દ્વારકાના મોજપ અને મૂળવેલ ગામમાં જુગારના અડ્ડા પર દરોડા
તીનપતી રમતા બે મહિલા સહિત ૯ પકડાયા: રૂ. ૧.૫૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મીઠાપુર અને ઓખા મરીન પોલીસ સ્ટાફ દ્વારા જાહેરમાં ચાલતા જુગારધામ પર બે અલગ-અલગ દરોડા પાડીને તીનપત્તીનો જુગાર રમતા બે મહિલા સહિત કુલ નવ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે બંને સ્થળેથી રોકડ રકમ, મોબાઈલ અને વાહનો મળી કુલ રૂ. ૧,૫૮,૩૪૦ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ દરોડાની વિગત મુજબ, મીઠાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે મોજપ ગામના પ્લોટ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં ગંજિપતાના પાના વડે ’તીનપત્તી રોન પોલીસ’ નામનો જુગાર રમી રહેલા મોજપ ગામના રહીશ લખમીબેન હઠુભા ચમડીયા (ઉં.વ. ૪૫), ભીમરાણા ગામના સુનિતાબેન રાયશી નાયાણી (ઉં.વ. ૩૫) અને પાડલી ગામના રામભા બાલુભા કારા (ઉં.વ. ૩૨)ને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૨૨,૫૪૦ તથા ગંજિપતાના પાના કબજે કરીને મીઠાપુર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ જાડેજાએ સંભાળી છે.
બીજા બનાવમાં, એલ.સી.બી. દેવભૂમિ દ્વારકા તથા ઓખા મરીન પોલીસની ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને મૂળવેલ ગામમાં રણજીતભાની વાડી સામે આવેલ હીરા તળાવ નજીકના બાવળની જાળીમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી જુગાર રમતા મૂળવેલના શિવાભા મોમાયાભા જગતિયા, રાજપરાના બુધિભા પબુભા માણેક અને પત્રામલભા દેવુભા માણેક, સુરજકરાડી શક્તિનગરના બહાદુરભા ખેતાભા જામ, પોશીત્રાના આરીફભાઈ વલીમામદભાઈ ચાવડા તેમજ આરંભડાના કાસમભાઈ બચુભાઈ સુમણીયા સહિત કુલ છ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસ ટીમે આરોપીઓ પાસેથી રોકડા રૂ. ૩૦,૮૦૦, મોબાઈલ ફોન નંગ ૬ કિં.રૂ.૩૦,૦૦૦ તથા રૂ. ૭૫,૦૦૦ ની કિંમતના ૩ મોટરસાયકલ મળી કુલ રૂ. ૧,૩૫,૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઓખા મરીન પોલીસ મથકે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ રવિભાઈ સોલંકી ચલાવી રહ્યા છે.