જામનગર શહેરના વિકાસ અને પ્રોજેકટ માટે મિટીંગ બોલાવતા મેયર
પ્રિમોન્સુન કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના: દરરોજ પાણી વિતરણ તેમજ જુના પ્રોજેકટ ક્યા સ્ટેજ પર છે અને ભૂગર્ભ ગટરના કામો અંગે મિટીંગમાં કરાઇ સમીક્ષા: કમિશ્નર અને સ્ટે. ચેરમેન, ડે. મેયર અને શાસક પક્ષના નેતા તેમજ અધિકારીઓ હાજર રહ્યા
જામનગર શહેરના વિકાસ માટે આગામી દિવસોમાં શું કરવું જોઇએ ? ક્યાં કામો કેટલા સ્ટેજ પર છે ? અને ચોમાસુ નજીદીક છે ત્યારે પ્રિમોન્સુનની કામગીરી તાત્કાલિક ઝડપી બનાવવા મેયર મોનિકાબેન વ્યાસે બોલાવેલી મિટીંગમાં સૂચના આપી હતી, શનિવારે યોજાયેલી આ મિટીંગમાં મેયર ઉપરાંત કમિશ્નર દિપેશ કેડીયા, સ્ટે. ચેરમેન ધીરેન મોનાણી, ડે. મેયર રાકેશ ડેર, નેતા અમર મોદી, ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા, નાયબ કમિશ્નર મુકેશ વરણવા, ભાવેશ જાની, હિતેષ પાઠક સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ મિટીંગમાં ખાસ કરીને જામનગર શહેરમાં પ્રિમોન્સુન કામગીરી ધીમી અને નબળી થતી હોવા છતાં મેયરે ચર્ચા વિચારણા કરી હતી અને આ કામગીરી ઝડપી અને ગુણવતાવાળી થાય તે માટે અધિકારીઓને સૂચના આપી હતી. મિટીગમાં જણાવાયું હતું કે, કેટલાક વોર્ડમાં કરાયેલી કામગીરીથી નગરસેવકો સહિત લોકો અસંતુષ્ટ છે, ચોમાસુ હવે નજદીક છે ત્યારે આ કામગીરીને પ્રયોરીટી આપીને ઝડપી બનાવવાની જરૂર છે.
આ મિટીંગમાં ભૂગર્ભ ગટરના કામો અંગે પણ ચર્ચા વિચરણા કરવામાં આવી હતી, વોર્ડ નં. ૭ સહિત કેટલાક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર છલકાવવાની અનેક ફરિયાદો મળી છે, પરંતુ તેનો કોઇ ઉકેલ આવતો નથી, ખુદ નગરસેવકોની ફરિયાદો પર શા માટે ઘ્યાન આપવામાં આવતું નથી ? આ અંગે ભૂગર્ભ ગટરના અધિકારીઓને આ અંગે સૂચના આપીને આ કામગીરી ઝડપી, સારી અને ગુણવત્તાવાળી બનાવવા તેમજ લોકોની ફરિયાદ ન આવે તેવી કામગીરી કરવા સૂચના અપાઇ હતી.
શનિવારે બોલાવેલી આ મિટીંગમાં શહેરના વિકાસ માટે આગામી દિવસોમાં શું કરવું જોઇએ, ચોમાસા પહેલા વૃક્ષારોપણ પણ કરવાની જરૂર છે, શહેરને સ્વચ્છ અને ગ્રીન રાખવા માટે તમામ લોકોએ પ્રયાસ કરવા જોઇએ, રીવરફ્રન્ટ, સમર્પણ હોસ્પિટલ પાસેનો ઓવરબ્રીજ, ખોડિયાર કોલોની સીકસલેન રોડ, ઠેબા ચોકડી ઓવરબ્રીજ, લાલપુર બાયપાસ ચોકડી ઓવરબ્રીજ સહિતના કામો પણ ઝડપી બનાવવા અને કામગીરી ક્યાં સ્ટેજ પર છે ? તે અંગે પણ જાણકારી મેળવાઇ હતી અને લગત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
જામનગરના મેયર બન્યા બાદ મોનિકાબેન વ્યાસ પ્રથમ વખત મિટીંગ બોલાવી હતી, તેમજ કમિશ્નર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા, આ મિટીંગમાં ભારપૂર્વક જણાવાયું હતું કે, લોકોની કોઇ જાતની ફરિયાદ ન આવે તે માટે આપણે સૌએ સાથે મળીને પ્રયાસ કરવાની જરૂર છે, ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં પ્રિમોન્સુન કામગીરી અંગે ફરિયાદો આવી છે, એ તાત્કાલિક દૂર કરવા અને કોઇ ફરિયાદ આવે તો તેને તરત જ અગ્રતા આપી કામગીરી કરવા સૂચના અપાઇ હતી. કેનાલોની કામગીરી અને તેની સફાઇ અંગે પણ અધિકારીઓનું ઘ્યાન દોરવામાં આવ્યું હતું. બે-ત્રણ દિવસ પહેલા ખોડિયાર મંદિર પાસે તમામ અધિકારીઓ અને પદાધિકારીઓએ રૂબરૂ મુલાકાત લઇને સાફ સફાઇ કરવા સૂચના આપી હતી. મે મહિનામાં જોઇએ તેટલી ઝડપી કામગીરી પ્રિમોન્સુનની નબળી થઇ હોવાનું પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે.
શહેરમાં અનેક નવા પ્રોજેકટ થઇ રહ્યા છે, ચોમાસુ નજીક છે, ખોડિયાર કોલોનીથી દિગ્જામ સર્કલ સુધી સીકસલેન રોડ બની રહ્યો છે ત્યારે ટ્રાફીક સમસ્યામાં લોકોને અડચણ ન થાય અને ઝડપી કામગીરી થાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આમ બજેટમાં પાસ કરાયેલા કેટલાક નવા પ્રોજેકટ તેમજ શરૂ કરાયેલા જુના પ્રોજેકટ અંગે હાલની શું સ્થિતિ છે તે અંગે કેટલાક મુદ્દા અંગે મ્યુ. કમિશ્નર સાથે વાતચીત કરાઇ હોવાનું જાણવા મળ્યું છે.