BREAKING NEWS

જામનગર: ધ્રોલ-આમરણ નેશનલ હાઈવેની કામગીરીમાં બેદરકારી

  • August 26, 2026 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ધ્રોલ-આમરણ નેશનલ હાઈવેની કામગીરીમાં બેદરકારી

ધ્રોલ અને આમરણ નેશનલ હાઈવે (NH-151A)  ફોરલેન પ્રોજેક્ટની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. તાજેતરના વરસાદ બાદ નેશનલ હાઈવે પર વિવિધ સ્થળોએ કુલ ૯૦૬ મીટર લાંબી પ્રોટેક્શન ટો-વોલ (ટો વોલ) બહારની તરફ નમી જતાં અને બેસી જતાં સમગ્ર બાંધકામની પોલ ખુલી ગઈ છે. ઓથોરિટી એન્જિનિયર અને એનએચએઆઈ રાજકોટ પ્રોજેક્ટ ડિરેક્ટર દ્વારા સ્થળ તપાસ કરતાં સામે આવ્યું છે કે, નિયમ મુજબ ૨.૫ મીટરથી વધુ ઊંચાઈ પર આરસીસીનું મજબૂત માળખું બનાવવાનું હોય છે, તેમ છતાં કોન્ટ્રાક્ટર મેસર્સ એમકેસી ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા લોખંડના સળિયા (રિઇન્ફોર્સમેન્ટ) વગર જ આશરે ૩ મીટર ઊંચી દીવાલ બનાવી દેવામાં આવી હતી. આ ગંભીર ક્ષતિના પગલે અસરગ્રસ્ત સમગ્ર ૯૦૬ મીટર દીવાલ અને તેની સાથે જોડાયેલા પેવમેન્ટ લેયરને તોડી પાડીને પોતાના ખર્ચે નવેસરથી બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત, આમરણ સેક્શનમાં મોટા પુલના પુન:નિર્માણ દરમિયાન વાહનવ્યવહાર માટે બનાવાયેલો ડાયવર્ઝન કોઝવે સામાન્ય વરસાદમાં જ ધોવાઈ ગયો હતો. ખામીયુક્ત ડિઝાઈન અને હલકી ગુણવત્તાના કારણે આ કોઝવે તૂટી જતાં નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર ૧૨ કલાકથી વધુ સમય સુધી બંધ રાખવો પડ્યો હતો. ચોમાસા પહેલાં પુલનું કામ પૂર્ણ કરવાની વારંવારની તાકીદ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.

હાઈવે પર કરવામાં આવેલા સિમેન્ટ કોંક્રિટ પેવિંગ રોડની ગુણવત્તા પણ અત્યંત ખરાબ અને અસંતોષકારક હોવાનું નિરીક્ષણમાં નોંધાયું છે, જેમાં રસ્તા પર ખાડા-ટેકરા, આંચકા અને કોલ્ડ જોઈન્ટ્સ જોવા મળ્યા છે. કામમાં વ્યાપક વિલંબ, હલકી ગુણવત્તા અને સલામતીના નિયમોના ભંગને પગલે ગઇંઅઈં રાજકોટના પ્રોજેક્ટ ડિરેક્ટર દ્વારા સમગ્ર મામલે ગાંધીનગર પ્રાદેશિક કચેરીને પત્ર લખી NHAI હેડક્વાર્ટરની એક્સપર્ટ ટીમ દ્વારા સ્વતંત્ર ’એક્સટર્નલ ટેકનિકલ ઓડિટ’ કરાવવા અને કરાર મુજબ કોન્ટ્રાક્ટર સામે કડક શિક્ષાત્મક પગલાં ભરવા લેખિત ભલામણ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application