ કરવાની નીતિ અખત્યાર કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. કારણકે જામનગર શહેર જિલ્લાનાં પાંચ જેટલા જમીન દબાણના મામલાઓમાં જિલ્લા કલેકટર કેતન ઠક્કરની લેન્ડ ગ્રેબીંગ કમીટી દ્વારા તમામ જવાબદારો સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ નોંધવા માટે અનુમતી આપી દેવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ નોંધાતા પહેલા નિયમ મુજબ આખો મામલો જિલ્લા કલેકટર અને રચિત લેન્ડ ગ્રેબીંગ કમીટી સમક્ષ મુકવામાં આવતો હોય છે એમના દ્વારા તમામ વિગતોની ખરાઇ કરવામાં આવ્યા પછી જે તે મામલામાં લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ નોંધવા માટે આદેશ આપવામાં આવતો હોય છે. આ પછી પોલીસ દ્વારા ગુનો નોંધાય છે.
જે પાંચ ફરિયાદો થઇ રહી હોવાનું જાણવા મળ્યું છે તેમાં એક ખુબ જાણીતી સરકારી જગ્યા પરના દબાણની સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ ગમે ત્યારે નોંધાઇ શકે છે આ ઉપરાંત ચાર એવા મામલા પણ છે કે જેમાં ખાનગી વ્યકિતઓ વચ્ચે અંદરો અંદર જમીન બાબતે વિવાદ થયો છે અને એવા કેસમાં પણ લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ નોંધવા લીલી ઝંડી આપવામાં આવી છે.
આજ અથવા કાલ સુધીમાં પોલીસ ચોપડે એકીસાથે અથવા એક પછી એક લેન્ડ ગ્રેબીંગની ફરિયાદો નોંધાઇ શકે છે. જેને લઇને બારે સનસનાટી મચવાની પુરી સંભાવના છે. જોવાનું એ છે કે જે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદો નોંધાવાની છે તેમાં કોઇ મોટા માથા સામેલ છે કે કેમ?
જામનગર માટે લેન્ડ ગ્રેબીંગ કોઇ નવી વાત નથી, સમયાંતરે સતત ગુના નોંધાતા રહે છે. જમીન દબાણ સામે આવતા રહે છે, પરંતુ એકીસાથે લગભગ અડધા ડઝન જેટલી ફરિયાદો પહેલી વખત થશે જેને લઇને ભારે ઉતેજના છવાયેલી છે.