હાલારમાં દિવાળીના આતશબાજીથી આકાશ દીપી ઉઠ્યું, નૂતનવર્ષના વધામણાં
ઉજવણી: મંદી અને મોંઘવારી ભૂલી હાલારવાસીઓએ પ્રકાશના પર્વને આનંદ અને ઉત્સાહ સાથે મન ભરીને માણ્યું, બંને જિલ્લામાં પ્રવાસન સ્થળો જનમેદનીથી ઉભરાયા
ડીજીટલ યુગમાં પણ ચોપડા પૂજન, ભાઇબીજ અને નવા વર્ષની શુભેચ્છાની પરંપરા અકબંધ: દીપોત્સવમાં લોકોએ મીઠાઇ,ફરસાણ અને હરવા-ફરવાની ભરપૂર મોજ માણી
આવતીકાલે લાભપાંચમ, બજારો અને વેપાર-ધંધા પુન: ધમધમશે...
હાલારમાં દીવાળીના ફટાકડાની આતશબાજીથી આકાશ દીપી ઉઠ્યું હતું. મંદી અને મોંઘવારી ભૂલી હાલારવાસીઓએ પ્રકાશના પર્વને આનંદ અને ઉત્સાહ સાથે મન ભરીને માણી નૂતનવર્ષના હરખભેર વધામણાં કર્યા હતાં. ડીજીટલ યુગમાં પણ ચોપડા પૂજન, ભાઇબીજ અને નવા વર્ષની શુભેચ્છાની પરંપરા અકબંધ રહી છે. દીપોત્સવમાં લોકોએ મીઠાઇ, ફરસાણ અને હરવા-ફરવાની ભરપૂર મોજ માણી હતી.
હાલારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રકાશના પર્વ દીવાળીની રંગચંગે ઉજવણી થઇ હતી. ધનતેરસથી દીપાવલીના તહેવારનો પ્રારંભ થયો હતો. હાલારવાસીઓએ આ દીવસે સોના-ચાંદીની મોટી સંખ્યામાં શુકતવંતી ખરીદી કરી હતી. કાળી ચૌદશના લોકોએ ખાસ પૂજા-અર્ચના કરી હતી. દીવાળીના તહેવારોમાં શાળા તથા મોટાભાગના ધંધા-રોજગારમાં મીની વેકેશન હોય લોકોએ મનભરીને દીપાવલીના તહેવારો માણ્યા હતાં.
દીવાળીના વેપારીઓએ ચોપડા પૂજનની પરંપરા જાળવી હતી. રાતભર ફટાકડાની આતશબાજીથી આકાશ દીપી ઉઠયું હતું. શહેરમાં રાત્રીના જાણે દીવસ ઉગ્યો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. શહેરના ડીકેવી સર્કલ, જી.જી.હોસ્પિટલથી પંચવટી રોડ, શરૂ સેકશન રોડ, ખોડીયાર કોલોની માર્ગ સહીતના સ્થળો પર મોડીરાત્રી સુધી શહેરીજનોએ ફરવાની સાથે ફટાકડા ફોડવાની મોજ માણી હતી. આ વર્ષે દીવાળી બાદ પડતર દીવસ એટલે કે ધોકો હોય મંગળવારે લોકોએ નૂતનવર્ષના વધામણાં કર્યા હતાં. ડીજીટલ યુગમાં લોકો મોબાઇલની સાથે રૂબરૂ નવા વર્ષની શુભકામના પાઠવવાની પરંપરા જાળવી હતી. આટલું જ નહીં લોકોએ એકબીજાના મોં મીઠા કરાવી નૂતનવર્ષની શુભેચ્છા પાઠવી હતી. ભાઇ અને બહેનના પ્રેમના પ્રતીક ભાઇબીજના તહેવારની પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. દીવાળીના તહેવારોની રજામાં જામનગર અને દેવભૂમિ દ્રારકા જિલ્લાના બરડા સફારી, યાત્રાધામ દ્વારકા, ઘુમલી, નરારા ટાપુ સહીતના પ્રવાસન સ્થળો પર જનમેદની ઉમટી પડતા હાઉસફુલના દ્રશ્યો જોવા મળ્યા હતાં. દીપાવલીમાં લોકોએ મીઠાઇ, ફરસાણ અને હરવા-ફરવાની ભરપૂર મોજ માણી હતી. આથી હોટલ અને રેસ્ટોરન્ટ ધારકોને તડાકો બોલી ગયો હતો. નૂતનવર્ષના ઠેર-ઠેર સ્નેહમીલનના કાર્યક્રમો પણ યોજાયા હતાં. જેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આમ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઉત્સવપ્રિય જનતાએ દીપોત્સવ એટલે કે દીવાળીના તહેવારોને મનભરીને માણ્યા હતાં.