રાજ્યની મહાનગરપાલિકાઓની, નગરપાલિકાઓની અને જિલ્લા પંચાયતોની ડિસેમ્બર માસના અંતમાં ચૂંટણીઓ યોજાવાની છે, આ પૂર્વે રાજકીય પક્ષોએ અત્યારથી જ એકબીજાના કાંગરા ખેરાવવાની રાજકીય હીલચાલને વેગ આપ્યો છે, શનિવારે અમદાવાદ ખાતે જામનગરની સિક્કા નગરપાલિકાના ૭ સભ્યોએ ભાજપનો સાથ છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે અને આ સાથે જામનગરના રાજકારણમાં રાજકીય સ્તરે ચર્ચાઓ જાગી છે.
અમદાવાદ ખાતે રાજીવ ગાંધી ભવનમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, લાલજીભાઇ દેસાઇ અને મનીષભાઇ દોશીની આગેવાની હેઠળ નવા સભ્યોને આવકારવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સિક્કા નગરપાલિકાના સભ્યો વલીમામદ મલેક, અસગર હુંગડા, જ્યોત્સનાબેન ગોસ્વામી, રેશ્માબેન કુંગડા, મામદભાઇ કુંગડા, રોશનબેન સુંભણીયા, ઝુબેદાબેન સુંભણીયાએ સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીનો ત્યાગ કરીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. ભાજપના આ ૭ બળવાખોરોમાં ન.પા.ના વર્તમાન કારોબારી ચેરમેનનો પણ સમાવેશ છે.
કોંગ્રેસ પક્ષ દ્વારા અપાયેલી યાદીમાં એવું જાહેર કરાયું છે કે, કોંગ્રેસના સિઘ્ધાંતોથી પ્રેરાઇને વિચાર અને સર્વ સમાવેશક વિકાસના વિઝનથી પ્રેરિત થઇને કોંગ્રેસમાં જોડાવવાનો નિર્ણય કર્યો છે, આ ઓપરેશન પું પાડવામાં કોંગ્રેસની જિલ્લા સંગઠ્ઠન પાંખ તેમજ તાલુકા પ્રમુખ ઇકબાલભાઇ સુમરા, યુવા કોંગી પ્રમુખ દેવરાજભાઇ ગોહિલ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.
આમ, આવી રહેલી ચૂંટણી પૂર્વે ગુજરાતના બે મુખ્ય હરીફ પક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા રાજકીય ગતિવિધીઓ તેજ બની છે, મહાનગરપાલિકાઓથી લઇને રાજ્યની શાસનધુરા સુધી ભાજપનો અઢી દાયકાથી કબ્જો છે, રાજ્ય પર વર્ચસ્વ છે, આ સંજોગોમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાની નીચે હવે કોંગ્રેસ દ્વારા પણ ભાજપના કાંગરા ખેરવીને પક્ષને મજબુત બનાવવાની કવાયત શ કરી હોવાનું માનવામાં આવે છે.
ઇતિહાસ ગવાહ છે કે, રાજકીય મોરચે ભાજપે અગાઉ ઘણા મોટા ઓપરેશનો કરીને કોંગ્રેસના શક્તિશાળી નેતાઓને પોતાનામાં ખેંચી લીધા છે, જેમાં વર્તમાન કૃષિમંત્રી રાઘવજી પટેલ, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયા, મુળુભાઇ કંડોરીયા જેવા નામોનો સમાવેશ છે, કે જેઓ એક સમયે કોંગ્રેસમાં હતા અને આજે ભાજપના વરિષ્ઠ નેતાઓના લીસ્ટમાં સમાવિષ્ટ છે.
હવે કોંગ્રેસે પણ કંઇક આવી જ નીતિ અખત્યાર કરવાનો નક્કી કર્યું હોય એવું લાગે છે, હા એ વાત અલગ છે કે, અઢી દાયકા સુધી રાજ્યમાં કોંગ્રેસને સત્તાની ખુરશી સુંઘવા મળી નહીં હોવાથી હાલમાં મોટા ગજાના રાજકારણીઓ કોંગ્રેસથી દૂર રહેવાનું પસંદ કરે છે અને જેનો સૂર્ય મઘ્યાહને તપતો હોય તેની છાંયામાં રહેવાની સુરક્ષિત નીતિ અપનાવી છે, એટલે બની શકે કે કોંગ્રેસ ભાજપના મોટા માથાઓને ખેંચી નહીં શકે, પરંતુ નાના સ્તરેથી કોંગીએ ઓપરેશન શરૂ કર્યું હોય એવું લાગે છે.