કેન્દ્રની મોદી સરકારે ગરીબ તથા મઘ્યમ વર્ગના લોકો મોંઘીદાટ ખાનગી હોસ્પિટલોમાં હદય સંબંધી તેમજ બીજી કેટેગરી પ્રમાણેની સારવાર મેળવી શકે તે માટે આયુષ્યમાન, મા કાર્ડ જેવી ઉપયોગી યોજના બનાવી છે જેને આપણે પીએમજેએવાય એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તરીકે ઓળખીએ છીએ, ખરેખર આ યોજના શરૂ થઇ એ પછી ગરીબ અને મઘ્યમ વર્ગના લોકો આલીશાન ગણાતા હોસ્પિટલમાં સારવાર મેળવવા સક્ષમ બન્યા અને એટલા માટે જ ચોમેર લોકો તરફથી તેને આવકાર મળ્યો. પરંતુ હવે આપણે આગળ ચર્ચા કરશું તે અંતર્ગત જે પરિસ્થિતિ સર્જાઇ રહી છે.
તેના પરથી એક લીટીમાં કહી શકાય એવી ચિંતાજનક બાબત એ સામે આવી છે કે, હવે જામનગરમાં ગરીબ-મઘ્યમ વર્ગના લોકો હદય સહિતની બિમારીઓ માટે ખાનગી હોસ્પિટલમાં કેશલેસ સારવાર મેળવી શકશે નહીં, આ બાબત ખુબ ગંભીર છે અને જરૂરી છે કે, રાજય સરકાર દરમ્યાનગીરી કરી કોઇ વચલો માર્ગ કાઢે જેથી કરીને સાચા લાભાર્થીઓ વંચીત રહી ન જાય.
સૌ જાણે છે કે, પીએમજેએવાય યોજના ગરીબ-મઘ્યમ વર્ગના લોકો માટે આયુષમાન ભવ: જેવી સાબિત થઇ છે, જયાં સુધી જામનગરની વાત છે ત્યાં સુધી સેંકડો કે હજારો એવા દર્દીઓ જે હદય ઉપરાંત અન્ય કેટેગરીમાં આવતી બિમારીઓથી પીડાતા હતાં તે ખાનગી હોસ્પિટલોમાં યોજના અંતર્ગત સારવાર કરાવી શકતા હતાં, પરંતુ હવે આ શકય નથી, એક માત્ર જી.જી. એમનો આધાર રહેશે, અન્યથા રાજકોટ જવું પડશે, શું કામ....?
કારણ કે જામનગરમાં સૌ પ્રથમ શારદા હોસ્પિટલ કે જે પીએમજેએવાય યોજના હેઠળ સારવાર આપતી હતી તે તબીબોની અછતના કારણે આ યોજનાથી બાકાત થઇ ગઇ, આ પછી જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટ અને ઓશવાળ આયુષ હોસ્પિટલ, આ બે વિકલ્પ લોકો પાસે હતાં અને ત્યાં લોકો જતાં હતાં, પરંતુ જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટમાં હદય સંબંધી સારવારમાં ગેરરિતી આચરવામાં આવી એવો ધડાકો ખુદ રાજયના આરોગ્ય મંત્રાલયે કર્યા બાદ આ હોસ્પિટલને પીએમજેએવાયમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી. આ પ્રકરણી શ્યાહી હજુ સુકાઇ ન હતી, ત્યાં એવી ચોંકાવતી વિગતો સામે આવી કે, ઓશવાળની આયુષ હોસ્પિટલને પણ હદય સંબંધી સારવારની ગેરરિતીના કારણે પીએમજેએવાયમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.
આજના દિવસે જો જામનગરમાં કોઇ ગરીબ અને મઘ્યમ વર્ગના એવા લોકો કે જે પીએમજેએવાયથી ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવવા માંગતા હોય એમની પાસે જી.જી.હોસ્પિટલ સિવાય બીજો કોઇ વિકલ્પ નથી બચ્યો.
આ બાબત જ ખુબ જ ચિંતાજનક છે, કારણ કે, મોદી સરકારે ગરીબ અને મઘ્યમ વર્ગને ઘ્યાનમાં રાખીને લાઇફ સેવર જેવી જે યોજના બનાવી અને તેમાં ખાનગી હોસ્પિટલોને સામેલ કરી હવે એ જ યોજનાઓનો લાભ જો ગરીબ-મઘ્યમ વર્ગના લોકો મેળવી ન શકે તો કેન્દ્રની મોદી સરકારનો જે મુખ્ય હેતુ હતો એ જ ખતમ થતો દેખાય છે.
હવે ગરીબ અને મઘ્યમ વર્ગના લોકોને ખાસ કરીને હદય સંબંધી કોઇપણ ઇમરજન્સી સારવારની જરૂર પડે તો સરકારી જી.જી.હોસ્પિટલ તો છે પણ ખાનગી હોસ્પિટલનું કોઇ ઓપ્શન રહ્યું નથી, પરીણામે એમને ગંભીર સ્થિતિવાળા દર્દીને કાં તો રાજકોટ લઇ જવો પડશે કાં તો અમદાવાદ લઇ જવો પડશે, સમજી શકાય કે, ક્રીટીકલ સ્થિતિમાં દર્દીને મુસાફરી કરાવી શકાય નહીં એટલે એવા દર્દીઓનો જીવ જોખમમાં પણ ગણી શકાય.
આરોગ્ય મંત્રાલય તરફથી અને આરોગ્ય કમિશ્નર તરફથી ખુબ સારી કામગીરી થઇ કે, જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટમાં પુરેપુરા ૫૩ દર્દીની સારવારમાં ગેરરિતી થતી હોવાનું પકડી પાડવામાં આવ્યું અને એ જ રીતે આયુષ ઓશવાળ હોસ્પિટલમાં પણ ૩૫ જેટલા દર્દીઓની હદયની સારવાર ખોટી રીતે કરવામાં આવી હોવાનું તપાસ બાદ સામે આવ્યું.
આરોગ્ય મંત્રાલયે તથા આરોગ્યના કમિશ્નરે ગાંધીનગરથી જારી કરેલા આદેશો મુજબ બંને હોસ્પિટલને સસ્પેન્ડ કરી દીધી છે, પીએમજેએવાય હેઠળ હવે દર્દીઓ અહીં સારવાર મેળવી શકશે નહીં અને આજના દિવસે જામનગરમાં ખાનગી હોસ્પિટલનો કોઇ વિકલ્પ દર્દીઓ પાસે ઉપલબ્ધ નથી.
એ બાબત સારી છે કે, હોસ્પિટલોની ગેરરિતી પકડવામાં આવી અને એમને એક પ્રકારે પનીશમેન્ટ પણ કરાઇ છે પણ અહીં જ મોટો સવાલ એ ઉઠે છે કે, આજના દિવસમાં જામનગરમાં ખરેખર કોઇ ગરીબ-મઘ્યમ વર્ગના સાચા લાભાર્થીને હદય સંબંધી સમસ્યા સર્જાય, એન્જીયોગ્રાફી કરવાની આવશ્યકતા ઉભી થાય, હદયની નળીઓમાં સ્ટેન્ટ કે બલુન મુકવા પડે એવી પરિસ્થિતિવાળા દર્દીઓ માત્ર જી.જી.હોસ્પિટલમાં જ સારવાર મેળવી શકશે અન્યથા રાજકોટ-અમદાવાદ જ એક માત્ર વિકલ્પ છે.
જી.જી.હોસ્પિટલ છે ખરી પરંતુ ત્યાં તો કાર્ડીયોલોજીસ્ટ જ નથી, એટલે નાછુટકે સાચા લાભાર્થી કમસેકમ જામનગર શહેરમાં હાલમાં પીએમજેએવાયનો કોઇ લાભ ખાનગી હોસ્પિટલમાં કેશલેસ સારવારમાં મેળવી શકશે નહીં, આ બાબત અત્યંત ગંભીર છે, તાત્કાલીક અસરથી રાજય સરકાર જામનગરના સાચા લાભાર્થીઓના હીતમાં કોઇ વચલો રસ્તો કાઢે તે જરૂરી છે.
મેડીકલ ક્ષેત્રમાં હદય સંબંધી સારવારની ગેરરિતીનો સડો કોઇ કાળે સાખી શકાય નહીં એ સો ટચના સોના જેવી વાત છે, પરંતુ દર્દીની હદય સંબંધી સારવારનો હવે કોઇ વિકલ્પ જ ન રહે એ બાબત કદાચ વધુ ગંભીર છે.
શું, આ કોર્પોરેટ જેવી ખાનગી હોસ્પિટલોનો ખેલ તો નથી ને...?
રાજકોટ, અમદાવાદ સહિતના મોટા શહેરોમાં એવી મોટી કોર્પોરેટ જેવી ખાનગી હોસ્પિટલો છે જયાં પીએમજેએવાય હેઠળ સારવાર મેળવી શકાય છે, અહીં એ સવાલ ઉઠે છે કે, અન્ય શહેરોમાં આ યોજના હેઠળ માન્યતા મેળવનારી હોસ્પિટલોને નવરી કરી દેવા અને ત્યાંના દર્દીઓ પોતાની કોર્પોરેટ જેવી ખાનગી હોસ્પિટલોમાં લઇ લેવા માટે આ મોટી કોઇ ગેમ તો નથી ને...? એ પ્રશ્ર્ન પણ ઉઠે છે, રાજય સરકારે આ દિશામાં પણ ઘ્યાન દેવું પડશે.
ખાનગી હોસ્પિટલોને પીએમજેએવાય માટે મંજુરી આપનારા ઇન્શ્યોરન્સ કંપનીના એક્સપર્ટને કલીનચીટ કેમ...?
સુત્રોમાંથી જાણવા મળ્યું કે, પીએમજેએવાય હેઠળ કોઇપણ દર્દી સારવારમાં આવે, જો તેને હદય સંબંધી સમસ્યા હોય તો સૌ પ્રથમ એન્જીયોગ્રાફી થાય અને જયારે એન્જીયોગ્રાફી થતી હોય ત્યારે જ એ બાબત નકકી થાય કે, દર્દીના હદયની કેટલી વેન બ્લોક છે અને તેમાં કેટલા સ્ટેન્ટ અથવા બલુન મુકવાની જરૂરીયાત છે, આ તમામ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પીએમજેએવાય હેઠળની હોસ્પિટલો ઇન્સ્યોરન્સ કંપનીના એક્ષપર્ટ તબીબો પાસેથી માન્યતા મેળવે છે, આ નિયમ જ છે તો સવાલ એ ઉઠે છે કે, જો ખાનગી હોસ્પિટલો પર ગેરરીતિનો આક્ષેપ લાગે તો જે ઇન્શ્યોરન્સ કંપનીના નિષ્ણાંતોએ એપ્રુવલ આપ્યું એમને કલીનચીટ શું કામ...? એમની સામે કોઇ પગલા કેમ નહીં...? અને આ પડદા પાછળ આખરે શું ચાલી રહ્યું છે...? તેનો મોટો ધડાકો આવતીકાલે આજકાલમાં કરવામાં આવશે.