BREAKING NEWS

હાપા પાસે બનશે નવી લોહાણા મહાજન વાડી: પરિમલ નથવાણીએ આપ્યું ૧,૧૧,૧૧,૧૧૧નું અનુદાન

  • October 30, 2025 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાપા પાસે બનશે નવી લોહાણા મહાજન વાડી: પરિમલ નથવાણીએ આપ્યું ૧,૧૧,૧૧,૧૧૧નું અનુદાન

જામનગરમાં હાપા ખાતે લોહાણા સમાજની નવી મહાજન વાડી બનશે, આગામી સમયમાં આ અંગેની સત્તાવાર વિગતો જાહેર થઇ શકે છે કે, મહાજન વાડી કેટલાં ફ્લોરની બનશે...?, દરમ્યાનમાં નવી મહાજન વાડી બનાવવા માટે અનુદાનનો ધોધ વછૂટ્યો છે, ગઇકાલે લાલ પરિવાર દ્વારા મોટું અનુદાન અપાયા બાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલાં રાજ્યસભાના સાંસદ પરિમલભાઇ નથવાણીએ પણ ૧,૧૧,૧૧,૧૧૧/- નું અનુદાન જાહેર કરવામાં આવ્યું છે, આમ બે પરિવાર તરફથી જ નવી લોહાણા મહાજન વાડી માટે ૨ કરોડ ૨૨ લાખ જેવી માતબર રકમ અત્યારથી જ એકઠી થઇ ગઇ છે. જિલ્લા કલેકટર કેતન ઠકકર પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

ગઇકાલે જલારામ જયંતી નિમિત્તે પ્રણામી સ્કૂલના પટાંગણમાં લોહાણા સમાજના નાત જમણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યસભાના સાંસદ ઉપસ્થિત રહ્યા હતા, ગુજરાત લોહાણા મહાજનના પ્રમુખ જીતુ લાલ સહિતના આગેવાનો દ્વારા પરિમલભાઇ નથવાણીનું અભિવાદન કરવામાં આવ્યું હતું, તેમણે આગેવાનો સાથે વાતચીત કરી હતી, ત્યારબાદ જમવાના કાઉન્ટર પર પહોંચીને પ્રસાદ પણ ચાખ્યો હતો.

આ ઉપરાંત જામનગરમાં નવી લોહાણા મહાજન વાડી આકાર લઇ રહી હોવાની વાત એમને કરવામાં આવતાં પરિમલભાઇ તરફથી પણ ઉપરોક્ત માતબર રકમનું અનુદાન જાહેર કરવામાં આવ્યું હતું.

હાલમાં પંચેશ્ર્વર ટાવર ખાતે લોહાણા મહાજન વાડી છે, પરંતુ હવે સમયની સાથે વધુ આધુનિક અને મોટી લોહાણા મહાજન વાડી બનાવવા માટે હાપા માર્કેટીંગ યાર્ડ રોડ પર ફ્રૂટ માર્કેટની પાછળ જમીન ખરીદી લેવામાં આવી છે અને કદાચ ટૂંક સમયમાં આ લોહાણા મહાજન વાડીના નિર્માણનું કાર્ય શરુ થઇ શકે છે.

સંભવત: આગામી દિવસોમાં ગુજરાત લોહાણા મહાજન સમાજના પ્રમુખ અને જામનગરના વતની જીતુ લાલ તરફથી નવી લોહાણા મહાજન વાડીના નિર્માણ સંબંધેની તમામ વિગતો કદાચ જાહેર થઇ શકે છે, આ નવી વાડી કેટલાં ફ્લોરની હશે...? શું-શું સુવિધા હશે...? આ તમામ વિગતો આગામી દિવસોમાં જાહેર થઇ શકે છે, નવી વાડી બનવાની વાત જાહેર થઇ હોવાથી લોહાણા સમાજમાં પણ આનંદની લાગણી ફેલાઇ છે.

સુત્રોનાં જણાવ્યા મુજબ બે પરિવાર તરફથી નવી લોહાણા મહાજન વાડીનાં નિર્માણ કાર્ય માટે માતબર રકમનું અનુદાન મળી ચુકયુ છે આ ઉપરાંત લોહાણા સમાજના ઘણા આગેવાનો દ્વારા પણ ૧૧ લાખથી લઇને પ લાખ સુધીનાં અનુદાનની જાહેરાત કરવામાં આવી છે. આમ સમાજ તરફથી પણ ઉમળકાભેર સહકાર સાંપડી રહ્યો હોવાની લાગણી ગુજરાત લોહાણા મહાજન અઘ્યક્ષ જીતુ લાલ દ્વારા વ્યકત કરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application