જામનગર: કાલાવડના હરિપર મેવાસામાં ભેળસેળયુક્ત દૂધ બનાવવાની મીની ફેક્ટરી ઝડપાઈ
એસઓજીનો દરોડો: ૪૮૬ લિટર શંકાસ્પદ દૂધ, ૭૫ કિલો વનસ્પતિ ઘી અને ૪૪ કિલો દૂધનો પાવડર મળી આવ્યો: ફુડ સેફ્ટી વિભાગે નમૂના લઈ શંકાસ્પદ જથ્થાનો સ્થળ પર નાશ કર્યો: દૂધ જેવા પવિત્ર પીણામાં ભેળસેળ કોઇ કાળે માફી પાત્ર નથી: મોટેરાઓ તો ઠીક નાના-નાના ભુલકા પર દૂધ પીવે છે
જામનગર જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો તૈયાર કરી તેનું વેચાણ કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. કાલાવડ તાલુકાના હરિપર મેવાસા ગામમાં એસઓજીની ટીમે દરોડો પાડી રહેણાંક મકાનમાં ચાલતી ભેળસેળયુક્ત દૂધ બનાવવાની પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી ૪૮૬ લિટર શંકાસ્પદ દૂધ ઉપરાંત ૭૫ કિલો વનસ્પતિ ઘી અને ૪૪ કિલો દૂધનો પાવડર મળી આવતાં ચકચાર જાગી હતી, અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ હરિપર મેવાસામાં શંકાસ્પદ દૂધનો હજારો લીટર જથ્થો મળી આવ્યો હતો અને ફરી એકવાર ગામમાંથી શંકાસ્પદ દૂધનું કારસ્તાન ઝડપાયું છે.
દુધમાં ભેળસેળ કોઇ કાળે સાખી સકાય નહીં તેમાં પણ નકલી પ્રકારનું દૂધ બનતું હોય તો આવા કાળા કારનામા કરનારાઓના મોઢા બરાબર કાળા થવા જોઇએ અને એમને કડકમાં કડક સજા મળવી જોઇએ.
કોઇપણ ખાદ્ય ચિજમાં ભેળસેળ ઘાતક છે, અમાનવીય છે અને આ એક મોટો અપરાધ છે, વર્ષોથી ભેળસેળીયા આ કૃત્ય કરતા રહ્યાં છે, પકડાતા પણ રહ્યાં છે, પરંતુ અફસોસ દ્રષ્ટાંતપ સજા નહીં મળતી હોવાથી ભેળસેળીયા તત્વો હવે બેફામ બનીને દૂધ જેવા નિર્દોષ પીણા પર ભેળસેળ કરવા ઉતરી પડયા છે.
રાજકોટ રેન્જના આઈ.જી. નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઓજીના પી.આઈ. વી.જે. રાઠોડ તથા પીએસઆઈ એલ.એમ. ઝેર અને એ.વી. ખેરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ કાલાવડ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન એસ.ઓ.જી.ના જવાનો બળભદ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, મયુરરાજસિંહ જાડેજા અને નરપાલસિંહ જાડેજાને સંયુક્ત બાતમી મળી હતી કે, હરિપર મેવાસા ગામના રબારીવાસમાં રહેતા મેરૂભાઈ બધાભાઈ વંશ પોતાના રહેણાંક મકાનમાં ભેળસેળયુક્ત દૂધ તૈયાર કરી રહ્યા છે.
આ બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે મકાનમાં ઓચિંતો દરોડો પાડતાં ત્યાં શંકાસ્પદ દૂધ બનાવવાની પ્રવૃત્તિ ચાલતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી આશરે ૪૮૬ લિટર શંકાસ્પદ દૂધ, ૭૫ કિલો વનસ્પતિ ઘી અને ૪૪ કિલો દૂધનો પાવડર મળી કુલ જથ્થો કબજે કર્યો હતો.
બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એસઓજી દ્વારા ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવતાં અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. ફૂડ સેફ્ટી ઓફિસરે શંકાસ્પદ દૂધના નમૂના લઈ સીલબંધ કરી કબજે કર્યા હતા. ત્યારબાદ શંકાસ્પદ દૂધ, વનસ્પતિ ઘી અને દૂધના પાવડરના જથ્થાનો યોગ્ય પદ્ધતિથી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી વિભાગે મેરૂભાઈ વંશ સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કાલાવડ તાલુકાના હરિપર મેવાસામાં ભેળસેળયુક્ત દૂધનો જંગી જથ્થો સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
કાલાવડ પંથકમાં અવાર નવાર ભેળસેળના કાળા કારનામા ખુલતા રહ્યાં છે, ભેળસેળીયાઓ માટે આ એપી સેન્ટર જેવું બની ગયું છે, જો કે માત્ર અહીં જ નહીં આખા જિલ્લામાં ખાદ્યચિજોની ભેળસેળ કરનારાઓ સામે કડકમાં કડક નહીં કઠોર થી કઠોર પગલા લેવાય એવું લોકો ઇચ્છી રહ્યાં છે.