દ્વારકામાં દારૂબંધી લગાવવામાં આવી પણ અમલ ન થયા

  • December 08, 2023 12:14 PM 

સામ્બના પેટમાંથી પુરાયેલું મુસળ યદુવંશનો વિનાશ કરશે એવો ઋષિઓનો શાપ સાંભળ્યા પછી ઉગ્રસેને દ્વારકાના રાજા તરીકે ઢંઢેરો પિટાવ્યો કે ‘આજથી બધા નગરવાસીઓ, વૃષ્ણિ, અંધક વગેરે યાદવોના ઘરમાં દા‚ ન બનવો જોઈએ. જે વ્યક્તિ અમારી જાણ બહાર મદ્ય તૈયાર કરશે અને મદિરાપાન કરશે તેને બંધુ બાંધવો સાથે જીવતા જ શૂળીએ ચડાવી દેવામાં આવશે.’ (મહાભારત, મૌસલપર્વ, અધ્યાય ૨, ૧૮-૧૯). આવો ઢંઢેરો બહાર પાડવો પડ્યો એનો અર્થ એ થયો કે ત્યારે દ્વારકામાં ઘરે ઘરે મદિરા બનવા લાગી હોવી જોઈએ અને મદિરાપાન ખૂબ જ વધી ગયું હોવું જોઈએ. કૃષ્ણની સપનાની નગરીની કેવી અધોગતિ થઈ હશે અને જે જ્ઞાતિબંધુઓને કૃષ્ણએ સ્વર્ગ જેવું ઐશ્ર્વર્ય અપાવ્યું, માન-મહત્તા અપાવી, પ્રતિષ્ઠા અપાવી, રાજવંશ તરીકે માન્યતા અપાવી તેઓ બદીઓમાં ફસાઈ ગયા એ જોઈને કૃષ્ણનું હૃદય કેટલું પીડાયું હશે. એ કેવી અમાપ પીડા હશે જેને લીધે કૃષ્ણએ પોતે પોતાના જ કૂળનો નાશ સ્વીકારવો પડ્યો હશે, પોતે જ ઈચ્છ્યું હશે કે આ યદુવંશનો વિનાશ થવો જ જોઈએ. કૃષ્ણની નગરીમાં દારૂ બાબતે આવો આદેશ બહાર પાડવો પડે એ કેવી વિપરિત પરિસ્થિતિ. જોકે, ઉગ્રસેનની રાજઆજ્ઞા પણ ત્યારે દ્વારકામાં કોઈ માનતું નહીં હોય એવું લાગે છે. કારણ કે જ્યારે શ્રીકૃષ્ણએ દ્વારકાથી પ્રભાતક્ષેત્ર તરફ જવાનું, ત્યાં જઈને પૂજા-પાઠ કરવાનું સૂચન કર્યું ત્યારે નગરજનોએ દારૂ  પીને જ પ્રસ્થાન કર્યું હોવાનું અને પ્રભાતક્ષેત્રમાં પણ પુષ્કળ માત્રામાં દારૂ  બનાવીને પીધો હોવાનું મહાભારતમાં નોંધાયું છે. ભાગવતના અગિયારમાં સ્કંધમાં ત્રીસમા અધ્યાયમાં નોંધાયું છે કે પ્રભાતક્ષેત્રમાં પહોંચીને યાદવોએ મૈરેયક નામની મદિરાનું બેફામ પાન કર્યું. યાદવો ઉગ્રસેનની રાજાજ્ઞાનું પાલન ન કરે એ તો ઠીક, શ્રીકૃષ્ણની આમાન્યા પણ રાખવાનું તેમણે બંધ કરી દીધું હશે કારણ કે વાસુદેવ અને બલરામની નજર સામે જ તેઓ દારૂ  પીને છાકટા બન્યા.



ઉગ્રસેન રાજાએ મુસળને ચૂરો કરીને સમુદ્રમાં ફેંકાવી દીધું અને યાદવોને દારૂ  બનાવવા તથા પીવા પર પ્રતિબંધ લાદી દીધો તેનાથી આપત્તિ ટળી નહીં. દ્વારકામાં અપશુકનો દેખાવા લાગ્યાં. મહાભારતના યુધ્ધ પહેલાં જે અપશુકનો દેખાતા હતા તેવા જ આ સમયે પણ દેખાવા માંડ્યાં. યાદવોએ ભેગા મળીને નિયમ લીધો કે આપણે મદિરાપાન કરવું નહીં. ભાવીને પલટવા માટે પ્રયત્નો શરૂ થયા પણ નગરમાં ઉત્પાતો વધવા લાગ્યા. ભયંકર મુખવાળો, માથુ મુંડાયેલો, કાળા અને પીળા વર્ણનો કાળપુરુષ યાદવોના ઘરમાં પ્રવેશીને પુન: અદૃશ્ય થઈ જતો હતો. શેરીઓમાં ઉંદરો વધી ગયા. પક્ષીઓ અને પ્રાણીઓ વિચિત્ર અવાજો કાઢવા માંડ્યા. આમ છતાં યાદવો પાપકર્મ કરતાં શરમ અનુભવતા નહોતા. તે યાદવો તો પિતૃઓ, દેવો અને બ્રાહ્મણોને પણ દોષ દેવા માંડયા. કૃષ્ણ અને બલરામ સિવાયના યાદવો ગુરુજનોનો અનાદર કરવા માંડ્યા. પત્નીઓ પતિને અને પતિઓ પત્નીને છેતરવા માંડ્યા. લોકોને સંધ્યાકાળે અને સૂર્યોદય વખતે શહેરમાં મસ્તક વિનાના ધડવાળા ખવીસ દેખાવા માંડ્યા. આકાશમાં નક્ષત્રોને એકબીજા સાથે અથડાં બધા જોઈ શકતા હતા પણ યાદવોને પોતાના જન્મ નક્ષત્ર દેખાતા નહોતા. એવામાં કૃષ્ણ પક્ષની તેરસનો દિવસ આવ્યો તે જ દિવસે અમાસ થઈ. અર્થાત્ પખવાડિયું તેર દિવસનું થયું. કાળનો આવો વ્યતિક્રમ જોઈને કૃષ્ણએ યાદવોને કહ્યું કે ‘મહાભારતના યુધ્ધ વખતે જેમ રાહુએ ચૌદશને અમાસ બનાવી દીધી હતી તે રીતે અત્યારે પણ આપણા વિનાશ માટે એવી જ તિથિ આવી પહોંચી છે.’ તેમણે ગણતરી કરી કે યુધ્ધ પછીનું છત્રીસમું વર્ષ આવી પહોંચ્યું છે. ગાંધારીનો શાપ તેમને યાદ આવ્યો. તેમણે કહ્યું, ‘પુત્રો હણાયાના શોકથી સંતપ્ત ગાંધારીએ દુ:ખી ભાવથી જે શાપ આપેલો તે સમય હવે આવી ગયો છે.’ આમ કહીને ભાગ્ય દ્વારા નિર્મિત વિનાશને સત્ય કરવાની ઈચ્છાથી કૃષ્ણએ યાદવોને તીર્થયાત્રા માટે જવાની આજ્ઞા કરી. કેશવ, ભગવાનના આદેશથી નગરમાં ઢંઢેરો પિટવામાં આવ્યો કે નગરજનોએ સમુદત્તટે તીર્થયાત્રા માટે જવાનું છે. દારૂ પર પ્રતિબંધનો ઢંઢેરો રાજા ઉગ્રસેને પિટાવ્યો હતો, સમુદ્રતટે જવાનો કૃષ્ણએ પિટાવ્યો. દારૂ વિશેનો આદેશ યાદવો માને એમ નહોતા અને કૃષ્ણ શાપને અન્યથા કરવા માટેનું એક પણ પગલું ભરવા ઈચ્છતા નહોતા. જો પગલું નિષ્ફળ જવાનું હોય તે કૃષ્ણ ન ભરે. કૃષ્ણએ જો ઈચ્છ્યું હોત તો ગાંધારી અને ઋષિઓ બંનેના શાપનું શમન કરાવી શક્યા હોત. પણ શમન કરાવે કોના માટે ? એ યાદવો માટે ? જે બદીઓથી ગ્રસ્ત થઈ ગયા હતા. જે કોઈના કહ્યામાં રહ્યા નહોતા, જે કોઈની આમાન્યા રાખતા નહોતા. કૃષ્ણનું અવતારકૃત્ય જ વિનાશાય દુષ્કૃતામ્, અનિષ્ઠનો નાશ કરવાનું હતું. પછી તે ભલે પોતાના બાંધવો જ હોય અને કૃષ્ણના જ્ઞાતિબંધુઓએ તો પોતાની ઘોર પોતાના હાથે જ ખોદી હતી. જે યાદવોને કૃષ્ણની કૃપાથી કોઈ હરાવી શકે તેમ નહોતું એમણે પોતે જ પોતાના વિનાશ માટેનો માર્ગ બનાવ્યો હતો. મહાભારત યુધ્ધમાં પણ આ યાદવો લડવા ન ગયા તેમાં બચી ગયા. કદાચ, અંદરો અંદરની હુંસાતુંસીને કારણે જ નહીં ગયા હોય. કૃષ્ણની નારાયણ સેના, જે અજેય હતી તે લડવા ગઈ હતી. તેની સાથે યાદવોમાંથી એકમાત્ર કૃતવર્યા જ ગયો. બાકીના યાદવ મહારથીઓ ન ગયા. કૃતવર્મા વિરોધી જૂથમાં હોવાથી કૌરવોના પક્ષે લડવા ગયો હોવો જોઈએ. એના સિવાય એકમાત્ર સાત્યકિ જ યુધ્ધમાં ભાગ લેનાર હતો. સાત્યકિ અર્જુનનો શિષ્ય અને કૃષ્ણના અંગરક્ષક જેવો હતો એટલે એ કૃષ્ણ અને અર્જુન જે પક્ષમાં હોય ત્યાં નીમ જ. કૃષ્ણ જ્યારે યુધ્ધ પહેલાં સમાધાન માટે દુત બનીને દુર્યોધનના દરબારમાં ગયા ત્યારે તેમણે સાત્યકિને સાથે રાખ્યો હતો જ શસ્ત્રસજ્જ બનીને, સૈન્યની ટુકડી લઈને સભાના દ્વાર પર ઉભો રહ્યો હતો. દુર્યોધને કૃષ્ણને બંધક બનાવવાની તૈયારી કરી ત્યારે કૃષ્ણએ પોતાના પ્રભાવથી દુર્યોધનની મનોકામના પૂરી થવા દીધી નહીં પણ જો દુર્યોધને કોઈ દુ:સાહસ કરવાનો પ્રયત્ન કર્યો હોત તો સાત્યકિ તૈયાર જ હતો અને તે સમયના તમામ યોધ્યાઓમાં માત્ર કૃષ્ણ અને અર્જુન જ એવા હતા જે સાત્યકિથી ચડિયાતા હોય. એટલે દુર્યોધને જો કૃષ્ણને બાંધવાની કોશિશ કરી હોત તો તમામ કુરુયોધ્ધાઓને સાત્યકિ પહોંચી વળ્યો હોત. સાત્યકિ અને કૃતવર્મા બંને મહાભારતના યુધ્ધમાં બચી ગયા અને એ બંને જ યાદવકુળના સંહાર માટે નિમિત્ત બન્યા.



અગ્નિએ કૃષ્ણને આપેલું વજ્રનાભ સુદર્શન ચક્ર યાદવોના દેખતા જ પુન: દિવ્ય લોકમાં જતું રહ્યું. કૃષ્ણના ચાર દિવ્ય અશ્ર્વો મેઘપુષ્પ, બલાહક, શૈલ્ય અને સુગ્રીવ દારૂકના દેખતાં જ સમુદ્ર પર ચાલીને જતા રહ્યા. બલરામ અને કૃષ્ણની તાલ અને ગુરુડના ચિહનવાળી બે દિવ્ય ધજાઓ, જેની તે બંને નિયમિત પૂજા કરતા હતા તે અપ્સરાઓ આવીને લઈ ગઈ અને યાદવોને કહેતી ગઈ કે તમે તીર્થયાત્રા માટે રવાના થાઓ. કૃષ્ણને ઢંઢેરો અને અપ્સરાઓનું સૂચન બંનેથી પ્રેરાયેલા યાદવોએ વિવિધ પ્રકારના ભોજન તૈયાર કરાવ્યા. જાતજાતના પીણાં અને દારૂ તથા માંસ તૈયાર કરાવ્યાં. ‘બહુ નાનાવિધં ચક્રુર મદ્યમ્ માંસમ્.’ પછી મદિરાપાન કરીને ઉન્મત થયેલા પરાક્રમી અને બળવાન યાદવો રથો, ઘોડાઓ, હાથીઓ પર સવાર થઈને નગરની બહાર નીકળ્યા. પ્રભાસક્ષેત્રમાં આવીને સમુદ્રતટે નિવાસ કર્યો.



યાદવોનો વિનાશ થવાનો છે એ સમજી ગયેલા જ્ઞાનીપુરુષ ઉધ્ધવે ત્યાં રહેવાને બદલે તીર્થાટન માટે નીકળી જવાનું નક્કી કર્યું. યાદવોની રજા લઈને યોગવેતા ઉધ્ધવ ત્યાંથી નીકળી ગયા, કૃષ્ણએ તેમને રોક્યા નહીં. કારણ કે યાદવોની સાથે ઉધ્ઘ્વ જેવા આત્મજ્ઞાનીનો વિનાશ થઈ જાય એવું કૃષ્ણ ઈચ્છતા નહોતા. મહાભારતમાં તો ઉધ્ધવે જતાં પહેલાં કૃષ્ણ સાથે વાત કર્યાનો પણ ઉલ્લેખ નથી. ભાગવતમાં અહીંથી લાંબો ઉમેરો થાય છે. ભાગવતમાં ઉધ્ધવે જતાં પહેલા કૃષ્ણ પાસે જ્ઞાનનો ઉપદેશ માગ્યો અને કૃષ્ણએ જેમ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું એ જ રીતે ઉધ્ધવને જ્ઞાન આપ્યું એવો ઉલ્લેખ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application