જામનગરના સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી જુદા જુદા નાગરિકોના ગુમ થયેલા ૧૯ જેટલા મોબાઈલ ફોન પોલીસે બે મહિનાની કવાયત હાથ ધરીને શોધી કાઢી તેના મૂળ માલિકને પરત અપાયા છે.
જામનગર જિલ્લા પોલીસવડા ડો.રવિ મોહન સૈનીની આગેવાની હેઠળ શહેર જિલ્લાના નાગરિકોના ગુમ થયેલા મોબાઈલ ફોન શોધવા માટેની પોલીસ દ્વારા વિશેષથી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જામનગરના સીટી-એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી છેલ્લા ૩ મહિનાના સમયગાળા દરમિયાન આશરે ૧૯ જેટલા વ્યક્તિઓના અલગ અલગ વિસ્તારમાંથી મોબાઇલ ફોન ખોવાઈ ગયા અથવા ગુમ થયા હોવા ની જાણકારી પોલીસ તંત્રને મળી હતી. જે તમામ મોબાઈલ ફોન તેના મૂળ માલિકને પરત મળી જાય, તે માટે પોલીસ વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવવા માટે અલગ અલગ ટુકડીને કાર્યરત કરવામાં આવી હતી.
જેના અનુસંધાને જામનગરના શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ સીટી એ. ડિવિઝનના પી.આઈ. નિકુંજસિંહ ચાવડા અને તેઓની અલગ અલગ પોલીસ ટીમ દ્વારા સમગ્ર કવાયત હાથ ધરવામાં આવી હતી, અને ગુજરાત સરકારના વિશેષ પ્રકારના સોફ્ટવેર પસી.ઇ.આઈ.આર.ની મદદ લઈને સમગ્ર મોબાઇલ ફોનની કોલ ડિટેઇલ કઢાવવામાં આવી હતી, અને તેની ઝીણવટભરી તપાસ કર્યા બાદ આવા કુલ ૧૯ મોબાઇલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા.
અંદાજે ૨ લાખ રૂપિયાની કિંમતના કુલ ૧૯ નંગ મોબાઈલ ફોન કે જે જામનગર શહેર અથવા તો અન્ય વિસ્તારમાં કોઈ પણ સંજોગોમાં ગુમ થઈ ગયા હોય, તે તમામ મોબાઇલ ફોન ને શોધી ને પરત મંગાવી લેવામાં આવ્યા હતા. જેની સંપૂર્ણ યાદી તૈયાર કરી ગઈકાલે જામનગરના સિટી.એ.ડિવિઝન પી.આઈ. નિકુંજ ચાવડા ની કચેરીમાં તેરા તુજકો અર્પણ શીર્ષક હેઠળનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહીને લઈને તમામ લાભાર્થીઓએ પણ આનંદ સાથે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમજ જામનગર પોલીસ વિભાગનો વિશેષરૂપે આભાર વ્યક્ત કર્યો હતો