જામનગરમાં માતમના પર્વ મહોર્રમનો પ્રારંભ: કલાત્મક તાજીયાઓને અપાતો આખરી ટચ: ઠેર ઠેર વાએઝ
જીલ-હજની ર૯મી તારીખે ચાંદ (બીજ) થઇ જતાં માતમના પર્વ, કુરબાનીના દિવસો એટલે કે મહોર્રમ માસનો પ્રારંભ થઇ ગયો છે, કરબલાના શહીદોને યાદ કરીને સતત ૧૦ દિવસ સુધી જુદા જુદા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થશે, કલાત્મક તાજીયાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, બીજી તરફ રતનબાઇ મસ્જીદ, રઝાનગર સહિતના જુદા જુદા વિસ્તારોમાં કરબલાના શહીદો અને ઇમામ-એ-આલી મકામ, શહીદ-એ-આઝમ, હઝરત ઇમામ હુસેન અને કરબલાના શહીદોને પવિત્રતમ શહાદતને યાદ કરવામાં આવશે, તા. રપ જુન મહોર્રમની ૯ તારીખે તાજીયા પડમાં આવશે, તા. ર૬ જુન શુક્રવારના રોજ યૌમે આશુરાનો દિવસ મનાવવામાં આવશે અને સતત ૧૦ દિવસ સુધી મુસ્લિમ વિસ્તારોમાં સરબત અને ન્યાઝનું વિતરણ કરવામાં આવશે.
જામનગર શહેર-જિલ્લામાં નાના મોટા થઇને અંદાજે પ૦૦ જેટલા કલાત્મક તાજીયાઓ બનાવવામાં આવે છે અને જ્યારે આ તાજીયા પડમાં આવે છે ત્યારે યા હુસેન... યા હુસેન... ના નારા ગુંજી ઉઠે છે, આશુરાની રાત્રે અને દિવસે નિયત રૂટ પર તાજીયા ફરે છે અને ત્યારબાદ મોડી રાત્રે ટાઢા કરવામાં આવે છે, ગઇકાલે ચાંદ થઇ ગયા બાદ મુસ્લિમોએ એકબીજાને ૧૪૪૮ માં નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને સાથે સાથે કુરબાનીના મહાન પર્વને વધુ એક વખત યાદ કરીને આગામી ૧૦ દિવસ માટે ધાર્મિક કાર્યક્રમોની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
જામનગરમાં અલગ-અલગ વિસ્તારમાં કલાત્મક તાજીયા બનાવવાની કામગીરી જોરશોર થી ચાલી રહી છે એક-એક તાજિયા માટે અંદાજે દોઢ થી બે લાખનો ખર્ચ થતો હોય છે અને યુવાનો દિવસ-રાત જોયા વગર છેલ્લા દોઢેક માસથી તાજીયા બનાવાની તૈયારી કરતા હોય છે. જામનગર શહેરમાં પરવાનાવાળા તાજીયા કુલ ૪૨ છે અને હાજરોની સંખ્યામાં બીજા અનેક તાજિયા મુસ્લિમ સમાજ ના યુવાનો દ્વારા કલાત્મક તાજીયા બનાવમાં આવે છે. મુખ્યત્વે તાજીયામાં લાકડું અને થર્મોકલનો ઉપયોગ થતો હોય છે. તાજીયાની ડિઝાઇન માટે બાદ માં તેમાં અલગ-અલગ કલરનો ઉપયોગ કરવામાં આવે છે. તાજીયાને લાઇટિંગ કામ માટે હાલ માં એલ.ઇ.ડી, બોલ્ડ અને સીરિઝથી સુશોભિત કરવામાં આવે છે. તાજીયા સંચાલકો દ્વારા સતત એક થી દોઢ મહિના ની જહેમત થી તાજીયાનું કામ પુન થતું હોય છેતેનો પ્રારંભ થય ગયો છે.
તાજીયા બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે, જ્યારે લોકો તાજીયાને જોવે છે ત્યારે શહીદ-એ-આઝમ હઝરત ઇમામ હુસેનની શહાદત અને કરબલાના ૭ર શહીદોને એ મહાન શહાદતને યાદ કરે છે, આ ૧૦ દિવસ સુધી તમામ સ્થળે મજલીસો સહિતના કાર્યક્રમો પણ યોજાશે.