BREAKING NEWS

જામનગર: આરબલુસ એલસી કોલોનીમાંથી વધુ એક મુન્નાભાઇ એમબીબીએસ ઝડપાયો

  • November 16, 2026 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: આરબલુસ એલસી કોલોનીમાંથી વધુ એક મુન્નાભાઇ એમબીબીએસ ઝડપાયો

સ્ટેથોસ્કોપ, વિવિધ દવાઓ અને ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ કબજે લેતી એસઓજી

જામનગર જિલ્લામાં લાયકાત કે અધિકૃત તબીબી ડિગ્રી વિના દવાખાનું ચલાવી દર્દીઓની તપાસ કરી દવાઓ અને ઇન્જેક્શન આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિનો એસ.ઓ.જી.ની ટીમે પર્દાફાશ કર્યો છે. લાલપુર તાલુકાના આરબલુશ ગામે એલ.સી.-૮ ગેટ સામે આવેલી કોલોનીમાં દરોડો પાડી પશ્ચિમ બંગાળના એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સ્થળ પરથી સ્ટેથોસ્કોપ, વિવિધ કંપનીની દવાઓ, ઇન્જેક્શન સહિત કુલ રૂ. ૭,૩૧૭ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જામનગરના મેઘપર-ખાવડી અને લાલપુર વિસ્તારમાં છાશવારે બોગસ ડોકટરો ઝપટે ચડે છે, વધુ એક મુન્નાભાઇ એમબીબીએસ ઝપટમાં આવ્યો છે. 

જામનગર જિલ્લા પોલીસ વડાની સૂચના અન્વયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા એસઓજીની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, તે દરમિયાન એસઓજીના વિજયભાઈ કારેણા, જયેશભાઈ પઢેરીયા અને ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવને બાતમી મળી હતી કે લાલપુર તાલુકાના આરબલુશ ગામમાં એલ.સી.-૮ ગેટ સામે આવેલી કોલોનીમાં એક શખ્સ કોઈપણ પ્રકારની અધિકૃત તબીબી ડિગ્રી કે લાયકાત ધરાવતો ન હોવા છતાં દવાખાનું ચલાવી રહ્યો છે. આ શખ્સ દવાખાને આવતા દર્દીઓની તપાસ કરી જુદી-જુદી દવાઓ તથા ઇન્જેક્શન આપીને નાણાં વસૂલતો હોવાની માહિતીના આધારે એસ.ઓ.જી.ની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો.

પોલીસની તપાસ દરમિયાન દવાખાનું ચલાવતા શખ્સની ઓળખ પારીતોષ મનોજંય બિશ્વાસ તરીકે થઈ હતી. મૂળ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના ક્રિષ્નાનગર તાલુકાના ડિગ્રી ગામનો રહેવાસી આ શખ્સ હાલ આરબલુશ ગામે એલ.સી.-૮ ગેટ સામે આવેલી કોલોનીમાં રહેતો હોવાનું ખુલ્યું હતું.

દરોડા દરમિયાન સ્થળ પરથી જુદી-જુદી કંપનીની દવાઓ, સ્ટેથોસ્કોપ તથા અન્ય તબીબી સાધનો મળી કુલ રૂ. ૭,૩૧૭નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. અધિકૃત તબીબી લાયકાત વિના તબીબી પ્રેક્ટિસ કરવાની બાબતને લઈને પારીતોષ મનોજંય બિશ્વાસ વિરુદ્ધ લાલપુર પોલીસ સ્ટેશનમાં મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ-૧૯૬૩ની કલમ ૩૦ તથા ભારતીય ન્યાય સંહિતા (બી.એન.એસ.)ની કલમ ૧૨૫ મુજબ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કામગીરી એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. રાઠોડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એમ. ઝેર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.વી. ખેરના માર્ગદર્શન હેઠળ એસઓજીના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.  અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર નજીકના વિસ્તારોમાં અવારનવાર બોગસ ડોકટરો ઝપટમાં આવે છે, વધુ એક શખ્સ દવાખાનું ખોલીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતો પકડાયો છે, અગાઉ મેઘપર વિસ્તાર અને લાલપુરના આરબલુસ સીમ વિસ્તારમાં તથા કાલાવડમાં બોગસ ડોકટરો મળી આવ્યા હતા, માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા સામે કડક કાર્યવાહી કરવાની તકીદ જરૂર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application